કાશ્મીરમાં માનવાધિકારઃ યુએનનો પૂર્વગ્રહ દેખાયો

Wednesday 01st August 2018 06:33 EDT
 

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની આડોડાઈમાં હવે યુએન પણ સામેલ થયું છે. આના પરિણામે, પાકિસ્તાનને વધુ કાગારોળ કરવાની તક સાંપડી છે. સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર સંબંધિત કચેરીના વડા ઝાયદ બિન રાદ અલ-હુસૈનના રિપોર્ટમાં કાશ્મીરમાં માનવ અધિકારોના સરેઆમ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો છે તેનાથી યુએન મહાસભામાં વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવતા પાકિસ્તાનને ‘દોડવું હતું અને ઢાળ મળ્યો’ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ રિપોર્ટથી કાશ્મીરમાં અલગાવવાદી પરિબળોને પણ ભારતવિરોધી નવો રાગ આલાપવાની તક મળી ગઈ છે. કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ મુદ્દે આંતરરાષ્ટ્રીય તપાસ પંચની રચના થવી જોઈએ તેવી ભલામણને યુએન જનરલ સેક્રેટરી એન્ટોનીઓ ગુટેરેસે પણ સમર્થન આપ્યું છે. જોકે, ભારતે આ રિપોર્ટ અને તેના સમર્થનને તર્કદોષપૂર્ણ, તથ્યહીન, પક્ષપાતી અને પૂર્વગ્રહપ્રેરિત જણાવીને ફગાવી દેવા સાથે તેની પાછળના ઈરાદા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે તેમાં જરા પણ ખોટું નથી. ભારતનો સ્પષ્ટ મત રહ્યો છે કે જમ્મુ અને કાશ્મીરનો સમગ્ર પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે અને પાકિસ્તાને હુમલો કરીને તેના થોડા હિસ્સા પર વર્ષોથી ગેરકાયદે કબજો જમાવી રાખ્યો છે.
યુએન માનવાધિકાર રિપોર્ટમાં કાશ્મીરમાં લશ્કર દ્વારા કથિત નિર્દોષ નાગરિકોની હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રિત રિપોર્ટ મુજબ કાશ્મીરમાં ૧૩૦થી ૧૪૫ નાગરિક સુરક્ષા દળોના હાથે તેમજ ઉગ્રપંથીઓના હાથે ૨૦ નાગરિકો માર્યા ગયા છે. આ રિપોર્ટમાં ભારતીય જવાનોનો કેટલો ભોગ લેવાયો તેના વિશે એક શબ્દ પણ લખાયો નથી. ભારતીય લશ્કરને Armed Forces (Jammu and Kashmir) Special Powers Act થકી વિશેષ સત્તા હાંસલ થઈ છે તે સામે પણ આ રિપોર્ટમાં પ્રશ્ન ઉઠાવાયો છે. આ કહેવાતા નિર્દોષ નાગરિકો ભારતીય જવાનો સામે પથ્થરમારો કરે છે, કાયદો હાથમાં લે છે, પાકિસ્તાન દ્વારા ઘૂસાડાયેલા અને તાલીમબદ્ધ આતંકવાદીઓને આશ્રય આપે છે તેમજ જવાનો પર હિંસક હુમલા કરે છે તે આ માનવાધિકારોના હિમાયતીઓને ધ્યાનમાં આવતું નથી. શું ભારતીય જવાનોનો કોઈ માનવ અધિકાર ન હોય? કહેવાતા નિર્દોષ નાગરિકોના હુમલાઓ સામે સ્વરક્ષણનો અને આતંકવાદીઓથી દેશના રક્ષણનું કર્તવ્ય સુપેરે બજાવવાનો અધિકાર જવાનો પાસે શા માટે ન હોય?
યુએન એક તરફ વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની તરફેણ કરે છે અને પાકિસ્તાન દ્વારા પ્રેરિત અને સમર્થિત આતંકવાદ તરફ આંખ આડા કાન કાન કરે છે. પાકિસ્તાન સરકાર, લશ્કર અને તેની જાસૂસી સંસ્થા ISI દ્વારા ભારતમાં આતંકવાદીઓ મોકલવામાં આવે છે તેમજ કાશ્મીરમાં અલગાવવાદી પરિબળોને સમર્થન અપાય છે તે સર્વવિદિત અને સર્વસ્વીકૃત હકીકત છે. યુએનની નીતિ જ ‘ધણીને કહે ધા અને ચોરને કહે નાસ’ જેવી બેવડાં ધોરણની છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જગતના કાજી અમેરિકાએ પણ ૨૦૦૬માં સ્થાપિત યુએન માનવ અધિકાર કાઉન્સિલના વલણ સામે વાંધો ઉઠાવી સ્વૈચ્છિકપણે તેનું સભ્યપદ ફગાવી દીધું છે.


comments powered by Disqus