વડીલો સહિત સહુ વાચક મિત્રો, નૂતન વર્ષાભિનંદન તેમજ સુખમય-નિરામય જીવન માટે હાર્દિક શુભકામનાઓ... પૃથ્વી તેની ધરી પર (આ ધરી પણ એક કલ્પના જ છેને?) સતત, ૨૪X ૭ વિચરણ કરતી જ રહે છે. સમય સમયનું કામ કરે છે અને માનવમાત્ર નૂતન વર્ષના પ્રસંગે વીતેલા દિવસોના અનુભવોમાંથી બોધપાઠ લઇને આગામી દિવસો પર આશાભણી મીટ માંડે છે. જોકે આગળ વધવા માટે સતત પાછળ જોતાં રહેવાની જરૂર નથી. સતત પાછળ નજર કર્યા કરવાથી - સંભવ છે કે - આગળ પગલાં પાડવામાં ગોથું ખાઇ જઇએ.
માનવમાત્રને વીતેલા સમય ઉપર નજર રાખતાં - માનસશાસ્ત્રીઓના મતે - સ્વ-આનંદ, સ્વમાન કે આત્મવિશ્વાસની લાગણી ઓછી થતી હોય છે તો સાથોસાથ પશ્ચાતાપ, પોતીકા નિર્ણય માટે શંકા-કુશંકા તેમજ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે વાતથી અજાણ હોવાના કારણે અવઢવની લાગણી અનુભવાતી હોય છે. કેટલીક વાર મનની આ મૂંઝવણ ભ્રમ પણ પેદા કરે છે. અને વ્યક્તિ અયોગ્ય માર્ગે દોરવાય જાય છે.
પશ્ચિમ જગતમાં ક્રિસમસ - ન્યૂ યર પ્રસંગે વીતેલા વર્ષના ઉપલક્ષ્યમાં અને આગામી સમયના એંધાણ સમજીને કંઇકેટલાય અભ્યાસપૂર્ણ મુદ્દા સહિતના લેખો કે નિબંધો પ્રસિદ્ધ થાય છે. સામાન્યપણે વિચારવંત વ્યક્તિને પાંચ મુદ્દા વધુ સ્પર્શતા હોય છે.
૧) આરોગ્ય, ૨) સંતાન, ૩) સંપત્તિ,
૪) જીવનશૈલી - પોતીકી અને પરિવારજનોની તેમજ ૫) સંસ્કૃતિ અને સંસ્કાર.
આવા વિષય ઉપર - અંગ્રેજીમાં જેને કહે છે કે લેટરલ થિન્કીંગ એટલે કે રચનાત્મક ચિંતન થાય તે આવશ્યક છે. પરંતુ વિચારોમાં અટવાઇ જવું અને મનના ઘોડાને ખોટા માર્ગે પૂરપાટ દોડાવવામાં લગારેય ડહાપણ નથી. વીતેલા વર્ષમાં બ્રિટન, ભારત તેમજ વિશ્વમાં અનેક સ્થળે આપણે કંઇકેટલીય દુર્ઘટનાઓ જોઇ, અવનવી નાટ્યાત્મક ઘટનાઓ નિહાળી અને આપણા માનવંતા વડા પ્રધાન સુશ્રી થેરેસાબહેન મેને પાર્ટી કોન્ફરન્સમાં ઉધરસે ચઢી જતાં પણ જોયાં. પાણી તો બહુ પીધું, પણ હઠે ચઢેલી ઉધરસ હેઠી ન બેઠી તે ન જ બેઠી.
બ્રિટન જેવા સાધનસંપન્ન અને વ્યવસ્થિત દેશમાં ગયા વર્ષે ગ્રેનફેલ ટાવરના અગ્નિતાંડવમાં લગભગ ૭૫ લોકોએ જાન ગુમાવ્યા. તો વળી અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલે આપણા દેશમાં કંકુ પગલાં પાડીને શાહી પરિવારમાં જ નહીં, રાષ્ટ્રભરમાં હરખનું મોજું ફેલાવ્યું.
