સોનમ કપૂર બિઝનેસ ટાયકૂન આનંદ આહુજા સાથે આઠમી મેએ લગ્નબંધને બંધાશે

Saturday 05th May 2018 06:34 EDT
 
 

બોલિવૂડની ફેશન આઈકન અભિનેત્રી સોનમ કપૂરના લગ્નની તારીખો છેવટે બહાર પડી ગઈ છે. આની સાથે છેલ્લા ઘણાં સમયથી થતી તેના વિવાહની તારીખો વિશેની ધારણાઓનો અંત આવી ગયો છે.
બોલિવૂડમાં ચર્ચા છે કે સોનમ તેના દિલ્હીના બિઝનેસમેન બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે આઠમી મેના રોજ લગ્નગ્રંથિથી જોડાશે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મહેમાનોને આ બે દિવસ ખાલી રાખવા જણાવવામાં આવ્યું છે. જોકે તેમને લગ્નના આયોજન વિશે વિગતવાર માહિતી આપવામાં નથી આવી. માત્ર તેમને આ બે દિવસ ખાલી રાખવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સોનમના માતાપિતા અનિલ અને સુનિતા કપૂર પુત્રીના લગ્ન ધામધૂમથી કરવા માગતા હતા, પરંતુ સોનમ અને આનંદ લગ્ન પાછળ આંધળો ખર્ચ કરવામાં નથી માનતા તેથી તેમણે ડેસ્ટિનેશન વેડિંગનો વિચાર પડતો મૂક્યો હતો. વળી થોડા સમય પહેલા જ શ્રીદેવીનું નિધન થયું હોવાથી ઝાઝી ધામધૂમ કરવાનું તેમને અયોગ્ય લાગ્યું હતું. સોનમના વિવાહ સોનમના નાનીમાના વાંદરા ખાતે આવેલા બંગલોમાં યોજાશે. ત્યાર બાદ મુંબઈ અને દિલ્હી ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવશે. સોનમ-આનંદ પૂરા વિધિ-વિધાન સાથે લગ્નના બંધનમાં બંધાશે. જોકે એવી વાતો વહેતી થઈ છે કે કેટલીક વિધિઓ કદાચ ફાઈવસ્ટાર હોટલમાં કરવામાં આવશે. એમ માનવામાં આવે છે કે એક ફાઈવસ્ટાર હોટેલના માલિકની પુત્રી સોનમની નિકટની સખી છે.


comments powered by Disqus