વુહાનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૭મી એપ્રિલે મધ્ય ચીનમાં આવેલા વુહાન પહોંચ્યા હતા અને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે પ્રોટોકોલ તોડીને ચીની સાંસ્કૃતિ કાર્યક્રમો વચ્ચે મોદીનું સ્વાગત કર્યું હતું. વુહાન માઓ ઝેડોંગનું પસંદગીનું પર્યટન સ્થળ છે. બેઇજિંગની બહાર ચીની પ્રેસિડેન્ટ દ્વારા ભારતનાં વડા પ્રધાનનું સ્વાગત અને યજમાની કરાઈ હોય તેવી આ પહેલી ઘટના છે. મોદીએ સૌથી પહેલાં શહેરમાં આવેલાં હુબેઇ પ્રોવિન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ બંને નેતાઓ ઇસ્ટ લેકમાં માઓના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. ત્યાં મોદી અને જિનપિંગ વચ્ચે સૌપ્રથમ અનૌપચારિક મંત્રણા યોજાઈ હતી.
વિશ્વ શાંતિમાં ભારત-ચીન ભૂમિકા મહત્ત્વનીઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ભારત અને ચીન મોટી ભૂમિકા ભજવશે. બંને દેશ વચ્ચે વિચારધારા, સમાન અવસર, સંપર્ક, વિશ્વ શાંતિ તથા સ્થિરતા માટે અત્યંત મહત્ત્વના છે.
મોદીએ જિનપિંગને જણાવ્યું કે, ભારતની જનતાને એ વાતનું ગૌરવ છે કે, હું પહેલો વડા પ્રધાન છું જેને મળવા માટે તમે રાજધાનીની બહાર આવ્યો છો. ૨૦૧૯માં આવી જ મુલાકાતનું આયોજન ભારતની ધરતી પર થાય તો મને આનંદ થશે. આપણા પર વિશ્વની ૪૦ ટકા વસતી માટે કામ કરવાની જવાબદારી છે.
છેલ્લા ૨૦૦૦ વર્ષમાં ૧,૬૦૦ વર્ષ સુધી ભારત અને ચીને વૈશ્વિક આર્થિક વિકાસના એન્જિન તરીકે કામ કર્યું છે. ભારત અને ચીનની સંસ્કૃતિઓ નદી કિનારા પર જ વિકાસ પામી છે. ભારતની મોહેન્જો દરો અને હડપ્પન સંસ્કૃતિ તેના ઉદાહરણ છે.
વૈશ્વિક શાંતિ માટે સહકાર જરૂરીઃ જિનપિંગ
જિનપિંગે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વસંતના સમયમાં મુલાકાતનો સમય સારો છે. વડા પ્રધાન મોદીને મળીને મને ઘણો આનંદ થયો છે. વૈશ્વિક વિકાસ અને શાંતિ માટે ચીન અને ભારત વચ્ચે વધુ સહકારની જરૂર છે. મને એમ લાગે છે કે આપણે આ પ્રકારની અનૌપચારિક મુલાકાતો ભવિષ્યમાં પણ કરતાં રહીશું.
બન્ને નેતા વચ્ચે થોડાક કલાકોમાં શ્રેણીબદ્ધ બેઠક
ભારતીય વડા પ્રધાનના ચીનના બે દિવસીય પ્રવાસ દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઇ હતી. મોદી અને જિનપિંગ વચ્ચે વિવિધ કાર્યક્રમોમાં ૬ વાર મુલાકાત થઈ હતી. આવું જવલ્લે જ બનતું હોય છે. ૨૭મીએ બપોરે ૩.૩૦ કલાકે મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક વન ટુ વન મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ સાંજે ૬ વાગ્યે પ્રતિનિધિ સ્તરની બેઠક હતી. રાત્રે ૬.૪૦ કલાકે બંનેએ ડિનર લીધું હતું, જોકે ડોકલામ મુદ્દે કોઈ સ્પષ્ટ વાતચીતનો આ બેઠકોમાં અભાવ દેખાયો હતો.
