વર્ષ ૨૦૧૨માં આવેલી ફિલ્મ 'એક થા ટાઈગર'ની સિક્વલ અલી અબ્બાસ ડિરેક્ટર 'ટાઈગર જિંદા હૈં' રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં ભરપૂર એક્શન છે. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ટિકીટબારી પર પણ સતત સફળતા મેળવી રહી છે.
વાર્તા રે વાર્તા
દેશભક્તિ પર આધારિત આ ફિલ્મની વાર્તા સીરિયામાં લઈ જાય છે. ત્યાં ૨૫ ભારતીય અને ૧૫ પાકિસ્તાની નર્સને બચાવવાના મિશન પર ટાઈગર (સલમાન ખાન) તથા ઝોયા (કેટરિના કૈફ) નીકળે છે. આ નર્સનું આઈએસઆઈએ અપહરણ કર્યું હોય છે. અમેરિકા કહે છે કે જો સાત દિવસમાં ભારત નર્સને છોડાવી નહીં શકે તો તે હોસ્પિટલમાં છુપાયેલા આતંકીને મારવા હોસ્પિટલ પર એર ફાયર કરશે. એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મમાં શું ટાઈગર તથા ઝોયા આઈએસઆઈની ચુંગાલમાંથી નર્સને છોડાવી શકે છે? તેમને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે, એ જાણવા ફિલ્મ જોવી પડશે.
હિટ છે બોસ
ટાઈગરની સફર ટિકીટબારી પર ઝડપથી ચાલી રહ્યાનું ફિલ્મ વ્યાપાર વિશ્લેષકો જણાવી રહ્યા છે. ભલે આ ફિલ્મના નિર્દેશક બદલાઈ ગયા હોય, વાર્તા અને પાત્રોને રજૂ કરવાનો અંદાજ પાછલી ફિલ્મથી ઘણો મળતો આવે છે. પાછલી ફિલ્મની વાર્તા વતનથી શરૂ થઈ હતી, તો આ વખતે આતંકવાદની આગમાં વર્ષોથી ભુંજાઈ રહેલા સીરિયાની ભૂમિથી જોડાયેલી છે. વિવેચકોએ કહ્યું હતું કે સલમાન ખાનની આ ફિલ્મને જોતાં એ બાબતનું આશ્ચર્ય થાય છે કે આ ફિલ્મને શા માટે પાકિસ્તાનમાં રોકવામાં આવી? હકીકતમાં ફિલ્મમાં એવું કંઈ પણ નથી જે પાકિસ્તાનની વિરુદ્ધમાં હોય, ઊલ્ટું, પહેલી જ વખત રૂપેરી પડદા પર પાક.ની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને રોને એકસાથે મિશન પર જતા દર્શાવાયા છે.
દિલધડક એક્શન દૃશ્યો, ઓસ્ટ્રિયા અને મોરોક્કોના ખુબસૂરત લોકેશન્સ અને એક્ટર્સના જબરદસ્ત સ્ટંટ દૃશ્યો આ ફિલ્મના જમાં પાસા છે. સલમાન ખાન અને કેટરિનાની જોડી જામી રહી છે એમ વિવેચકોએ જણાવ્યું હતું.
સલમાન ખાને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન વાલ્મિકી સમાજ અંગે જાતિસૂચક નિવેદન કર્યાં હતાં તેથી સલમાન વિવાદમાં ઘેરાયો હોવા છતાં ફિલ્મની સફળતાને કોઈ અસર પહોંચી નથી.

