જમ્મુ, ફિલ્મ અભિનેતા નાના પાટેકરે ૨૬મી ડિસેમ્બરે પાલૌરામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને જવાનોની રાષ્ટ્રની ૨૪ કલાક ફરજ બજાવવાની નિષ્ઠાની ખરા દિલથી પ્રશંસા કરી હતી. બીએસએફ હેડ ક્વાર્ટરના પ્રવકતાએ કહ્યું છે કે, કેમ્પસમાં ચાલતી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ તેઓ મળ્યા હતા અને કળાના વિષયમાં આગળ અભ્યાસ કરનાર બે વિદ્યાર્થીઓના ખર્ચની જવાબદારી લીધી હતી. પાટેકરને આવકારતા બીએસએફના આઇજી રામ અવતારે કહ્યું હતું કે, આવી મુલાકાતોથી જવાનોના મનોબળમાં વધારો થાય છે. વિશ્વની સૌથી લાંબી સરહદની સુરક્ષા કરનાર જવાનોની સેવાની કદર કરવા બદલ તેમણે પાટેકરનો આભાર વ્યક્ત કર્યો હતો.’ દેશની ૨૪ કલાક સેવા કરનાર તમામ જવાનોની નાનાએ ખૂબ પ્રશંસા કરી હતી.

