સૌરાષ્ટ્રમાં બગસરાની નજીક આવેલા નાનકડા ગામ રફાળાએ ગોલ્ડન વિલેજની આગવી ઓળખ ઉભી કરીને ગુજરાત અને દેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. માત્ર એક હજારની વસતિ ધરાવતા આ ગામની ઘણાં લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. માતાપિતાને તર્પણ તેમજ સમાજ અને વતન પ્રત્યેનું ઋણ અદા કરવા ગામની કાયાપલટ માટેનું શ્રેય મૂળ રફાળા ગામના અને ૩૦ વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા પાટીદારપુત્ર અને સામાજિક અગ્રણી સવજીભાઈ કુરજીભાઈ વેકરિયા અને ગ્રામજનોને ફાળે જાય છે. સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓક્ટોબરથી ગોલ્ડન વિલેજ રફાળાનો ત્રિદિવસીય ગ્રામાર્પણ સમારોહ યોજાયો હતો.
ત્રિદિવસીય ઉત્સવની ઝલક
રંગેચંગે ઉજવાયેલા ગ્રામાર્પણ સમારોહની ત્રણે દિવસની થીમ અલગ હતી અને તેને અનુરૂપ કાર્યક્રમો યોજાયા હતા.
પ્રથમ દિવસે રામજી મંદિર અને સોમેશ્વર મહાદેવ મંદિરનું લોકાર્પણ તથા સર્વે ગામ દેવતાઓની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સ્વામી બાલકૃષ્ણદાસજીએ કહ્યું હતું કે સવજીભાઈએ ગામલોકોને સાથે રાખીને સરકાર પણ ન કરી શકે એવું કામ કરી બતાવ્યું છે. બીજા દિવસે મુખ્ય મહેમાન પદે પૂ. મોરારિ બાપુ, ગુજરાતના પ્રસિદ્ધ યુવા સાહિત્યકાર જય વસાવડા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૂ. મોરારિ બાપુએ જણાવ્યું હતું, ‘હું દેશ-વિદેશમાં ફર્યો છું, પણ આવું દરેક રીતે નમણું અને રૂપાળું ગામ દેશ-વિદેશમાં ક્યાંય મારા જીવનના ૭૨ વર્ષમાં જોયું નથી. આ ગામ આદર્શ ગામ કરતા ફાધર્સ ગામ વધુ લાગે છે.’ યુવા સાહિત્યકાર જય વસાવડાએ જણાવ્યું હતું કે સરદારની પ્રતિમાઓ તો બધે મૂકાય છે પણ તેમની પ્રતિભાને સાકાર કરનાર આ રફાળા પ્રથમ ગામ છે. ત્રીજા દિવસે મોહનભાઈ ડાયાભાઈ લોકકલ્યાણ ટ્રસ્ટ, રફાળા આયોજીત ‘કૃષિ વંદના’, ખેતીવાડી માર્ગદર્શન, ખેડૂત ગૌરવ એવોર્ડ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
જાંબાઝ જવાનોનું સન્માન
ગ્રામાર્પણ સમારોહ દરમિયાન શૌર્યચક્રથી સન્માનિત મેજર રાકેશ શર્મા, પરમ વીરચક્રથી સન્માનિત જાંબાઝ સૈનિકો લેફ્ટન્ટ કર્નલ બાનાસિંહ, સુબેદાર સંજય સિંહ અને મહાવીર ચક્રથી સન્માનિત કારગીલ યુદ્ધના હીરો દિગેન્દ્ર સિંહનું સન્માન કરવામાં આવ્યું હતું.
સવજીભાઈનું અનોખું પિતૃતર્પણ
સવજીભાઈએ બે વર્ષ રફાળામાં જ રહીને, સતત પરિશ્રમથી ૨૩ જેટલી નવતર યોજનાઓ સફળતાપૂર્વક સાકાર કરી છે. અમરેલીમાં બાર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યા પછી સવજીભાઈ ૧૯૮૮માં સુરત ગયા અને હિંદુસ્તાન ટ્વિસ્ટર નામની કંપની ચાલુ કરી. સાથે જનસેવા પણ શરૂ કરી. તેની સાથે તેમણે શક્ય તમામ મદદ કરીને રફાળાને રમણીય અને આધુનિક બનાવવાનું સ્વપ્ન જોયું. સવજીભાઈને અંતઃસ્ફુરણા થઈ કે જ્યાં માતા-પિતાની યુવાની અને ઘડપણ વીત્યા છે, એ ગામને આદર્શ અને અદ્ભુત બનાવીને તેમને અંજલિ આપવી જોઈએ. તેમના પિતા કુરજીભાઈ થોડા મહિના પહેલા જ સ્વર્ગવાસી થયા. તે અગાઉ ઉંમરને લીધે માતા લાભુબહેનની દૃષ્ટિ જતી રહી. તેમણે ગામનું નવસર્જન થતું તો જોયું હતું, પરંતુ તેઓ લોકાર્પણ જોઈ શક્યા નહીં.
