અમેરિકામાં ધ્રુવ ગૌરે જીતી એક લાખ ડોલરની ક્વિઝ સ્પર્ધા

Wednesday 02nd May 2018 06:39 EDT
 
 

ન્યૂ યોર્કઃ સમગ્ર અમેરિકામાં ટેલીવિઝન પર પ્રસારિત કરાયેલી ક્વિઝ શો સ્પર્ધામાં ગુજરાતી વિદ્યાર્થીએ એક લાખ ડોલરની પ્રતિષ્ઠિત જ્યોપાર્ડી કોલેજ ચેમ્પિયનશિપ જીતી છે. આઇવી લીગ બ્રાઉન યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગૌરે ૨૦ એપ્રિલે પૂરી થયેલી સ્પર્ધામાં અન્ય ૧૪ સ્પર્ધકોને હરાવીને જ્યોપાર્ડી ક્વિઝ શોની ચેમ્પિયનશિપ ટ્રાફી જીતી હતી. એક લાખ ડોલર ઉપરાંત ગૌરને ગેમ શો ટુર્નામેન્ટ ઓફ ચેમ્પિયન્સના આગામી રાઉન્ડમાં જવાની પણ તક મળી છે.
જ્યોર્જિયાના રહેવાસીએ હાઇસ્કુલ દરમિયાન પણ શૈક્ષણિક કારકિર્દીમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યાર પછી બ્રાઉન યુનિવર્સિટીમાં પ્રવેશ પહેલા સ્કોલાસ્ટિક એસેમેન્ટ ટેસ્ટમાં ૧૬૦૦ સ્કોર કર્યો હતો, એમ યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું હતું. તેમાં વધુમાં જણાવાયું હતું કે ‘૧૪ અન્ય તેજસ્વી અને પ્રતિભાશાળી સ્પર્ધકો સામે આટલી સરળતાથી સ્પર્ધામાં ઉતરવું અને પછી તરત જ જીતની અપેક્ષા કરવી વધારે પડતું કહેવાય પણ ધ્રુવ ગૌરે કરી બતાવ્યું.’
ધ્રુવે કહ્યું હતું કે ‘અંતિમ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ દરમિયાન મેં ક્યારેય પણ સ્પર્ધા જીતવાનો વિચાર પણ કર્યો નહતો. હું તો તે સમયે માત્ર એક ડગલું આગળ વધવા ઇચ્છતો હતો.’ પબ્લિક હેલ્થ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કરી રહેલા ધ્રુવે કહ્યું હતું કે આ પૈસા કેવી રીતે ખર્ચશે તેનો કોઇ જ વિચાર કર્યો નથી.


comments powered by Disqus