કિગાલીઃ બે મોટા એશિયાઈ દેશ પોતાની વ્યૂહાત્મક સ્પર્ધાના ભાગરૂપે કોઈ ત્રીજા દેશમાં પહોંચે તો શું કહેવું જોઈએ? વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા સોમવારે રવાન્ડાના બે દિવસના પ્રવાસે પહોંચ્યા તેના થોડાક કલાકો પહેલાં જ ચીનના પ્રમુખ શી જિનપિંગ રવાન્ડાની મુલાકાત લઈને રવાના થયા હતા. ભારત અને ચીન બંને રવાન્ડામાં રસ લેતા રહ્યા છે. રવાન્ડા પણ સંતુલન સાધીને આ બંને દેશો સાથે લાભકારી સમજૂતીઓ કરવામાં સફળ રહ્યો છે.
વડા પ્રધાન મોદીએ રવાન્ડાને ૨૦ કરોડ ડોલરનું ધિરાણ આપવા વચન આપ્યું હતું. રવાન્ડા આ ધિરાણનો ઉપયોગ સિંચાઈ સુવિધા અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિકસિત કરવા ઉપયોગ કરશે. બીજી તરફ ચીની પ્રમુખ શી જિનપિંગ રવિવારે રવાન્ડામાં હતા. તેમણે રવાન્ડાને ૧૨.૬ કરોડ ડોલર આપવા વચન આપ્યું હતું. તેમાંથી ૭.૬૦ કરોડ હ્યુએથી કિબોહ સુધીની સડક બાંધવા અને બાકીની રકમ બુગેસરા એરપોર્ટ વિકસાવવા માટે ખર્ચ થશે.
ચીન કુલ ૧૪.૭ બિલિયન ડોલર રોકાણ કરશે
ચીનના પ્રમુખ શી જિનપિંગે સાઉથ આફ્રિકાને ૧૪.૭ બિલિયન ડોલરના રોકાણનું વચન આપ્યું છે. પ્રમુખ સિરીલ રામાફોસા સાઉથ આફ્રિકામાં આર્થિક વિકાસ માટે પ્રયાસશીલ છે. રામાફોસાએ ‘બ્રિક્સ’ દેશોની બેઠકનું યજમાનપદ સંભાળ્યું હતું.