આ ભગીરથ કાર્યમાં સવજીભાઈને તેમના પત્ની હંસાબહેન, પુત્ર સિદ્ધાંત અને પુત્રી સુભદ્રાનો સતત સહયોગ અને પીઠબળ સાંપડ્યા છે. સવજીભાઈએ એક વ્યક્તિ ધારે તો શું કરી શકે તેનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સવજીભાઈની અનેકવિધ પ્રવૃત્તિઓ
સવજીભાઈ અગાઉથી જ તેમના દાદાના નામે મોહનભાઈ ડાયાભાઈ લોકકલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવાની વિવિધ પ્રવૃત્તિઓ તો ચલાવતા જ હતા. તે ઉપરાંત, દેશભરમાંથી ચિંતકો અને કલાકારોને બોલાવીને ગ્રામજનોને પણ એનો લાભ આપતા હતા. સવજીભાઈએ વિશ્વ ગુજરાતી સમાજના ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતના ઉપપ્રમુખ, સાપુતારા માલેગાંવ પ્રયોશા પ્રતિષ્ઠાનનું ટ્રસ્ટી પદ શોભાવ્યું છે. શિક્ષણ ગોષ્ઠિ દ્વારા વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન વધે તેવા ઘણાં કાર્યક્રમો તેમણે બગસરા અને સુરતમાં યોજ્યા હતા.
સવજીભાઈનો પરિશ્રમ
સવજીભાઈએ મહીનાઓ સુધી ધંધો અને કુટુંબને પડતા મુકીને ટાઢ, તાપ અને વરસાદમાં ખડે પગે ઉભા રહીને અંગત દેખરેખ નીચે ગામનું નવસર્જન કર્યું! સવજીભાઈએ પોતાની મરણમુડી જેવું ધન પણ ખરચી નાખ્યું. ઉધારઉછીના કર્યા અને કરોડો રૂપિયાના ખર્ચે આખરે બે’ક વરસમાં તો આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને નવા ભવનો સાથે આખા ગામની કાયાપલટ કરી નાખી. આ ભગીરથ કાર્યમાં ગામના તમામ જ્ઞાતિ-ધર્મના લોકોએ તેમને સંપૂર્ણ સહકાર આપ્યો.
રફાળાને વધુ સમૃદ્ધ બનાવાશે
સવજીભાઈએ જણાવ્યું હતું, ‘મારું કામ હજુ પૂર્ણ થયું નથી. મેં કામના દસ ભાગ પાડેલા છે, તેમાંથી આ અદભુત કહી શકાય એવો એક ભાગ પૂર્ણ થયો છે. હવે પછીના કામોમાં ગામને આત્મનિર્ભર બનાવવાની સાથે ગામમાં રોજગારીનું સર્જન કરવું છે, ગોલ્ડન વિલેજ રફાળાની એક બ્રાન્ડ ઊભી કરવી છે. બાળકો અને યુવાનો માટે શિક્ષણની શ્રેષ્ઠ સુવિધા ઉભી કરવા ઉપરાંત કૃષિ અને યંત્રો માટે શોધ-સંશોધનને પ્રોત્સાહન દ્વારા તેમાં નવું કરવું છે.’
દીકરીઓના સંભારણાનું ‘લાડલી ભવન’
બે વર્ષમાં જ ગામનું સંપૂર્ણપણે નવીનીકરણ કરાયું છે. ગામના ઓડીટોરિયમ / મેરેજ હોલની ગરજ સારે એવું ‘લાડલી ભવન’ બનાવાયું છે. તેમાં ગામની તમામ વર્ગ- જ્ઞાતિની દીકરીઓ, સાસરે ગયેલી કે સાસરે આવેલી ૪૫૧ દીકરીના હાથના કંકુથાપા, ફોટા અને વિગતો સાથે ‘મીઠા સંભારણાનું મ્યુઝિયમ’ બનાવાયું છે. સવજીભાઈ તો તેને અંગ્રેજીમાં ‘પેલેસ ઓફ ગોલ્ડન વિલેજ રફાળા પ્રિન્સેસ’ તરીકે ઓળખાવે છે.
