લંડનઃ તા.૨૨ એપ્રિલને રવિવારે બર્મિંગહામમાં હોલ ગ્રીન ખાતે યોજાયેલી BAPS વાર્ષિક 10k ચેલેન્જમાં બાળકોથી લઈને વડીલો સુધી ૧૭૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર યુકેમાં મનોરંજન અને ઉમદા હેતુ માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજાયેલી એન્યુઅલ ચેરિટી ચેલેન્જમાં ઘણાં ટાઉન અને શહેરોમાંથી ૩,૨૦૦ કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો.
એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ બર્મિંગહામમાં બાળકો, યુવાનો, પરિવારો અને વડીલો માટેની BAPSની વિવિધ શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે.
સ્થાનિક સમાજમાં વિશિષ્ટ કાર્ય બદલ બર્મિંગહામ વિમેન્સ હોસ્પિટલને પણ આ વર્ષના કાર્યક્રમ દ્વારા સહાય કરાશે. દર વર્ષે હોસ્પિટલ શહેર અને તેની આસપાસના વિસ્તારોના ૫૦,૦૦૦થી વધુ મહિલા, પુરુષો અને તેમના પરિવારોને સ્પેશિયાલિસ્ટ સેવા પૂરી પાડે છે. આ સેવાઓમાં ગાયનેક, મેટરનિટી અને નવજાત શિશુની સંભાળનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ દ્વારા BAPSના નેશનલ ચેરિટી પાર્ટનર કેરર્સ યુકેને પણ સહાય અપાઈ હતી. રોબિનહુડ એકેડેમી ખાતે સવારે ૧૧ કલાકે શરૂ થયેલી ચેલેન્જમાં હોલ ગ્રીનના ફરતે ૧૦ કિ.મીના રૂટ પર વોકર્સ, જોગર્સ અને રનર્સે ભાગ લીધો હતો. સારિકા ચૌહાણે જણાવ્યું હતું કે તેમણે તેમના બે અને છ વર્ષના બે બાળક સાથે વોક પૂરી કરી હતી. બન્નેને ખૂબ મઝા આવી હતી.
BAPS બર્મિંગહામના મુખ્ય વોલન્ટિયર વસંત પરીખે જણાવ્યું હતું કે દર વર્ષે ભાગ લેનાર લોકો બીજા લોકોને ભાગ લેવા પ્રેરે છે અને તેથી ઘણાં લોકોના જીવનમાં પરિવર્તન આવે છે.

