સિઓલઃ અણુ પરીક્ષણો કરીને અમેરિકા સહિતની મહાસત્તાને હંફાવતા નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને શનિવારે પાડોશી દુશ્મન દેશ સાઉથ કોરિયાની મુલાકાત લઇને ૬૫ વર્ષ જૂની શત્રુતાની પતાવટ કરીને મૈત્રીનો કોલ આપ્યો છે. ઉનને આવકારવા સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જાતે ડિમિલિટ્રાઇઝડ ઝોનમાં ગયા હતા. નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાના નેતાઓએ શિખર મંત્રણામાં કોરિયન પ્રાયદ્વીપને અણુશસ્ત્રમુક્ત કરવાના શપથ લીધા હતા. નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કહ્યું હતું કે, તે હવે ભૂતકાળને ભૂલવા માગે છે અને હવે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કરશે નહીં. મિસાઈલો દ્વારા ભયનું વાતારવણ ઊભું કરવા બદલ તે દુઃખી છે અને ખેદ વ્યક્ત કરે છે. ૧૯૫૩માં કોરિયાઈ યુદ્ધ પછી બંને દેશના ભાગલા પડયા હતા, હવે ૬૫ વર્ષ પછી બંને દેશના નેતાઓ નવો ઇતિહાસ રચશે તેવી આશા છે.
બોર્ડર પર મૈત્રીકરાર
નોર્થ કોરિયાની સૈન્ય બોર્ડર પાર કરીને કિમ જોંગ ઉન લશ્કર વિનાના વિસ્તારમાં પ્રવેશ્યા હતા, જ્યાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને તેમને આવકાર્યા હતા. નોર્થ કોરિયાની બોર્ડરમાં જ કિમ જોંગ ઉને મૂન સાથે હાથ મિલાવ્યા હતા અને પછી ચાલતાં ચાલતાં સાઉથ કોરિયાની સરહદમાં પ્રવેશ કર્યો હતો. અહીં બંને નેતાઓએ થોડી મિનિટ ઔપચારિક વાતચીત કરી હતી. આ પછી બંને નેતાઓ સાઉથ કોરિયાના પન્મુન્જોમનાં પીસ હાઉસમાં ચાલ્યા ગયા હતા. આ પીસ હાઉસ એ બંને દેશોનાં સૈન્યરહિત વિસ્તારમાં બનેલું લશ્કરી કમ્પાઉન્ડ છે. કિમ જોંગ ઉને પીસ હાઉસમાં પ્રવેશતાં વિઝિટર્સ બુકમાં લખ્યું કે, ઇતિહાસના પ્રારંભનાં ચરણ અને શાંતિના દોર વચ્ચે અહીંથી નવા ઇતિહાસની શરૂઆત થાય છે.
સુંદર મહિલાની મહેનત
બંને નેતાઓને મંત્રણાનાં મેજ પર લાવવા માટે એક સુંદર મહિલાએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ મહિલા બીજી કોઈ નહીં પણ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગ છે. નોર્થ કોરિયાનું ૯ સભ્યોનું પ્રતિનિધિમંડળ કિમ જોંગની સાથે ગયું હતું જેમાં તેની બહેન કિમ યો જોંગનો સમાવેશ થાય છે. કિમે તેની બહેનને સલાહકાર બનાવી છે.
અમેરિકા જાપાન રશિયા ખુશ
અમેરિકા, જાપાન અને રશિયાએ બંને દેશ વચ્ચેની શિખર મંત્રણા આવકારી હતી. અમેરિકાએ આશા વ્યક્ત કરી હતી કે બંને દેશ વચ્ચે લાંબા સમય બાદ શાંતિ સ્થપાશે. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, દુનિયાને જે ઐતિહાસિક ક્ષણ જોવા મળી તેનું શ્રેય જિનપિંગને પણ મળવું જોઈએ. ચીની રાષ્ટ્રપ્રમુખની મહેનત વગર આ શક્ય બન્યું ન હોત. આશા છે કે નોર્થ અને સાઉથ કોરિયાની આ દોસ્તી હંમેશા જળવાઈ રહે. સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચેના વિવાદના કારણે અમેરિકા સાઉથ કોરિયાની સાથે હતું જેને પગલે પણ નોર્થ કોરિયાની સાથે અમેરિકાએ પણ યુદ્ધની તૈયારી કરી લીધી હતી. વ્હાઈટહાઉસ પ્રેસ સેક્રેટરી સરાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે કિમ જોંગ અને મૂન વચ્ચે યોજાયેલી આ બેઠકના સકારાત્મક પરિણામો આવશે.