પરંતુ બ્રિટનમાં સહુ કોઇને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્પર્શતો, સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ક્યો રહ્યો? બ્રેક્ઝિટ. વર્ષોજૂનો સંબંધ તોડીને સંબંધનો નવો સેતુ રચવાનું હંમેશા પીડાદાયક હોય છે, તેમાં અનેક સમસ્યાઓ હોય છે - પછી વાત બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધની હોય કે બે રાષ્ટ્રો વચ્ચેના સંબંધની. બ્રિટન પણ આ જ પીડામાંથી પસાર થઇ રહ્યું છે. બ્રેક્ઝિટના પગલે યુરોપિયન યુનિયન સાથેના વ્યાવસાયિક સંબંધો ખોરવાશે. જે અર્થતંત્રમાં લગભગ ૫૦ ટકા ઉત્પાદન નિકાસ પર નિર્ભર હોય તે દેશમાં આવા છૂટા-છેડાના મુદ્દે ચિંતા સાવ અસ્થાને નથી. વેપાર તેમજ વિદેશી મૂડીરોકાણ ઉપર મહત્તમ મદાર ધરાવતો આપણો આ દેશ ગ્રેટ બ્રિટન વૈશ્વિક નકશામાં ભલે અત્યંત નાનકડો દેખાતો હોય, પણ તે વિશ્વની છઠ્ઠી આર્થિક મહાસત્તા છે તે નિર્વિવાદ છે.
કંઇકેટલીય વાર્ષિક સર્વે આ આઠ દિવસની રજાઓમાં મેં જોઇ - વાંચી લીધી. અલબત્ત, પ્રશ્નો ગંભીર છે તો પણ બ્રેક્ઝિટના કારણે દેશનું અર્થતંત્ર સાવ જ કથળી જશે એમ માની લેવાની જરૂર નથી. છેલ્લા એક - દોઢ વર્ષના બ્રિટિશ અર્થતંત્રના તાણાવાણા પર નજર ફેરવીએ તો રાજકીય મામલે ભારે અવઢવ, મૂંઝવણ જોવા મળી. વડા પ્રધાન મે અને તેમની સરકાર ગોથે ચઢતી, લોકોની ટીકાનું નિશાન બનતી જોવા મળી. આંતરરાષ્ટ્રીય નાણાં બજારમાં પાઉન્ડનું અવમૂલ્યન થયું હોવાની વાત હકીકત હોવા છતાં કેટલાક તથ્યો આશાના કિરણોને વધુ તેજોમય બનાવે છે.
જેમ કે, દેશમાં ઉત્પાદન વધી રહ્યું છે. નિકાસમાં વધારો નોંધાયો છે. અને રાજકીય ઉથલપાથલની સંભાવના હોવા છતાં નોકરી-ધંધા તેમજ હાઉસિંગ પ્રોપર્ટીની કિંમત બાબતે આશાવાદ જોવા મળી રહ્યો છે. રિઅલ એસ્ટેટના રોકાણકારોમાં - વિશ્વના અન્ય દેશોની સરખામણીએ - દસકાઓથી બ્રિટનનું વિશેષ આકર્ષણ રહ્યું છે તેમાં કંઇ નવું નથી. આ આશાવાદ, આકર્ષણના પાયામાં છે બ્રિટને અપનાવેલી મુક્ત બજારની ઓપન ડોર પોલીસી. સરકાર કહે છે કે તમે નાણાં લઇને આવો, રોકાણ કરો, નફો રળો અને ઇચ્છો ત્યારે મૂડી - નફો કે બન્ને એક સાથે પાછા લઇ જાવ. અમને કંઇ વાંધો નથી. સ્થાનિક કરવેરાનો દર પણ અન્ય વિકસિત દેશોની સરખામણીએ થોડોક ઓછો કહી શકાય. મૂડીરોકાણ કરનારને પાક્કો વિશ્વાસ છે કે બ્રિટનમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર જડબેસલાક છે. ન્યાયતંત્ર સ્વતંત્ર અને સક્ષમ છે. વાત માત્ર આર્થિક વિશ્વસનીયતા પૂરતી જ સીમિત નથી. સંરક્ષણ ક્ષેત્રે પણ બ્રિટન હંમેશા પોતાનું યોગદાન આપવા તત્પર રહ્યું છે. જરૂર પડ્યે જંગમાં ઝૂકાવવા અને પોતાનું રક્ત વહાવવામાં બ્રિટને ક્યારેય પાછી પાની કરી નથી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના આપના જેવા અમારા લાખો સુજ્ઞ વાચકો આ બન્ને અઠવાડિકો કે વિશેષાંકોમાં ભારત વિશે રજૂ થતાં ભરપૂર વિચાર અને સમાચાર વાંચતા હશો એવી આશા છે. ભારત આમ જૂઓ તો એક વિકાસશીલ દેશ કહેવાય, પણ અમુક ક્ષેત્રે તે વિકસિત દેશોની હરોળમાં જણાય છે.
