માલ્યા પ્રત્યર્પણ કેસમાં કોર્ટે સીબીઆઈના તમામ પુરાવા સ્વીકાર્યા

Wednesday 02nd May 2018 06:51 EDT
 
 

લંડનઃ ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યર્પણ સંબંધમાં ચાલી રહેલા કેસમાં સીબીઆઈ દ્વારા રજૂ થયેલા તમામ પુરાવાનો વેસ્ટમિન્સ્ટર કોર્ટે સ્વીકાર કરતાં વિજય માલ્યાને ભારત લઈ જવાના સીબીઆઈના પ્રયાસોને બળ મળ્યું હતું. ભારતમાં રૂપિયા ૯,૦૦૦ કરોડના કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈ દ્વારા લિકર બેરોન સામે કાર્યવાહી ચાલી રહી છે.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૬૨ વર્ષના માલ્યા પણ હાજર રહ્યા હતા. કોર્ટે ૬૫૦,૦૦૦ પાઉન્ડના જામીનની મુદત આગામી સુનાવણીની તારીખ ૧૧ જુલાઈ સુધી વધારી આપી હતી. કોર્ટમાં કેસ કાર્યવાહી ફરી શરૂ થતાં જજ સમક્ષ લેખિતમાં રજૂ થયેલી ક્લોઝિંગ દલીલો સંબંધે મૌખિક રજૂઆતો થશે. ન્યાયાધીશ તે પછીની મુદતે તેમના ચુકાદા અંગેની યોજના જાહેર કરે તેવી સંભાવના છે.

જજે સીબીઆઈ દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવા સ્વીકારતાં માલ્યા પ્રત્યર્પણ માટેની સીબીઆઈની આશા વધી ગઈ છે.

વેસ્ટ મિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ પ્રત્યાર્પણનો ઇનકાર કરતાં આપેલા આદેશને પડકારતાં ભારત સરકારની હાઈકોર્ટ દ્વારા અપીલ દાખલ થયા પછી શુક્રવારે સુનાવણી યોજાઈ હતી.

અગાઉ ભારતની જેલોની બિસ્માર હાલતના મુદ્દે બ્રિટન સ્થિત સંજીવકુમાર ચાવલાના પ્રત્યર્પણને રોકવામાં આવ્યું હતું. તે કેસમાં સ્કોટિશ પ્રિઝન સર્વિસના પૂર્વ હેલ્થકેર હેડ ડો. અલાન મિતચેલે દિલ્હીની તિહાર જેલની કંગાળ સ્થિતિ વિષે નિવેદન આપતાં મેચ ફિક્સિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ સંજીવકુમાર ચાવલાનું પ્રત્યર્પણ અટક્યું હતું.

માલ્યાનો બચાવ કરી રહેલા વકીલોની ટીમે પણ તે જ પૂર્વ જેલ નિષ્ણાતને જુબાની માટે કોર્ટમાં બોલાવ્યા હતા. તેમણે જુબાની આપી હતી કે ભારતીય જેલોની સ્થિતિ સંતોષજનક નથી.

જોકે છેલ્લે માર્ચમાં હાથ ધરાયેલી સુનાવણી વખતે બેરિસ્ટર માર્ક સુમેરે તે વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત સરકારે આર્થર રોડ પર આવેલી મધ્યસ્થ જેલની બેરેક ૧૨માં કુદરતી પ્રકાશ અને તબીબી સહાયની જોગવાઈ ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા કરી છે. બ્રિટનથી પ્રત્યાર્પણ થતાં ભારત લાવીને માલ્યાને તે બેરેકમાં રાખવાના છે.

માલ્યા સામે કૌભાંડનો કેસ હોવાનું સ્થાપિત કરવા માટે ગયા વર્ષે ચાર ડિસેમ્બરથી કાર્યવાહી ચાલી રહી છે. માર્ચ ૨૦૧૬માં ભારત છોડયા પછી માલ્યા બ્રિટનમાં વસી રહ્યા છે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટ વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરી ચુકી છે. મુંબઈની એક અદાલત પણ માલ્યાને ભાગેડુ જાહેર કરી ચૂકી છે.


comments powered by Disqus