ડોકલામ વિવાદની ચર્ચા વગર જ મંત્રણા
ડોકલામમાં ૭૩ દિવસ સુધી ભારત અને ચીનના સૈનિકો આમનેસામને ઘર્ષણની સ્થિતિમાં હતા. એ બાદ પણ ચીને આ વિસ્તારમાં બાંધકામ શરૂ કર્યું છે. મોદીની ચીન મુલાકાતમાં ડોકલામ વિશે કોઈ ચર્ચા ન થઈ.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું હતું કે બંને દેશના વડાઓ વચ્ચે આમનેસામને બેઠક યોજાઇ હતી. જે દરમિયાન શાંતિ સ્થાપવા અને સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે જરૂર પગલા પર ભાર મુક્યો હતો. અલબત્ત, ઇન્ડો-સિનો કરારોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ્યા હતા.
આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચે વિશ્વાસ વધશે
ચીની મીડિયાએ જણાવ્યું હતું કે મુલાકાતને પગલે બંને નેતા વચ્ચે સંબંધો સુદૃઢ થયા છે. આ મંત્રણાને પરિણામે લાંબી મુદ્દત માટે દ્વિપક્ષીય વિકાસમાં મદદ મળશે.
અહેવાલોમાં જણાવાયું હતું કે આ શિખર બેઠકની ખૂબસૂરતી એ છે કે બંને પક્ષે કોઈ કોઈનાં પણ દબાણ નથી કરી રહ્યું અને માત્ર આશાઓ જગાવવા પર જ ધ્યાન અપાઈ રહ્યું છે. આત્મીયતાથી થયેલી વાતચીતથી બંને પાડોશી દેશો વચ્ચેનો એકબીજા તરફનો વિશ્વાસ વધશે અને લાંબી મુદ્દત માટે દ્વિતરફી વિકાસનો માર્ગ ખુલ્લો થશે.
‘ચાઈના ડેઈલી’ અખબારે અહેવાલમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ઉનાળામાં સરહદે સર્જાયેલી તંગદિલી તે અવિશ્વાસની ભાવનાનું એકમાત્ર ઉદાહરણ છે. તેમ છતાં દિલ્હી અને બેઈજિંગ એકબીજાના શત્રુ માનતા નથી. બંને દેશો પારસ્પારિક સંબંધોમાં સુધારાની આશા રાખે છે.
‘ગ્લોબલ ટાઈમ્સ’ લખ્યું કે ભારત અને ચીન બંનેએ માન્યું કે ઝઘડો બંને દેશો માટે સારો નથી. વિવાદોનો ઉકેલ વાતચીતથી ઉકેલાવો જોઈએ.
ભારતીય ફિલ્મો ચીનમાં રિલીઝ કરોઃ જિનપિંગ
વુહાન-શાંઘાઈ કો-ઓપરેશન શિખર પરિષદમાં જિનપિંગે કહ્યું હતું કે, ભારતે ચીનમાં બોલિવૂડની હિન્દી
અને અન્ય ભાષાની ફિલ્મો વધુને વધુ બતાવવી જોઈએ. એવી જ રીતે, ચીનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ ભારતમાં મહત્તમ ચાઈનીઝ ફિલ્મો રિલીઝ કરવી જોઈએ.
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે, વડા પ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગે બે દિવસીય બેઠકોમાં અનેક ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના બિનસત્તાવાર પ્રસ્તાવો રજૂ કર્યાં છે, જેમાં અધ્યાત્મ, વેપાર, ટેક્નોલોજી અને ફિલ્મો સહિતના મનોરંજનનો પણ સમાવેશ થાય છે. જિનપિંગે બંને દેશની ફિલ્મો એકબીજાના દેશમાં રજૂ કરવાનો વિચાર રજૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મોદીના સ્વાગત વખતે ચાઈનીઝ કલાકારોએ ૧૯૮૨ની ‘યે વાદા રહા’ ફિલ્મનું ‘તુ તુ હૈ વોહી, દિલને જીસે અપના કહા...’ ગીત રજૂ કર્યું હતું.
જિનપિંગે મોદીને કહ્યું હતું કે ગયા વર્ષે મેં ચીનમાં ભારતીય સુપરસ્ટાર આમિર ખાનની ‘દંગલ’ ફિલ્મ જોઈ હતી. એ ફિલ્મ મને ખૂબ ગમી હતી. આ ફિલ્મે ચીનમાં રૂ. ૧૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો.