જીવંત લોકશાહી, મજબૂત સરકાર, કર્મઠ નેતૃત્વ અને સર્વાંગી ક્ષેત્રે વિકાસ હાંસલ કરવા માટે - વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાષામાં કહીએ તો - નિયત પણ છે અને નીતિ પણ છે. આ હકીકત તમે કે હું જ માનીએ છીએ, સ્વીકારીએ છીએ એવું નથી. વિશ્વના અન્ય દેશોના રાજકીય નિષ્ણાતો, દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ પણ આવું માને છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મૂડીરોકાણ ક્ષેત્રની વ્યાપક સમીક્ષા કરીને તૈયાર થયેલો એક સંશોધનયુક્ત અહેવાલ મેં કાળજીપૂર્વક વાંચ્યો.
દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં મૂડીરોકાણના પાયામાં એક જ સિદ્ધાંત હોય છેઃ સુરક્ષિત મૂડીરોકાણ, આકર્ષક વળતર. ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો, ઇન્સ્યુરન્સ કંપનીઓ, પેન્શન ફંડો અથવા તો મસમોટા તવંગરોના પ્રાઇવેટ ઇક્વિટી ફંડોમાંથી અબજોના અબજો પાઉન્ડ જ્યાં વળતરની આકર્ષક તક હોય ત્યાં ઠલવાતા હોય છે.
એશિયન ઇક્વિટી એ એશિયન દેશોમાં જંગી મૂડીરોકાણ કરતી પેઢી છે અને તેના અધ્યક્ષ છે સ્ટુઅર્ટ પાર્કસ. તેમણે એક માહિતીપ્રદ લેખમાં ભારતની આર્થિક આગેકૂચ વિશે જે વિચારો કર્યા છે તે સહુ કોઇએ જાણવા જેવા છે. તેમના લેખનું શીર્ષક છેઃ Will Indian Prime Minister Narendra Modi's reforms deliver? અર્થાત્ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુધારા સાર્થક નીવડશે? સ્ટુઅર્ટ પાર્કસે તો તેમના લેખમાં ભારતીય અર્થતંત્રની ગઇકાલ - આજ - આવતીકાલ વિશે બહુ બારિક અને ઊંડાણપૂર્વક છણાવટ કરી છે, પરંતુ અહીં તેમાંથી કેટલાક વિચાર-બિંદુ ટાંકી રહ્યો છુંઃ
• ભારતમાં હાલ આર્થિક સુધારાની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. અમે જે દેશોમાં મૂડીરોકાણ કરીએ છીએ તેમાં ભારત શ્રેષ્ઠ જણાય છે.
• ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું અમલીકરણ બહુ સરળ રીતે આગળ વધી રહ્યું છે. આનાથી સરકારી વેરાની આવકમાં ઉમેરો થઇ રહ્યો છે.
• બેન્કરપ્સી કોડની રચના થકી બેન્કોના બેલેન્સ સીટને વધુ વાસ્તવિક અને સુદૃઢ કરવાનું પગલું ભરવામાં આવ્યું છે.
• સરકારી બેન્કોમાં ૩૨ બિલિયન ડોલરની જંગી રકમનું રિ-કેપિટલાઇઝેન કરવામાં આવી રહ્યું છે. પરિણામે બેન્કો વધુ ધિરાણ કરવા સક્ષમ બનશે.
