ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામીનારાયણ આજ્ઞા-ઉપાસના સત્સંગ મંડળ, યુકે દ્વારા રવિવાર તા.૨૯ જુલાઈથી શનિવાર તા.૪.૮.૧૮ સુધી શ્રી સ્વામિનારાયણ મહોત્સવનું JFS સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો HA3 9TE ખાતે આયોજન કરાયું હતું. વડતાલથી પધારેલા વક્તા સંત પૂ. નિત્યસ્વરૂપદાસજી અને મંડળના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનો મંગળ પ્રારંભ કરાવ્યો હતો. મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણનો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જયના ઘોષ સાથે પૂ. નિત્યસ્વરૂપદાસજીની છટાદાર વાણીમાં આરંભ થયો હતો. તા.૨૯ જુલાઈએ પોથીયાત્રા યોજાઈ હતી. તા.૩૦ જુલાઈને સોમવારે પૂ. નિત્યસ્વરૂપદાસજીએ ઘનશ્યામ જન્મોત્સવના પ્રસંગનું સુંદર વર્ણન કરીને હરિભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. કથા દરમિયાન અન્નકુટ ઉત્સવ અને રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા.

