સફળ બિઝનેસ વુમન સેલી ક્રોચેકને માતાએ સલાહ આપી હતીઃ થાક તો ક્ષણિક હોય છે

Sunday 07th January 2018 05:30 EST
 
 

મહિલાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ ‘એલીવેસ્ટ’ શરૂ કરનારી સેલી ક્રોચેકે ૨૨૦ કરોડ રૂપિયાથી વધુનું ફંડ એકત્ર કર્યું છે. તેથી જ હાલમાં પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સેલી મેરિલ લિંચ વેલ્થ મેનેજમેન્ટમાં સીઈઓ અને વોલ સ્ટ્રીટ એક્ઝિક્યુટીવ હોવા સાથે બેન્ક ઓફ અમેરિકાની પૂર્વ કર્મચારી રહી ચૂકી છે. સેલી અમેરિકાની જાણીતી બિઝનેસપર્સનમાંથી એક છે. સેલીએ એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે બેસ્ટ કેરિયર એડવાઇસ તેમની માતા પાસેથી મળી હતી, કોઇ ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસેથી નહીં. તેમણે કહ્યું કે કેરિયરમાં એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે તેઓ ખૂબ જ હતાશ થઇ ગયા હતાં, પણ માતા સાથે વાત કર્યા બાદ તમામ વસ્તુઓ સ્પષ્ટ થઇ ગઇ હતી.
સેલીએ કહે છે કે, મને કારકિર્દી માટે શ્રેષ્ઠ સલાહ મારી માતા પાસેથી મળી હતી. મારે એક પુત્ર અને એક પુત્રી છે. દીકરો મોટો છે અને દીકરી નાની છે. મેં જ્યારે મારી દીકરીને જન્મ આપ્યો હતો તે સમયે હું સેનફોર્ન બર્નસ્ટીનમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી. હું અને મારી મમ્મી એક રેસ્ટોરાં બહાર મળ્યા હતા. તેમને મળતાં જ હું રડવા લાગી હતી. તેમણે જેમ-તેમ કરીને મને શાંત રાખી હતી. મેં તેમને કહ્યું કે, મારે દીકરો છે. સુંદર દીકરી પણ થઇ ગઇ છે. સારી નોકરી છે. હંમેશા ધ્યાન આપનારો પતિ પણ છે, પણ હું શાંતિથી ઊંઘી નથી શકતી. હું ખરાબ રીતે થાકી ગઇ છું. સમજી નથી શકતી કે આગળ જીવન કેવી રીતે ચાલશે? તે સમયે મારી માતાએ મારી તરફ જોયું હતું અને કહ્યું હતું કે, ‘તું હારે થાકે એવી નથી. તું બધું જ કરી શકે છે. નિશ્ચિત રીતે જ. મને પૂરો વિશ્વાસ છે. હાર ના માનીશ. થાક તો ક્ષણિક છે. કંઇ એવું કર કે બાળકો તારા પર ગર્વ કરે.’ એ પછી મારામાં ફરી જોમ આવ્યું. મને લાગ્યું કે ખરેખર થાક થોડી વારનો હોય છે. મારી મમ્મીનું કહેવું યોગ્ય જ હતું, થાકની લાગણી તો ક્ષણિક જ હોય છે અને મારી માતાની વાત પણ મને યોગ્ય જ લાગી કે હું તો બધું જ કરી જ શકું છું. જ્યારે બાળકો મોટા થયા ત્યારે લાગ્યું કે હું દબાણમાં હતી. એટલે કે અન્ય માતાઓ જેવી તો હતી. આજે પાછું વળીને જોઉ છું તો લાગે છે કે બધાનું પોતાનું જીવન છે. કરિયર કે પેરેન્ટહુડ પૈકી શું પસંદ કરવાનું છે તે નિર્ણય અંગત છે, પણ બંને સારી રીતે મેનેજ થઈ જ શકે છે. સાથીઓને પણ કહું છું કે તમારું જીવન છે એટલે નિર્ણય તમે જ લો. પરિણામ નકારાત્મક હોય તો પણ કોઇને દોષ આપવાની જરૂર નથી. તમને છેલ્લે એ સંતોષ તો રહેશે જ કે તમે જે નિર્ણય કર્યો એમાં તમારે થાકવાનું નથી કારણ કે એ નિર્ણયમાં મજા આવે એમ હશે તો જ તમે એ નિર્ણય લીધો હશે. એ તમારો નિર્ણય છે. મેં ખાસ મહિલાઓ માટે ઓનલાઇન ઇનવેસ્ટમેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું છે. અહીં તેમને રોબો એડવાઇઝર મદદ કરે છે. તેની મૂડી લગભગ રૂ. ૩૩ હજાર કરોડ થાય છે.


comments powered by Disqus