ગરીબી સામે ઝઝૂમતા ભાઈ બહેનની કહાની

Wednesday 02nd May 2018 06:33 EDT
 
 

ઈરાની ફિલ્મકાર મજિદ મજિદી સામાજિક પ્રશ્નો પર અદભુત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ‘ફાયર’, ‘ચિલ્ડ્રન ઓફ હેવન’, ‘બારન’ જેવી અનેક ફિલ્મો દ્વારા વિશ્વભરના દર્શકોની વાહવાહી તેણે મેળવી છે.
મજિદીએ ભારતની પૃષ્ઠભૂમિ પર બનાવેલી ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ હમણાં ચર્ચામાં છે અને આ ફિલ્મ વિશેષજ્ઞોએ આ ફિલ્મને વખાણી પણ છે.
બોલિવૂડના અદાકાર પંકજ કપૂરના દીકરા અને શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરે આ ફિલ્મથી બોલિવૂડમાં મેઈન લીડ કેરેક્ટર તરીકે પદાર્પણ કર્યું છે. દક્ષિણની અભિનેત્રી માલવિકા મોહનની પણ બોલિવૂડમાં આ પ્રથમ ફિલ્મ છે. અનેક ફિલ્મોત્સવોમાં દર્શાવાયા બાદ હવે આ ફિલ્મ ભારતમાં દર્શકો સુધી પહોંચી ચૂકી છે.
વાર્તા રે વાર્તા
ઝૂંપડીમાં રહેતા આમિર (ઈશાન) અને તેની બહેન તારા (માલવિકા)ની વાર્તા ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. તારા એક સ્લમ વિસ્તારના ધોબીઘાટ પર કામ કરતી હોય છે. આમિર ડ્રગ્સ વેચતો હોય છે. આમિર એક વખત પોલીસના હાથે પકડાઈ જાય છે. તારા દિવસ રાત એક કરીમે આમિરને બચાવી લે છે. દરમિયાન તારા જ એક દુર્ઘટનામાં ફસાઈ જાય છે. એ પછી આમિર તેની બહેનને બચાવવા માટે પ્રયત્નો કરે છે, પણ તે તેને બચાવી શકે છે કે નહીં તે જાણવા ફિલ્મ જોવી રહી.
ઈશાન છવાયો
આમ તો ઈશાન ખટ્ટરના લોહીમાં જ અભિનય વણાયેલો છે એમાં બેમત નથી. તેથી જ કદાચ પ્રથમ ફિલ્મમાં જ તેનો અભિનય નિખરીને બહાર આવ્યો છે. સિનેમાના જાણીતા નિર્દેશક ગૌતમ ઘોષ આ ફિલ્મમાં નકારાત્મક પાત્રમાં છે અને એમનો અભિનય પણ સરસ છે. મજિદી સમાજની ઘટનાઓને હૂબહૂ પરદે ઉતારવામાં નિષ્ણાત મનાય છે. મજિદીએ આ ફિલ્મમાં માત્ર ગરીબી જ નહીં. ગરીબીના કારણે કિશોર અને યુવાન આડા રસ્તે કેવી રીતે ચડી જાય છે એ સમસ્યાને પણ સુંદર રીતે વર્ણવી છે. ફિલ્મની સિનેમેટ્રોગ્રાફી પણ સરસ છે. સંગીત એ. આર. રહેમાનનું છે.


comments powered by Disqus