ભ્રષ્ટાચારના આક્ષેપમાં લેસ્ટરના લોર્ડ મેયર રશ્મિ જોશી નિર્દોષ જાહેર

Wednesday 02nd May 2018 06:49 EDT
 
 

લંડનઃ લેસ્ટરના લોર્ડ મેયર રશ્મિ જોશી દ્વારા હોદ્દાના કથિત દુરુપયોગથી ભ્રષ્ટાચારના મામલે લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબરી, અન્ય રાજકારણીઓ અને અખબાર ધ મરક્યુરીને મોકલવામાં આવેલા પત્રો બાદ લેસ્ટરશાયર પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, તેમાં ગુનો કર્યો હોય તેવા કોઈ પૂરાવા ન મળતા પોલીસે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

પત્રોમાં આક્ષેપ કરાયો હતો કે લેબર કાઉન્સિલર જોશી યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વિના પ્લાનિંગ અરજીઓને પાસ કરાવવા પોતાના હોદ્દાનો ઉપયોગ કરતા હતા. અન્ય આક્ષેપ એ પણ હતો કે લેસ્ટર સિટી કાઉન્સિલ પ્લાનિંગ ઓફિસર સંસ્થા માટે સ્કીમ મંજૂર કરવા માટે ૨૦૦ પાઉન્ડની લાંચ લેતા હતા. સર પીટરે ગયા જાન્યુઆરીના અંતમાં મળેલો પત્ર કાઉન્સિલના સોલિસિટર્સને આપ્યો હતો. તેમણે તે પત્ર પોલીસને મોકલ્યો હતો.

પોલીસ ફોર્સના ઈકોનોમિક ક્રાઈમ યુનિટે કથિત ફોજદારી ગુનાઓની તપાસ પૂરી કરી હતી અને તેના તારણમાં જણાવ્યું હતું કે ગુનાને લગતા કોઈ પૂરાવા મળ્યા ન હતા.

મરક્યુરીએ જ્યારે આ અહેવાલ પ્રગટ કર્યો હતો ત્યારે તેમાં કાઉન્સિલર જોશીની ઓળખ આપી ન હતી. જોકે, અન્ય મીડિયાએ આક્ષેપ વિશે મરક્યુરીના અહેવાલ પરથી ન્યૂઝ લીધા ત્યારે તેમણે તેમનું નામ પ્રગટ કર્યું હતું.

કાઉન્સિલર જોશીએ મરક્યુરીને જણાવ્યું હતું,‘ આ કિસ્સામાં પોલીસે શા માટે તપાસ કરવી પડી હતી તે હું જાણું છું અને મેં કશું ખોટું કર્યું નથી તેવા પોલીસના તારણથી મને ખૂબ રાહત થઈ છે. પોલીસે તેમને જણાવ્યું હતું કે તેમની વિરુદ્ધના આક્ષેપ દ્વેષપૂર્ણ હતા. આ વર્ષના અંતે તેમની ટર્મનો અંત આવશે.

જોશીએ જણાવ્યું હતું, ‘ પોલીસ ઓફિસરોએ જે માણસે પત્ર લખ્યો હોવાનું મનાતું હતું તેની ઓળખ કરીને તેની મુલાકાત પણ કરી હતી. ત્યારે તેણે આમાં પોતાની કોઈ સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું. હવે બધું પૂરું થઈ ગયું છે તેનો મને આનંદ છે. મેં કશું ખોટું કર્યું જ ન હતું તેથી શરૂઆતથી જ મારો અંતરાત્મા સ્પષ્ટ હતો. જોકે, આ સમયગાળો કપરો હતો. થોડા અઠવાડિયા હું હતાશ થઈ ગયો હતો. પરંતુ, અંતમાં જાતને સ્વસ્થ કરીને મેયર તરીકેની મારી ફરજ બજાવવાનું શરૂ કર્યું. મારા પરિવાર અને મિત્રો તથા સહયોગીઓએ આપેલા સમર્થન માટે હું તેમનો આભારી છું. તેઓ જાણતા હતા કે મેં આવું કશું કર્યું નથી અને તેમનો ટેકો જ મારા માટે ખૂબ મહત્ત્વનો છે. પોલીસે જે પ્રોફેશનલ રીતે જે તપાસ હાથ ધરી તે બદલ હું તેમનો આભારી છું. મરક્યુરીએ આક્ષેપો અંગે જે જવાબદારીભર્યું રિપોર્ટિંગ કર્યું તેના માટે તેનો પણ હું આભાર માનું છું.

સર પીટરે મરક્યુરીને જણાવ્યું હતું, ‘આ પ્રકારના આક્ષેપોમાં યોગ્ય તપાસ થવી ખરેખર જરૂરી હતી. પરંતુ, આપણામાંથી જે લોકો રશ્મિ જોશીને ઓળખતા હતા તે જાણતા હતા કે તેમણે આવું કશું કર્યું જ ન હોય. તેમને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરાયા છે તેનો મને ખૂબ આનંદ છે.’


comments powered by Disqus