સાજિદ જાવિદ બ્રિટનના સૌ પ્રથમ એશિયન હોમ સેક્રેટરી બન્યા

- રુપાંજના દત્તા Wednesday 02nd May 2018 06:45 EDT
 
 

એમ્બર રડે તેમના હોદ્દેથી રાજીનામુ આપ્યા બાદ સાજિદ જાવિદ એશિયન સમુદાયમાંથી યુકેના પ્રથમ હોમ સેક્રેટરી બન્યા હતા. આ અગાઉ હોમ સેક્રેટરી એમ્બર રડે પ્રવાસીઓના ઈમિગ્રેશનનાં લક્ષ્યાંકોની હકીકત અંગે તેમણે સંસદને અજાણતાં ગેરમાર્ગે દોરી હોવાની વાત સ્વીકારીને તેમનું રાજીનામુ આપી દીધું હતું.

બસ ડ્રાઈવરના પુત્ર સાજિદ જાવિદનો પરિવાર ૧૯૬૦ના દાયકામાં યુકે આવ્યો હતો. બ્રિટનના ઈતિહાસમાં આ પદ સંભાળનારા તેઓ સૌ પ્રથમ મુસ્લિમ અને પંજાબી ભાષા બોલતા સાંસદ છે. ડ્યુશ બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને બ્રોમ્સગ્રોવના સાંસદ પ્રધાનપદે ઝડપથી પહોંચી ગયા છે અને કેટલાક લોકો તેમને સમર્થ ભાવિ નેતા તરીકે ગણાવે છે.

વિન્ડરશ કૌભાંડની અસર વીકેન્ડમાં સતત વર્તાઈ હતી. એમ્બર રડનું સ્થાન સંભાળ્યા પછી તેમણે કહ્યું હતું કે તેમાં હું , મારી માતા અથવા મારા પિતા પણ હોઈ શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર બધું યોગ્ય કરવાના પ્રયાસો કરી રહી છે. રાજકારણમાં તેમની પ્રગતિને બ્રિટનના વાસ્તવિક બહુસંસ્કૃતિવાદના ઉદાહરણ તરીકે મનાય છે.

ગઈ તા. ૧ માર્ચે હાઉસ ઓફ કોમન્સમાં એશિયન વોઈસ દ્વારા યોજાયેલા ૧૨મા એશિયન વોઈસ પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ્સ સમારોહમાં તેમને કેબિનેટ મિનિસ્ટર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. તે સમયે તેમણે જણાવ્યું હતું, ‘ બ્રિટન માત્ર વૈવિધ્યન પ્રચાર-પ્રસાર કરતો દેશ નથી પરંતુ અમારા દેશના વૈવિધ્યને લીધે અમારો વિકાસ થયો છે.

ભૂતકાળમાં તેમને પણ જાતિવાદનો અનુભવ થયો હતો તે છતાં તેમણે બ્રિટનને વિશ્વનો સૌથી વધુ સહિષ્ણુ દેશ ગણાવ્યો હતો અને ઉમેર્યું હતું કે આપની પાસે પ્રતિભા હોય તો રંગ અને જાતિનું મહત્ત્વ ઓછું હોય છે.

જાવિદે ભારતની કેટલીક મુલાકાત લીધી હતી અને ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર એન્ડ બિઝનેસમાં અગાઉની તેમની ભૂમિકામાં તેમણે ભારતીય અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.


comments powered by Disqus