૨૦૧૫માં ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા કોમ્યુનિટી સર્વિસ માટે એવોર્ડ મેળવનારી નવજીવન વડીલ કેન્દ્ર (NVK) જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા છે. સંસ્થા દ્વારા ઈક્વોલિટીઝને પ્રોત્સાહન આપવા માટે ગઈ ૨૧ જૂને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. બ્રિટનમાં મહિલાઓને મતદાનનો અને સરકાર સમક્ષ રજૂઆતનો અધિકાર મળ્યો તેને ૧૦૦ વર્ષ પૂરા થયા તે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્લાઈડ શો સાથે શ્રી વિપુલ કલ્યાણી, શ્રીમતી કુંજ કલ્યાણી અને શ્રીમતી ભદ્રાબેન વડગામાએ વિષયને અનુરૂપ વક્તવ્યો આપ્યા હતા.
તેમણે જાહેરમાં આવીને શ્રમિકોની ચળવળમાં ભાગ લઈને ફેક્ટરીઓમાં કામ કરતી મહિલાઓના અધિકાર માટે લડત ચલાવનારા સૌ પ્રથમ ભારતીય મહિલા જયાબેન દેસાઈ વિશે વાત કરી હતી. જશુબેન શેઠ દ્વારા આ રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સંસ્થા દ્વારા ગત ૨૮ જૂને યોજાયેલા કાર્યક્રમમાં હેરો કાઉન્સિલના બે અગ્રણી કાઉન્સિલર શ્રી સચિન શાહ અને શ્રી નીતિન પારેખ હાજર રહ્યા હતા. તેમણે કાઉન્સિલ દ્વારા થયેલી કામગીરીની વિગતો આપી હતી. તેમણે ઉપસ્થિત દર્શકોના સંખ્યાબંધ પ્રશ્રોના સંતોષજનક જવાબ આપ્યા હતા.
નવજીવન વડીલ કેન્દ્ર દ્વારા દર ગુરુવારે યોગા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સંસ્થામાં હાલ ૪૧૦ સભ્યો છે.
