ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં યોજાયેલી નેશનલ એસેમ્બ્લીની ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં ત્રિશંકુ સંસદની રચના થઈ છે. વડા પ્રધાનપદ અને સરકાર રચવાની રેસમાં સૌથી આગળ એવા ઇમરાન ખાન અને તેમની પાર્ટી સંસદમાં બહુમતી માટે જરૂરી ૧૩૭ બેઠકો મેળવવામાં નિષ્ફળ જતાં પનો ટૂંકો પડયો છે. જોકે છેલ્લા અહેવાલ અનુસાર, ૧૧ ઓગસ્ટે ઇમરાન ખાન વડા પ્રધાન પદના શપથ લેશે તે નક્કી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં પ્રજાજનોએ ભલે કોઇ એક પક્ષને સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી આપી ન હોય, પરંતુ કટ્ટરવાદી હાફિઝ સઇદના પક્ષને એક પણ બેઠક ન આપીને કટ્ટરવાદને સ્પષ્ટ જાકારો આપ્યો છે. પાકિસ્તાનમાં નેતા બનવાનાં દિવાસ્વપ્નમાં રાચતા લશ્કર-એ-તોયબાના આતંકવાદી સઇદે ચૂંટણીમેદાનમાં ઉતારેલા તમામ ૨૬૫ ઉમેદવારને જનતાએ નકારી કાઢી સંદેશો આપ્યો છે કે તેઓ આતંકવાદીઓની સાથે નથી.
ચોરીનો જનાદેશ: નવાઝ શરીફ
ભ્રષ્ટાચારના અપરાધમાં દોષિત ઠરી જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે સંસદની ચૂંટણીનાં પરિણામને ચોરીનો જનાદેશ ગણાવતાં જણાવ્યું હતું કે, કલંકિત પરિણામો દેશની રાજનીતિને દૂષિત કરી નાખશે. નવાઝ શરીફે ફૈસલાબાદ, લાહોર અને રાવલપિંડીનાં ચૂંટણી પરિણામ પર શંકા વ્યક્ત કરી હતી. ચૂંટણી પરિણામ બાદ જેલમાંથી પહેલી પ્રતિક્રિયા આપતાં નવાઝ શરીફે જણાવ્યું હતું કે, આ બેઠકો પર અમારી પાર્ટીના ઉમેદવારો ઘણી સારી સ્થિતિમાં હતા પરંતુ તેમને પરાજિત જાહેર કરાયા છે. નવાઝ શરીફના ભત્રીજા હમઝા શેહબાઝ શરીફે જણાવ્યું હતું કે, અમને ચૂંટણીમાં થયેલી ગેરરીતિઓ સામે તમામ વાંધા હોવા છતાં અમે વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશું. અમારા તરફથી સરકાર રચવાના કોઈ પ્રયાસ થવાના નથી.
પક્ષવાર બેઠકો
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પક્ષને ૧૧૭, નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝને ૬૪, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ને ૪૩ બેઠકો મળી છે જ્યારે વિવિધ પક્ષોના ગઠબંધન સમાન મુત્તાહિદ-મજલિસ-ઈ-અમાલને ૧૩ બેઠક મળી હતી. અપક્ષ ઉમેદવારોને ૧૪, મોહાજીર કોમી મૂવમેન્ટ-પીને ૬, પીએમએલ ક્યૂને ૫, બલૂચિસ્તાન નેશનલ પાર્ટીને ૪ અને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સને ૨ બેઠક મળી હતી.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં સરકારની રચના માટે બહુમતી ૧૩૭ બેઠકોની જરૂર છે, જ્યારે ઇમરાનની પાર્ટીને ૧૧૭ બેઠક મળતાં જરૂરી બહુમતીમાં ૨૦ બેઠક ઓછી પડી છે. આમ ઇમરાનને પાકિસ્તાનમાં સત્તા પર આરૂઢ થવા માટે અપક્ષ અને અન્ય પાર્ટીઓનો સહારો લેવો પડશે.
પંજાબમાં ત્રિશંકુ વિધાનસભા
પાકિસ્તાનનાં પંજાબમાં ઇમરાનની પાર્ટીએ નવાઝ શરીફનું સરકાર રચવાનું સ્વપ્ન રોળી નાખ્યું છે. પીટીઆઈને ૧૨૩ અને પીએમએલ-એનને ૧૨૭ બેઠક પ્રાપ્ત થઈ છે, તેથી હવે અપક્ષ અને અન્યોની મદદથી બંને પાર્ટી સરકારની રચનાના પ્રયાસ કરે તેવી સંભાવના છે.
ચૂંટણી જીતનારા મહેશ પહેલા હિંદુ
પાકિસ્તાનામાં યોજાયેલી ચૂંટણીમાં એક હિંદુ ઉમેદવારે પહેલી વખત અનામત બેઠક પરથી નહીં, પણ જનરલ બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી છે. આ નેતાનું નામ છે મહેશ મલાની. તેમને બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલના પક્ષ પીપીપીએ ટિકિટ આપી હતી. મલાની આ સાથે જ જનરલ બેઠક પરથી પાકિસ્તાનની સંસદની ચૂંટણી જીતનારા પહેલા હિંદુ બન્યા છે. ૧૬ વર્ષ પહેલા જ પાકિસ્તાનમાં બિનમુસ્લિમોને પણ મત આપવાની અધિકાર મળ્યો હતો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાક.માં લઘુમતીઓની સ્થિતિ દયનીય છે. આ સમય વચ્ચે પણ એક હિંદુએ પાકિસ્તાનમાં જીત મેળવીને ચર્ચા જગાવી છે. રાજસ્થાની મૂળના હિંદુ મહેશ મલાની આ પહેલા પણ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તેઓ ૨૦૧૩માં સિંધ પ્રાંતમાંથી ચૂંટણી જીતીને વિધાનસભામાં ગયા હતા. તેઓ આ ચૂંટણી જનરલ બેઠક પર લડ્યા હતા અને જીત મેળવનારા પાક.ના પહેલા હિંદુ બન્યા હતા. હવે તેઓએ આ રેકોર્ડ સંસદમાં પણ રચ્યો છે.