• મોટી રકમની ચલણી નોટો પાછી ખેંચવાનો નિર્ણય લઇને મોદી સરકારે ચોક્કસપણે કાળા નાણાંને નાથવાની દિશામાં મજબૂત કદમ ભર્યું છે.
• મૂડીરોકાણકારો માને છે કે આ બધા સુધારાઓના પગલે ભારતનો વિકાસદર વર્ષ પ્રતિવર્ષ વધશે. લાંબા ગાળે કોર્પોરેટ અર્નિંગમાં વધારો થશે અને ફુગાવો અંકુશમાં રહેશે. એટલું જ નહીં, આયાત-નિકાસના પલ્લાં સમતોલ થશે અને સરકારી તિજોરી વધુ તગડી બનશે.
જોકે સ્ટુઅર્ટ પાર્કસે સાથોસાથ એમ પણ લખ્યું છે કે ‘અમે માનીએ છીએ કે આ બધા આર્થિક સુધારાઓ લાગુ થવા છતાં પણ જો સંતોષજનક આર્થિક વિકાસ નહીં થાય તો મૂડીરોકાણકારો ભારતીય કંપનીઓમાં વૈશ્વિક સ્તરે મોટું રોકાણ કરવું કે કેમ અંગે નિર્ણય કરશે’.
આ તો વાત થઇ ભારતની આર્થિક સદ્ધરતાની, પરંતુ વ્યક્તિગત સદ્ધરતાની વાત કરીએ તો તેમાં પણ ભારતીયો હરણફાળ ભરી રહ્યા છે. ભારતમાં મિલિયોનેર્સ અને બિલિયોનેર્સની સંપત્તિ રાજાના કુંવરની જેમ - દિવસે ન વધે એટલી રાત્રે ને રાત્રે ન વધે તેટલી દિવસે - વધી રહી છે. એક જમાનામાં ધનવાન માટે ‘લાખેશ્રી’ શબ્દ વપરાતો હતો. સમયાંતરે સમૃદ્ધિ વધી અને ધનાઢયો માટે ‘કોટ્યાધિપતિ’ (કરોડપતિ) શબ્દ આવ્યો. આજે ટાટા - બિરલા - અંબાણી જેવા લોકો માટે તો અબજપતિ શબ્દ પણ નાનો પડે તેમ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે દેશની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ આર્થિક પ્રગતિ જોવા મળી રહી છે.
જોકે આ હકીકતની સાથોસાથ એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે ભારતીયો ધનવાનો જરૂર બન્યા છે, પણ સરેરાશ ભારતીય કંજૂસ છે, સખાવત કરતો નથી, વગેરે વગેરે... અપવાદરૂપ કિસ્સામાં આ વાત કદાચ સાચી હશે, પણ સરેરાશ ધનાઢ્ય ભારતીય કંજૂસ હોવાની વાતે હું તો સંમત નથી. પોતીકા પરિવાર માટે રોટી - કપડાં - મકાનની વ્યવસ્થા સુનિશ્ચિત કર્યા બાદ લોકપયોગી કાર્યોમાં ઉદાર મને આર્થિક સહયોગ આપતા અનેક લોકો મારી નજર સામે તરવરે છે. આ લોકો આપવડાઇ કે જાહેરાતના ઢોલ પીટ્યા વગર અછતવાળા લોકો માટે શિક્ષણ-આરોગ્ય-સમાજ કે અન્ય પ્રકારે સહાય આપતા રહે છે. સવજીભાઇ કુરજીભાઇ વેકરિયા આવું જ એક નામ છે.
