ઈમરાન ખાનનો પનો ટુંકો પડ્યો

Wednesday 01st August 2018 07:12 EDT
 

પાકિસ્તાનમાં ૨૫ જુલાઈએ યોજાયેલી નેશનલ એસેમ્બલીની ૨૭૨ બેઠક અને પ્રાંતીય ધારાસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને પાકિસ્તાન તહરિક –એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાન નવા વડા પ્રધાન બનશે તે નિશ્ચિત છે. જોકે, બહુમતી હાંસલ કરવામાં તેમનો પનો ટુંકો પડ્યો છે. આ માટે આવશ્યક ૧૩૭ બેઠકના સ્થાને PTIને ૧૧૬ બેઠક જ સાંપડી છે, જ્યારે પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પીએમએલ-એન પક્ષને ૬૪, બિલાવલ ભુટ્ટોના પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ૪૩ બેઠક મળી છે. સ્પષ્ટ બહુમતી મળવાના અભાવે ઈમરાન ખાને અન્ય પક્ષો તરફ સમર્થનનો હાથ લંબાવવો પડશે. આ ચૂંટણીમાં ભારે ગેરરીતિઓ થયાના આક્ષેપો કર્યા પછી પણ નાના પક્ષો અને અપક્ષોએ ઈમરાન ખાન વડા પ્રધાન બનશે તે સ્વીકારી લીધું છે અને ગઠબંધન સાધવાના તેના પ્રયાસો તરફ હાથ પણ લંબાવ્યો છે. એમ કહેવાય છે કે આ સિનારિયો પાર્કિસ્તાની આર્મી, સિક્યોરિટી એજન્સીઓ અને સ્થાપિત હિતોની સ્ક્રીપ્ટ અનુસાર જ રચાયો છે. લોકો પણ કહે છે કે પાકિસ્તાની શક્તિશાળી આર્મીએ ચૂંટણી અગાઉના દિવસોમાં ઈમરાનના રાજકીય હરીફોને ધાકધમકી અને ધરપકડો થકી આડકતરી મદદ કરી છે. આનું કારણ એ કહેવાય છે કે નવાઝ શરીફને ભારે બહુમતી મળ્યા પછી તેમણે આર્મી અને ISIની ધૂંસરી ફગાવી સ્વતંત્રપણે શાસન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્થિતિ ફરી ન સર્જાય તે માટે જ ઈમરાન ખાનનો વિજય તેમણે અપંગ બનાવી દીધો છે.
ઈમરાન ખાન અને તેની પાર્ટી ૨૨ વર્ષના સંઘર્ષ પછી સત્તાના ફળ ચાખવા થનગની રહી છે ત્યારે પાકિસ્તાનના અર્થતંત્રની વૃદ્ધિ, સ્થિરતા અને સુધારાની તરફેણ કરે તે સ્વાભાવિક અને વાજબી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન, ફાસ્ટ બોલર અને ખેલાડી તરીકે તે પોતાની રણનીતિ માટે પંકાતો હતો પરંતુ, રાજકારણ ક્રિકેટની પીચ નથી, તેની ભૂમિ ભારે લપસણી છે. પાકિસ્તાન આર્થિક રીતે બેહાલ છે ત્યારે ઈમરાન ‘નયા પાકિસ્તાન’ની રચનાના સ્વપ્ન નિહાળે છે પરંતુ, ગરીબો માટે નોકરીઓ સહિતના લોકરંજક વચનો સિવાય તેનો એજન્ડા સ્પષ્ટ નથી.
ઈમરાન ખાને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધ બધા માટે મહત્ત્વના હોવાનું નિવેદન કર્યું છે. પાકિસ્તાન તહરિક –એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડાએ તેની પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી તે પછી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારત સાથે વેપારી સંબંધ વધારવા કોઈ પણ સરકાર માટે પ્રાયોરિટી હોવી જોઈએ તેમ ખાને સ્પષ્ટ જણાવ્યું છે. તેણે કહ્યું છે કે તમે એક પગલું આગળ વધશો તો અમે બે પગલાં આગળ વધીશું. જોકે, તેણે દરેક પાકિસ્તાની નેતાની માફક કાશ્મીર રાગ આલાપીને મિલિટરી અને સ્થાપિત હિતોને ખુશ રાખવાની પેરવી પણ કપરી છે. તેણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાનના સારા સંબંધોમાં એકમાત્ર અવરોધ કાશ્મીર મુદ્દો જ રહ્યો છે. બંને દેશોએ કાશ્મીર વિશે વાટાઘાટ કરવી જ જોઈએ. આપણે દોષારોપણની રમત અટકાવવી જોઈએ. કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ થાય છે, ત્યાં આર્મી ગોઠવાયેલી છે અને કાશ્મીરીઓ સહન કરી રહ્યા છે. નેતાગીરીએ કોઈ માર્ગ શોધવો જ રહ્યો.’
જો કાશ્મીર મુદ્દે ઈમરાન ખાનનું આ જ વલણ હોય અને રહેશે તો બંને દેશોના સંબંધમાં આગેકૂચ થવાના બદલે પીછેહઠ જ થશે, કારણકે તે પાકિસ્તાની આર્મીની જ ભાષા બોલી રહ્યા છે. કાશ્મીરમાં આતંકી ઉપદ્રવો માટે પાકિસ્તાન જ પૂર્ણપણે જવાબદાર છે. અત્યાર સુધી ભારતે દોસ્તીનો હાથ લંબાવે જ રાખ્યો છે પરંતુ, હંમેશાં નિષ્ફળતા જ મળી છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદી વિચારધારાને વરેલી ઈમરાન ખાનની પાર્ટી સત્તા પર આવવાથી તેમજ આતંકવાદને પાકિસ્તાનના મજબૂત સમર્થનને ધ્યાનમાં લેતાં જમ્મુ અને કાશ્મીર તેમજ બાકીના ભારતની પ્રજાની સલામતી વિશે ચિંતા થવી સ્વાભાવિક છે. જોકે, આ ચૂંટણી પરિણામોમાં આપણે એક બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે આતંકવાદના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદના અલ્લાહ-ઓ-અકબર તેહરિક તેમજ અન્ય ધાર્મિક અને કટ્ટરવાદી સંગઠનોએ ઉભા રાખેલા ઉમેદવારોને પાકિસ્તાની પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છે. જોકે, આ જૂથો અદૃશ્ય થઈ જવાના નથી. આ તમામ પરિબળો અને હકીકતો છતાં આપણે આશા રાખીએ કે ઈમરાન ખાન સ્પોર્ટ્સમેન સ્પિરીટ દાખવશે અને ભારતના પ્રયાસોને સબળ સાથ આપશે. ભારતની માફક જ પશ્ચિમી દેશોની સરકારો પણ અણુસત્તા અને વિશ્વમાં સૌથી વધુ વસ્તી સાથેનું છઠ્ઠું રાષ્ટ્ર પાકિસ્તાન હિંસક ઉગ્રવાદનો સામનો કેવી રીતે કરશે તે તરફ ધ્યાનથી નિહાળી રહ્યા છે.


comments powered by Disqus