નોર્થ કોરિયા અણુ પરીક્ષણ સાઇટ બંધ કરશે
અવકાશમાં ગ્રહોની ચાલ બદલાવાની સાથે વિશ્વમાં પણ અનેક ઊથલપાથલ થઈ રહી છે. યમનમાં સીરિયા અને સાથી દળોની બળવાખોરો પર ધોંસ વધી છે. સીરિયામાં કેમિકલ બોમ્બ વિસ્ફોટ કરીને નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. બીજી તરફ અત્યાર સુધી અમેરિકા, સાઉથ કોરિયા અને જાપાન તરફ મિસાઇલ્સ છોડીને આ દેશોનો ખાતમો બોલાવવાની વાત કરતા જોકે નોર્થ કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉનનાં તેવર નરમ પડયા છે. જોકે સૌને એ છુપો ડર પણ છે કે આ ભગત ક્યારે ભક્ષક બને તેનો ભરોસો નથી, પણ હાલમાં અમેરિકા, રશિયા સહિતના દેશોએ બંને પડોશી દેશોની મૈત્રી આવકારી છે. જોકે શિખર મંત્રણાના મીઠા પરિણામો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. નોર્થ કોરિયાએ મે મહિનામાં તેની અણુ પરીક્ષણ સાઇટનો નાશ કરવાની જાહેરાત કરી છે. કાર્યવાહીનું નિરીક્ષણ કરવા તેણે અમેરિકી નિષ્ણાતોને આમંત્રણ આપ્યું છે. સાઉથ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જેઈ ઈન સાથેની મંત્રણામાં તેણે આ જાહેરાત કરી હતી. કોરિયા દ્વિપકલ્પમાં અણુ સંકટ દૂર કરવા માટે ઉનની આ જાહેરાત મહત્ત્વની પણ ચોંકાવનારી છે.
યુએસ પર મેં મિસાઇલ છોડી નથી: ઉન
શિખર મંત્રણામાં ઉને પ્રમુખ ટ્રમ્પ સાથે યોજાનારી મંત્રણા તરફ ઇશારો કરતા મેસેજ પહોંચાડયો હતો કે, હું અમેરિકા પર મિસાઇલ્સમારો કરનારો શખ્સ નથી. ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે આ કે આવતા મહિને વાટાઘાટો યોજાવાની છે જેની તૈયારી ચાલે છે. મૂનના પ્રવક્તાએ કિમ જોંગ ઉનને ટાંકીને કહ્યું હતું કે, અમે એકવાર મંત્રણા શરૂ કરીશું પછી અમેરિકા અને ટ્રમ્પને લાગશે કે સાઉથ કોરિયા, અમેરિકા પર મિસાઇલ્સમારો કરનાર માણસ હું નથી.
ઐતિહાસિક પળો
• કિમ જોંગ ઉને સાઉથ કોરિયાના પ્રમુખ મૂનને કહ્યું કે મારી મિસાઈલ પરીક્ષણો અને ધમકીઓને પગલે તમારે રોજ સવારે સુરક્ષા બેઠક બોલાવવી પડતી હતી. હવે આવું નહીં કરવું પડે કેમ કે હું મિસાઈલ પરીક્ષણો કરવાનો નથી. હવે મારા કારણે તમારી સવારની ઊંઘ નહીં બગડે.
• કિ જોંગ ઉને સાઉથ કોરિયાની વિઝિટર બુકમાં સંદેશો લખ્યો હતોઃ ‘આ એક નવા ઈતિહાસની શરૂઆત છે.’ પરમાણુમુક્ત દેશ બનાવવા માટે રશિયા, અમેરિકા, ચીનની મદદ લેવા માટે પણ બંને દેશો સહમત થયા હતા. કિમે કહ્યું કે હું વારંવાર સાઉથ કોરિયા આવતો રહીશ.
• સાઉથ કોરિયાના પ્રમુખ મૂન પણ નોર્થ કોરિયા જવા માટે સહમત થઈ ગયા છે. તેઓએ આ વર્ષે જ નોર્થ કોરિયાની મુલાકાત લેશે. આ ક્ષણ પણ બંને દેશો માટે ઐતિહાસિક હશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપારથી લઈને અનેક સમજૂતીઓ થવાની શક્યતાઓ છે.
• આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન શાંતિ સ્થાપવા માટે તો સમજૂતી થઈ સાથે કાસોંગમાં એક સંયુક્ત કાર્યાલય સ્થાપિત કરવા માટે પણ સમજૂતી થઈ હતી. ૨૦૧૮માં એશિયાઈ ખેલો સહિત આંતરરાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં સંયુક્તરૂપે પ્રવેશ કરશે.
સંયુક્ત ઘોષણાપત્ર
• કોરિયાઈ પ્રાયદ્વીપને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરવો. • બંને દેશો વચ્ચે તમામ પ્રકારની દુશ્મનાવટભરી કાર્યવાહી બંધ કરવી. • બંને દેશો વચ્ચે સરહદ પર થતો પ્રોપેગન્ડા બંધ કરીને હાલના લશ્કર વિહિન ઝોનને શાંતિ ઝોન બનાવવો. • સરહદોને કારણે વિખૂટા પડેલા પરિવારોનું ફરી મિલન કરાવવું. • બંને દેશોને આધુનિક રસ્તા અને રેલવે માર્ગે વાહનવ્યવહારથી જોડવા. • બંને દેશોએ સાથે મળીને આ વર્ષે યોજાનાર એશિયન ગેમ્સ સહિત અન્ય રમતગમત સ્પર્ધામાં ભાગ લેવો.

