સોલીસીટર નયનેશભાઈ દેસાઈના માતુશ્રી જશુબેન ગુણવંતરાય દેસાઈનું તા. ૨૩ એપ્રિલને સોમવારે દુબઈ ખાતે નિધન થયું હતું. તેમનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ ગુજરાતમાં ચીનમ ખાતે થયો હતો.
તેમના લગ્ન વલસાડના ગુણવંતરાય લલ્લુભાઈ દેસાઈ સાથે થયા હતા અને ૧૯૫૯માં તેઓ તેમની સાથે ઝામ્બિયા ગયા હતા અને તેમના બિઝનેસમાં મદદ કરતા હતા. ૧૯૭૩માં તેઓ ઝામ્બિયા છોડીને યુકે આવ્યા હતા. તેઓ યોગાના અભ્યાસુ હતા અને હેરોના ક્લાસમાં નિયમિત યોગા કરતા હતા. તેમને ધર્મ અને અધ્યાત્મમાં ખૂબ રસ હતો. દુબઈમાં તેઓ પુત્રની મુલાકાતે ગયા હતા ત્યારે નિંદ્રામાં જ શાંતિપૂર્વક તેમનું નિધન થયું હતું. તેઓ તેમની પાછળ બે પુત્ર નયનેશભાઈ અને કમલભાઈને છોડી ગયા છે.

