સેન્સર બોર્ડે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’ને કોઈ પણ કટ વિના યુએ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ સાથે બોર્ડે દિગ્દર્શકને ફિલ્મનું નામ ‘પદ્માવતી’માંથી બદલીને ‘પદ્માવત’ રાખવા અને ફિલ્મમાં ચાર સુધારાનું સૂચન કર્યું છે.
સેન્સર બોર્ડે ફિલ્મમાં ૨૬ કટ માટે જણાવ્યું હોવાની અફવાઓ વચ્ચે ૩૦મી ડિસેમ્બરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પ્રસૂન્ન જોષીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમણે ટાઇટલમાં સુધારા સહિત માત્ર પાંચ સુધારાની ભલામણ કરી છે. કોઈ કટ સૂચવ્યાં નથી. બોર્ડે જણાવ્યું હતું કે, ‘ડિસ્કલેમર્સમાં સતી પ્રથાને સમર્થન નથી કરવામાં આવતું જેવાં સૂચન કરાયાં છે. આ સુધારા અંગે ફિલ્મકારો સંમત છે. સંસદીય સમિતિ સમક્ષ હાજર થયેલા ભણસાલીએ ૨૮મીએ જણાવ્યું હતું કે તેમની રૂ. ૧૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ભવ્ય ઐતિહાસિક ફિલ્મ મલિક મુહમ્મદ જયાસી દ્વારા ૧૬મી સદીમાં લખાયેલા કાવ્ય ‘પદ્માવત’ પર આધારિત છે.

