લંડનઃ તંદુરસ્ત જીવનશૈલીની ઉપેક્ષાના કારણે બ્રિટનમાં હૃદયરોગના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. ચાર પ્રકારના કેન્સરના મુકાબલે હૃદયરોગને કારણે થતા મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં હૃદય બંધ પડી ગયું હોવાના ૧,૯૦,૭૯૮ કેસ નોંધાયા હતા. આ આંકડો સ્તન, ફેફસાં સહિતના ચાર સામાન્ય પ્રકારના કેન્સરને કારણે થયેલા મૃત્યુ કરતાં ચાર ગણો છે.
બ્રિટનમાં નવ લાખ વયસ્કો હૃદયરોગથી પીડિત છે. એટલી જ સંખ્યામાં યુવાનો પર હૃદયરોગનું જોખમ તોળાઈ રહ્યું છે. હૃદય નબળું પડી જવું કે બંધ પડી જવું એટલે એવી સ્થિતિ કે હૃદયના સ્નાયુ એટલી હદે નબળા પડી જવા કે પંપ કરીને શરીરને યોગ્ય લોહીનો પુરવઠો ના પહોંચાડી શકે. હૃદયરોગના હુમલા કે એવા કોઈ કારણસર આવી સ્થિત સર્જાતી હોય છે. લોહીના ઊંચા દબાણ કે અનિયમિત ધબકારાને કારણે આવી સ્થિતિ થાય છે.
હૃદય નબળું પડી જવાના કિસ્સામાં દર્દીને બચવાની તક ઘટી જતી હોય છે. ૪૦ ટકા જેટલા દર્દીનું તો એક વર્ષના સમયગાળામાં જ મૃત્યુ થતું હોય છે. સંશોધકોનું કહેવું છે કે હૃદયરોગ કરતાં મેદસ્વિતા, લોહીનું ઊંચું દબાણ અને ટાઈપ ટુ ડાયાબિટીસનું પ્રમાણ તેના કરતાં પણ વધી જતું હોય છે. વૃદ્ધજનોની સંખ્યા વધુ હોવાથી તેમજ હૃદયરોગના હુમલામાં બચી ગયેલા લોકોની સંખ્યા વધુ હોવાથી પણ મૃત્યુ પ્રમાણ વધુ જોવા મળે છે.

