શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડનમાં ૩૦ વર્ષ અગાઉ આરસપહાણમાંથી કંડારવામાં આવેલી ઘનશ્યામ મહારાજની અર્ચા સ્વરૂપ મૂર્તિ પધરાવવામાં આવી હતી. ભારત બહાર વિશ્વમાં સૌ પ્રથમ વખત આ સ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ગત તા.૨૩થી ૨૯ જુલાઈ, ૨૦૧૮ દરમિયાન ઘનશ્યામ મહારાજનો ૩૦મો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ ગયો. તે નિમિત્તે સત્સંગી ભૂષણ ગ્રંથની સપ્તાહ પારાયણનું આયોજન કરાયું હતું. કથા અંતર્ગત આવતા શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય, શ્રી સહજાનંદ સ્વામી ગાદી પટ્ટાભિષેક, રંગોત્સવ જેવા વિવિધ ઉત્સવો પણ ઉજવાયા હતા. શ્રી સ્વામીનારાયણ મંદિર, ભૂજથી પધારેલા વિદ્વાન સંતોના માર્ગદર્શન હેઠળ યજમાન પરિવાર તથા મંદિરના યુવક મંડળના સભ્યોએ તેમાં ભાગ લીધો હતો. યુવક મંડળના સભ્યો દરરોજ સાંજે ભગવાનની મૂર્તિના ધ્યાનનું મહત્ત્વ સમજાવતા હતા. મંદિર દ્વારા ચાલતી ગુજરાતી શાળા અને બાળ કેન્દ્રના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા યુવાનો દ્વારા ભક્તિસંગીતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હજારો ભાવિક ભક્તોએ તેનો લાભ લીધો હતો.

