૧૫ વર્ષ પહેલાં (૨૮ જુલાઇ, ૨૦૦૩) ગુજરાત સમાચાર કાર્યાલયના "કર્મયોગા હાઉસ"માં "વાણી તારાં વહેતા પાણી" નેજા હેઠળ "હાલના ભારતમાં સેક્યુલારીઝમનું અસ્તિત્વ" વિષયક વાર્તાલાપનું આયોજન કરાયું હતું. એ સમયે વેમ્બલી અરેનામાં પૂ. મોરારીબાપુની રામકથામાં ભાગ લેવા આવેલા વિદ્વાન, ચિંતકો, સાહિત્યકારોમાં જાણીતા પત્રકાર- ચિંતક નગીનદાસ સંઘવી, સાહિત્યકાર વિનુભાઇ મહેતા, કેશવાનંદજી પણ વાર્તાલાપમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂ. મોરારીબાપુ સાથે ૩૫ વર્ષથી નિકટ સંબંધ ધરાવનાર વિનુભાઇ મહેતાએ ઉપરોક્ત વિષય ઉપર નિડરતાપૂર્વક, જુસ્સાભેર વક્તવ્ય રજૂ કર્યા બાદ એમના પર જીવલેણ હ્દયરોગનો હુમલો થતાં ઢળી પડ્યા હતા. તેઓને તાબડતોબ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ત્યાં ડોકટરોએ વિનુભાઇને મૃત જાહેર કર્યા હતા.
દિવંગત વિનુભાઇ મહેતાના બહેન કોકિલાબહેન અને એમના પતિ ભીખુભાઇ ગાંધી તાજેતરમાં પૂણેથી લંડન પ્રવાસે આવ્યાં હતાં. તેઓએ ગુજરાત સમાચાર-Asian voiceના તંત્રીશ્રી સી.બી પટેલનો સંપર્ક કરી "કર્મયોગા હાઉસ"માં જે જગ્યાએ એમના મોટાભાઇએ દેહ છોડ્યો હતો ત્યાં અંજલિ આપવા અનુમતિ માંગી હતી. કોકિલાબેન અને ભીખુભાઇની ભાવનાને માન આપી સી.બી.એ તરત જ એક પ્રાર્થનાસભાનું આયોજન કર્યું. બરોબર ૧૫ વર્ષ પછી એ જ ૨૮ જુલાઇએ વિનુભાઇની પૂણ્યતિથિએ એમના બહેન કોકિલાબહેને અશ્રુભીની આંખે દિવંગત મોટાભાઇની તસવીર સમક્ષ દીપ પ્રગટાવી, પુષ્પમાળા અર્પણ કરી હતી. એ વખતે ઉપસ્થિત સૌએ હનુમાન ચાલીસા પાઠ કરી અંજલિ આપી હતી.

