સિઉલઃ સાઉથ કોરિયાના ડૂબકીબાજોએ જળમાંથી સોનાનો વિશાળ જથ્થો શોધી કાઢ્યો છે. કોરિયાના ઉલ્લેગંડો ટાપુ પાસે ૧૧૩ વર્ષ પહેલા દરિયાઈ યુદ્ધમાં રશિયાનું એક જહાજ ડૂબી ગયું હતું. એ જહાજમાં ૨૦૦ ટન સોનું હતું. દરિયામાં ડૂબેલા જહાજમાંથી ભાગ્યે જ કોઈ સામગ્રી પરત મેળવી શકાતી હોય છે. આથી જહાજ સાથે ભારેખમ સોનું પણ ડુબ્યું હતું અને હજુ ત્યાં જ પડયું છે. એ સોનાનો ભંડાર હવે સાઉથ કોરિયાના સંશોધકોએ શોધી કાઢ્યો છે. આજના મૂલ્ય પ્રમાણે સોનાનું મૂલ્ય ૧૩૦ બિલિયન ડોલર થાય છે.
સાઉથ કોરિયા, બ્રિટન અને કેનેડાની સંયુક્ત સંશોધક ટીમ ઘણા સમયથી ટાપુના કાંઠે જહાજનો ભંગાર શોધતી હતી. સંશોધક ટીમ પાસે બે સબમરિન હતી, જેના દ્વારા ૧૪૦૦ ફીટ ઊંડે ડૂબેલા જહાજના ફોટો-વીડિયો પણ મેળવાયા છે. જોકે ૧૯૦૫માં જાપાન સાથેના યુદ્ધમાં નુકસાન પામીને ડુબેલા જહાજને હવે ખૂબ જ કાટ લાગી ગયો છે. અલબત્ત, જહાજને ભલે કાટ લાગ્યો, પરંતુ સોનું સલામત હશે તેમ નિષ્ણાતો કહે છે. સોનાને ક્યારેય કાટ લાગતો નથી અને વળી એ વજનદાર હોવાથી દરિયામાં જ્યાં ડુબે ત્યાં જ પડી રહે છે. ૧૯૦૫ના રશિયા-જાપાન યુદ્ધ વખતે રશિયાએ દમિત્રિ દોન્સ્કોઈ નામના જહાજમાં સોનું ભરેલા ૫૫૦૦ બોક્સ રવાના કર્યા હતા.
સોનાનો આ જથ્થો જાપાનના હાથમાં ન આવે એ રશિયાનો ઉદ્દેશ હતો. જોકે યુદ્ધમાં જાપાની જહાજના હુમલામાં રશિયાનું જહાજ ડૂબી ગયું હતું અને તેની સાથે સોનું પણ તળિયે ગયું હતું.
સોનાનો આ જથ્થો દસકાઓ પછી મળી તો ગયો છે, પરંતુ તેની માલિકી કોની ગણાય? સાઉથ કોરિયાના પાટનગર સ્થિત સિનિલ ગ્રૂપે આ સોનું શોધી કાઢ્યું છે. આથી નિયમ પ્રમાણે તેમને ૧૦ ટકા હિસ્સો મળશે. કુલ ખજાના પૈકી અડધો ખજાનો રશિયાની સરકારને અપાશે. બાકીની સંપત્તિ આ ટાપુના પ્રવાસન વિકાસ માટે વપરાશે.

