લેસ્ટરના કલાસાધક ચંદુભાઈ મટ્ટાણીનું ૮૪ વર્ષની વયે નિધન

Wednesday 01st August 2018 07:20 EDT
 
 

મૂળ માંડવી - કચ્છના અને વર્ષોથી લેસ્ટરમાં સ્થાયી થયેલા લોકલાડીલા ગાયક ચંદુભાઈ મટ્ટાણીનું તા.૨૮ જુલાઈ,૨૦૧૮ને શનિવારે ૮૪ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમની વિદાયથી પૂરી ન શકાય તેવો શૂન્યાવકાશ સર્જાયો છે. તેઓ ૬૦ વર્ષ કરતાં પણ વધુ સમયની તેમની બિઝનેસ અને સંગીતની કારકિર્દીની સમૃદ્ધ અને પ્રેરણાદાયી વીરાસત છોડી ગયા છે. તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ થયો હતો.

તેઓ હંમેશા નાનામાં નાના કાર્યમાં સંસ્કૃતિ અને પરંપરાનો સુભગ સમન્વય સાધતા હતા.તેમણે તેમના જીવનની કરોડરજ્જુ સમાન સ્વર્ગસ્થ પત્ની કુમુદબેન સાથે મળીને લેસ્ટરના બેલ્ગ્રેવ રોડ પર સાડી આઉટલેટ અને મ્યુઝિક લેબલ સોના રૂપાની રચના કરી હતી. તે ખૂબ ટૂંકા સમયમાં પારિવારિક નામ બની ગયું હતું. તેમના વ્યસ્ત જીવન વચ્ચે તેમણે ખૂબ સ્નેહ અને મમતા સાથે ત્રણ બાળકો, છ પૌત્રો અને એક પ્રપૌત્રીનો ઉછેર કર્યો હતો.

તમામ પેઢીના સંગીત અને ખાસ કરીને ગુજરાતી સાહિત્ય પ્રત્યેની ચંદુભાઈની લગનને લીધે તેઓ તમામ વયજૂથના લોકો અને સમાજના વિવિધ વર્ગમાં લોકપ્રિય થઈ ગયા હતા. એક કુશળ ગાયક તરીકે તેમણે ૧૦૦૦થી વધુ જાહેર કાર્યક્રમ અને રેકોર્ડિંગ દ્વારા તેમની કળાને રજૂ કરી હતી. ગીત - સંગીતજગતના ભૂતકાળના અને હાલના સિતારાઓ સાથે તેઓ લાંબા સમયથી સંકળાયેલા હતા. જાણીતા ગાયકોએ તેમનું આતિથ્ય પણ માણ્યું હતું. ચંદુભાઈ સંગીતના મોટા કાર્યક્રમમાં હોય, જાણીતા કવિઓ સાથે હોય કે કોમ્યુનિટીના કાર્યક્રમમાં ભક્તિગીતો ગાતા હોય, તેઓ આ બધું સહજભાવે ખૂબ સરળતાપૂર્વક કરતા હતા.

ગુજરાતી કાવ્યો - ભક્તિગીતોના સંગ્રહ ‘જય જય શ્રીનાથજી’ની રચના બાદ તેમના સંખ્યાબંધ આલ્બમો રિલિઝ થયા હતા. ગયા વર્ષે રિલિઝ થયેલો તેમનો છેલ્લો આલ્બમ ‘જીવન ઉત્સવ’ એ જીવનની ઉજવણીનો છે.

૧૯૮૩માં મિત્રોના ગ્રૂપ સાથે મળીને તેમણે શ્રુતિ આર્ટ્સની સ્થાપના કરી. તેમણે શ્રુતિ આર્ટ્સનું સંચાલન સંભાળ્યું અને લેસ્ટરમાં શ્રેષ્ઠ કાર્યક્રમોની શરૂઆત કરી. તેમાં ગઝલ સંધ્યા, સુગમ સંગીત, નૃત્ય અને નાટકથી લઈને પ્રતિષ્ઠિત શ્રુતિ આર્ટ્સ નવરાત્રિનો સમાવેશ થાય છે. શ્રુતિ આર્ટ્સ નવરાત્રિ તેમનો મુખ્ય કાર્યક્રમ બની રહ્યો જેમાં તેઓ તેમના મિત્રો અને ગાયકો આશિત અને હેમા દેસાઈ સાથે અને પાછળથી આલાપ દેસાઈ સાથે સ્ટેજ શેર કરીને ધૂમ મચાવતા હતા.

તેઓ નિઃસ્વાર્થી અને પ્રેરણાદાયી વ્યક્તિ હતા. તેમણે તેમના મોટાભાગના સમય અને શક્તિનો ઉપયોગ અન્ય લોકોને મદદરૂપ થવામાં કર્યો હતો. તેઓ ખૂબ ઉદાર અને કાળજી રાખનાર વ્યક્તિ હતા. તેમનો એક વિશિષ્ટ ગુણ એ હતો કે તે દરેક વ્યક્તિને તે ખૂબ મહત્ત્વની છે તેવો અનુભવ કરાવતા હતા.

ચંદુભાઈ ઘણાં લોકપ્રિય હતા. ઘણાં લોકોને તેમના પ્રત્યે આદરભાવ હતો. તેઓ ખરેખર એક અદભૂત માનવી હતા. તેમના નિધન બાદ દૂરદૂરના સ્થળોએથી શોકસંદેશા મળી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેમની માનવતા અને સદગુણોને આપણા રોજિંદા જીવનમાં ઉતારીને તેનો અમલ કરીએ તો તે જ આપણી તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણી શકાય.


comments powered by Disqus