બકિંગહામશાયરમાં ૩૦ વર્ષીય ગુરપ્રીત કૌરનું રહસ્યમય મૃત્યુ

Wednesday 02nd May 2018 06:56 EDT
 
 

લંડનઃ ૩૦ વર્ષીય મહિલા ગુરપ્રીત કૌરનો સળગેલો મૃતદેહ મળી આવ્યો તેની થોડી મિનિટ પહેલા પડોશીઓએ પાંચ સેકન્ડ સુધી તેની ચીસો સાંભળી હતી. ગઈ ૧૦ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ બકિંગહામશાયરના ગેરાડ્સ ક્રોસમાં આવેલા મકાનના શેડમાં ગુરપ્રીતનો મૃતદેહ તેની કાકીને મળ્યો હતો. બેકન્સફિલ્ડ કોરોનર્સ કોર્ટમાં ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું કે ગુરપ્રીતના ફોનમાં એક નોટ મળી આવી હતી તેમાં તેણે પોતે મરવા માગતી હોવાનું જણાવ્યું હતું. કોરોનર ક્રિસ્પીન બટલરે આ કેસ આપઘાતનો હોવાનું જણાવ્યું હતું. તેના મૃતદેહ પાસેથી પેટ્રોલ કેન અને ગુલાબી સિગારેટ લાઈટર મળી આવ્યા હતા.

ગેરેજથી ગાર્ડન તરફ જતો રસ્તો બહારથી બંધ કરાયો હતો. દરેક પડોશીએ બ્રિટિશ સમય મુજબ ૧૬.૨૫થી ૧૬.૪૫ વચ્ચે ગુરપ્રીતની ચીસો સાંભળી હોવાનું જણાવ્યું હતું. પડોશી શર્લી ગ્રેવરે જણાવ્યું હતું કે તે ખૂબ ગભરાયેલી હોય તેવું લાગ્યુ હતું.

પોલીસે હત્યાની તપાસ હાથ ધરી હતી. જોકે, કોઈના પર આરોપ મૂકાયો નથી.

પેરામેડિક લ્યૂક રેટક્લીફે જણાવ્યું હતું કે તેને જ્યારે લાવવામાં આવી ત્યારે જ તે મૃત હાલતમાં હતી. પેથોલોજિસ્ટ ડો. એલેકઝાન્ડર કોલારે જણાવ્યું હતું કે ગુરપ્રીતનું મોત દાઝી જવાને લીધે થયું હશે પરંતુ, આ કિસ્સામાં કોઈ ત્રીજી વ્યક્તિ સામેલ હોવા વિશે તેઓ ચોક્કસ ન હતા. બર્ન્સ એક્સપર્ટ કોલિન રાયનરે જણાવ્યું હતું કે આગ વખતે તે જીવિત હતી તેવું પોતે માને છે. જોકે, દાઝી જવાથી આટલા ટૂંકાગાળામાં તેનું મૃત્યુ થયું તે બાબત અસામાન્ય છે અને તે ઉંધી પડી હતી અને શ્વાસ લઈ શકે તેમ ન હોવાથી ગૂંગળામણને લીધે તેનું મોત થયું હશે.

ગુરપ્રીત ૨૦૦૮થી યુકેમાં રહેતી હતી અને મૃત્યુના દિવસે યુકેમાં પોતાનું રોકાણ લંબાવવા માટે ઈંગ્લિશની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

તેની કાકી બલદેવ કૌર મથારુ ગુરપ્રીત અને તેના કાકા હરચરણજીતસિંગને મૂકીને ખરીદી માટે ગઈ હતી. હરચરણજીતસિંગ હેડફોન પહેરીને ઓફિસના કામે બિઝનેસ કોલ્સમાં વ્યસ્ત હતા. બલદેવ કૌર પરત આવતા તેમણે ગાર્ડન નજીકના શેડમાંથી ધૂમાડા નીકળતા જોતા બૂમો મારી હતી. તે બન્નેને ગુરપ્રીત સૂતી હોય તેવી હાલતમાં મળી હતી. તેને મૃત જાહેર કરાઈ ત્યારે બલદેવ કૌર આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. શેડમાંથી એક ફોન મળી આવ્યો હતો અને તેમાં ખૂબ લાંબી નોંધ હતી જેમાં ‘મરવા માગું છું’ અને ‘ જીવી શકાય તેમ નથી’ તેમ લખેલું હતું.


comments powered by Disqus