વુહાનની આ બીજી યાદગાર મુલાકાત
મોદીએ જણાવ્યું કે, હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે હુબેઇ પ્રોવિન્સની મુલાકાત લીધી હતી. ૩ ગોર્જિસ બંધ અંગે સાંભળ્યું હતું. તમે ઝડપથી બંધનું નિર્માણ કર્યું હતું તેણે મને ઘણી પ્રેરણા આપી હતી. તેથી હું તે સમયે સ્ટડી ટૂર પર આવ્યો હતો અને એક દિવસ બંધ ખાતે વીતાવ્યો હતો.
૫૩૨ અબજ રૂપિયા રોકાણ
મોદીના ચીન પ્રવાસ અગાઉ ચીનના વાણિજય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ના અંત સુધી ભારતમાં ચીનનું રોકાણ ૫૩૨ અબજ રૂપિયાથી વધારે હતું. ભારતમાં ચીનના વધતા રોકાણને લીધે બંને દેશો વચ્ચેના સંબધો વધુ મજબૂત બનશે.
મુલાકાતના મુખ્ય અંશો
• વડા પ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે ચીનના વુહાનમાં માત્ર અડધો કલાક માટે બેઠક ફિક્સ કરવામાં આવી હતી. જોકે આ બેઠક બે કલાક સુધી ચાલી હતી.
• મોદીએ જિનપિંગને ચીનના પ્રખ્યાત પેઈન્ટર શૂ બીહોંગની ૧૯૩૯-૪૦માં તેમની ભારતની મુલાકાત દરમિયાન બનાવેલી પેઈન્ટિંગ ભેટ આપી હતી.
• મોદી અને જિનપિંગ વચ્ચે પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઈ, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, રાજદૂત ગૌતમ બંબાવલે, વિદેશ સચીવ ગોખલે પણ જોડાયા હતા.
• મોદીએ કહ્યું કે આ પ્રકારની એજન્ડા વગરની સામાન્ય મુલાકાતો પણ બંને દેશો વચ્ચે યોજાતી રહેવી જોઈએ. તેથી સંબંધો વધુ મજબૂત થશે.
• હુબેઈ મ્યુઝિયમમાં એક રંગારંગ કાર્યક્રમમાં મોદીનું સ્વાગત કરાયું હતું. અહીં કેટલાક કાર્યક્રમોને જિનપિંગ અને મોદીએ સાથે નિહાળ્યાં હતાં.
• મોદીએ કહ્યું કે હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ હુઆન આવ્યો હતો, મારા માટે આ ગૌરવની ક્ષણ છે.
• ચીનના સૈન્યએ પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત અને ચીન વચ્ચેની મુલાકાતથી સકારાત્મક પરિણામો આવશે.
દ્વિપક્ષીય મુદ્દાઓ પર સંમતિ
• સરહદ પર તણાવ ઘટાડવો
• પરસ્પર વધુ સહકાર પર ભાર
• વિવાદોના ઉકેલ માટે વધુ મંત્રણા
• વેપારમાં સંતુલન. દ્વિપક્ષીય વેપાર અને મૂડીરોકાણમાં સંતુલિત રીતે આગળ વધવા બંને દેશ સહમત. બંને દેશના અર્થતંત્રને લાભ થાય તેવાં પગલાં લેવા પ્રયાસો થશે.
• આતંકવાદ સામેની લડાઈમાં પરસ્પર સહકાર માટે બંને દેશ પ્રતિબદ્ધ
• વધુ અનૌપચારિક મુલાકાત યોજાશે.
આમનેસામનેઃ ચીન અને ભારત
• ચીનથી ભારત વાર્ષિક રૂ. ૩.૫ લાખ કરોડની આયાત કરે છે, જ્યારે ચીન રૂ. ૧.૦૬ લાખ કરોડનો સામાન જ ભારતથી આયાત કરે છે.
• ચીનનું અર્થતંત્ર લગભગ રૂ. ૭૬૭.૬૩ લાખ કરોડનું છે, જ્યારે ભારતનું અર્થતંત્ર ચીનના મુકાબલે પાંચમા ભાગનું છે. ભારતનું અર્થતંત્ર રૂ. ૧૭૩.૫૫ લાખ કરોડનું છે.
• ચીનનું વિશ્વના આર્થિક વિકાસમાં યોગદાન ૩૩ ટકા છે. અમેરિકા સાથે ચીનનો વાર્ષિક વેપાર રૂ. ૨૮.૬૩ લાખ કરોડનો છે. ભારત સાથે ચીનનો વેપાર રૂ. ૪.૬૭ લાખ કરોડનો છે.

