લંડનઃ ભોજન અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને બાળકો અંગે સૌથી વધુ સ્વાસ્થ્યવર્ધક શું છે તે અંગે તાજેતરમાં અભ્યાસ હાથ ધરાયો હતો. જેમાં જણાયું છે કે જે બાળકો તંદુરસ્ત ભોજન આરોગતાં હોય છે તેઓ વધુ ખુશ રહેતાં હોય છે. બેથી નવ વર્ષના ૭,૬૦૦ બાળકોને તેમની આહારપદ્ધતિ વિશે કેટલાક પ્રશ્નો પૂછીને થયેલા સર્વેમાં આ હકીકત જાણવા મળી છે.
ગોથેનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે, બેથી નવ વર્ષના બાળકોના તંદુરસ્ત ખોરાક અને માનસિક તંદુરસ્તી વચ્ચે ગાઢ સંબંધ છે. લીલા શાકભાજી કે સલાડ જેવો તંદુરસ્ત ખોરાક લેનારાં બાળકોમાં લાગણીના પ્રશ્નો ઓછા જણાયા છે. તેઓ મિત્રો સાથ સંબંધ જાળવવામાં પણ સફળ રહેતા હોય છે.