વ્યવસાયાર્થે સપરિવાર સુરતમાં સ્થાયી થયેલા સવજીભાઇ મૂળે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા બગસરા નજીકના રફાળા ગામના વતની. સુરતમાં ભલે ઠરીઠામ થયા, પણ વતનને ભૂલ્યાં નથી એ વાત તમને આ જ અંકમાં પ્રકાશિત ગોલ્ડન વિલેજ રફાળાના અહેવાલમાં વાંચવા મળશે. સવજીભાઇએ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી સાકાર કરેલા ભવ્ય આયોજનને આવરી લેતો આ લેખ તેમના સ્તુત્ય કાર્યને અમારી ભાવભરી અંજલિ છે. તમને આ લેખ વાંચીને ગામમાં લટાર મારવાનું ઇચ્છા થશે જ તેની મને ખાતરી છે. આથી જ આ સાથે YouTubeની એક લિન્ક પણ મૂકી છેઃ http://bit.ly/2qbOmIS
તમે આ લિન્ક ક્લિક કરીને સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપના માધ્યમથી રફાળા પહોંચી શકો છો. ગોલ્ડન વિલેજ રફાળા નિહાળી શકો છો, પૂ. મોરારી બાપુનું પ્રેરણાદાયી પ્રવચન સાંભળી શકો છો કે લેખક-વક્તા જય વસાવડાની અસ્ખલિત વાણીમાં રફાળાપ્રેમની વાત માણી શકો છો.
સવજીભાઇ સહિત કંઇ કેટલાય ભાઇઓ-બહેનો, યુવક-યુવતીઓ અને વડીલોને જાણું છું કે જેઓ નિસ્વાર્થભાવે એક યા બીજા પ્રકારે સમાજમાં સતત નાનુંમોટું યોગદાન આપતા જ રહે છે. માત્ર આર્થિક મદદ જ માણસાઇનું માપ નથી. એક કે બીજી રીતે કોઇની વાત સાંભળવાથી, બોલવાથી, હાથ હલાવવાથી કે પછી અન્ય પ્રકારે પણ સેવા થઇ શકે છે. સેવાની કોઇ પરિસીમા નથી. સમયદાન પણ સેવા જ છે. કદાચ મારા શબ્દોથી વાત સ્પષ્ટ ન થતી હોય તો આ સાથેનું લોકપ્રિય ભજન ગણગણી લેજો. સુપ્રસિદ્ધ ભજનિક અનુપ જલોટાના શબ્દોમાં સ્વરબદ્ધ થયેલું આ ભજન સહુને પ્રેરક સંદેશ આપી રહ્યું છે. આંખ હોય, હાથ હોય કે કાન તેનો સદ્ઉપયોગ કે દુરુપયોગ માનવમાત્રની ઇચ્છાને આધિન હોય છે.બસ, લગન લાગવી જોઇએ. જીવન જીવવાની અને અન્ય જીવોને કંઇક આપવાની, મદદરૂપ થવાની, સેવા કરવાની, માણસાઇ દાખવવાની અને માનવીય મૂલ્યોને શાશ્વત કરવાની. (ક્રમશઃ)
•••
ઐસી લાગી લગન....
ગાયક: અનુપ જલોટા
આંખ વો જો શ્યામ કા દર્શન કિયા કરે,
હૈ શીશ જો પ્રભુચરણ મેં વંદન કિયા કરે,
બેકાર વો મુખ હૈ જો વ્યર્થ બાતોં મે,
મુખ હૈ વો જો હરિ નામ કા સુમિરન કિયા કરે ।
હીરે મોતી સે નહીં શોભા હૈ હાથ કી,
હૈ હાથ જો ભગવાન કા પૂજન કિયા કરે ।
મર કે ભી અમર નામ હૈ ઉસ જીવ કા જગ મેં,
પ્રભુ પ્રેમ મેં બલિદાન જો જીવન કિયા કરે ।।
ઐસી લાગી લગન, મીરાં હો ગયી મગન ।
વો તો ગલી ગલી હરિગુણ ગાને લગી ।।
મહલોં મેં પલી, બન કે જોગન ચલી ।
મીરાં રાની દીવાની કહાને લગી ।।
કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં,
મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી ।
બેઠી સંતો કે સંગ, રંગી મોહન કે રંગ,
મીરાં પ્રેમી પ્રીતમ કો મનાને લગી ।
વો તો ગલી ગલી હરિગુણ ગાને લગી ।।
રાણાને વિષ દિયા, માનો અમૃત પિયા,
મીરાં સાગર મેં સરિતા સમાને લગી ।
દુઃખ લાખોં સહે, મુખ સે ગોવિંદ કહે,
મીરાં ગોવિંદ ગોપાલ ગાને લગી ।
વો તો ગલી ગલી હરિગુણ ગાને લગી ।।
•••