એક રંગે રંગાયુ ગામ
સવજીભાઈએ રફાળા ગામને એક જ રંગમાં એટલે કે ગોલ્ડન રંગમાં રંગીને સંપના તાંતણે બાંધી દીધું છે. હાલના સમયમાં તે ખૂબ નવી અને મહત્ત્વની વાત છે. લગભગ તમામ આધુનિક સુવિધાઓ સાથેનું માંડ ૧૦૦૦ માણસોની વસ્તી ધરાવતું આ ગામ જોતાં જ ગમી જાય એવું રુપકડું અને મજાનું બની ગયું છે.
સાત પ્રવેશદ્વાર અને ફોર-ઈન-વન ટાવર
ગામમાં સેનાના પરમ વીરચક્ર વિજેતાઓને સમર્પિત એવો દિલ્હીમાં છે તેવો જ ‘ઇન્ડિયા ગેટ’ અને ‘અમર જવાન જ્યોતિ’ સાથે ‘શહીદસ્મારક ચોક’નું નિર્માણ કરાયું છે. ત્યાં ફોર ઈન વન સુવિધા સાથેનો ૪૧ ફૂટ ઉંચો ટાવર બનાવાયો છે જે રફાળાના આકર્ષક ધ્વજ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, લાઈટીંગ અને ઘડિયાળથી સજ્જ છે. ગામનું પ્રવેશ દ્વાર ‘સરદાર ગેટ’ પણ ભવ્ય અને આકર્ષક છે. આ ઉપરાંત ગામમાં ગાંધી ગેટ, લાડલી ગેટ, સરસ્વતી મંદિર ગેટ, મુક્તિધામ ગેટ, હાથી ગેટ સહિત કુલ સાત ગેટ બનાવાયા છે. ગામમાં સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ અને રાણી લક્ષ્મીબાઈને સમર્પિત ‘ક્રાંતિ ચોક’ બનાવાયો છે.
ગ્રામ સંસદ ભવન અને આકર્ષક બસ સ્ટેન્ડ
મુખ્ય ચોકમાં જ તૈયાર કરાયેલા આધુનિક ગ્રામ સંસદ ભવનમાં સુંદર મજાનું ફર્નિચર ગોઠવવામાં આવ્યું છે. એક કોમ્પ્યુટર રૂમ પણ બનાવાયો છે. તો ઉપર મૂકાયેલો વાઈ-ફાઈ ટાવર ગોલ્ડન વિલેજ રફાળાને ઈન્ટરનેટના માધ્યમથી જોડીને આદર્શગ્રામ સાથે વિશ્વગ્રામ બનાવે છે. કાચના પારદર્શક દરવાજા સાથે બનાવાયેલા ગામના બસ સ્ટેન્ડમાં બેસવાની સરસ વ્યવસ્થા છે અને તેમાં એસીની સુવિધા છે. તેને ‘પ્રસ્થાન કેન્દ્ર ગોલ્ડન વિલેજ રફાળા’ નામ અપાયું છે. સમગ્ર ગામના મુખ્ય રસ્તા, ચોક, શેરીઓને આરસીસી પેવરથી સજાવ્યા છે. આરસીસી બ્લોકમાં વર્ષો સુધી કોઈ તોડફોડ ન કરવી પડે તે માટે પાણી અને ડ્રેનેજની લાઈનોનું અન્ડરગ્રાઉન્ડ આયોજન કરાયું છે.
મરવાનું મન થાય તેવું મુક્તિધામ
ગામનું મુક્તિધામ (સ્મશાન) પણ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે. તેમાં ૧૧ ફૂટ ઊંચુ શિવલિંગ અને શિવ-હનુમાનજીની પ્રતિમા, ભાલકા તીર્થની રેપ્લિકા છે. વધુમાં, વિશ્વના ૭૬ વૈજ્ઞાનિકોના જીવન-દર્શનની ઝાંખી પણ સ્મશાનમાં રજૂ કરવામાં આવી છે. ખાસ તો પાર્થિવ દેહના શણગાર માટે બનાવાયેલું ‘અંતિમ સંસ્કાર શણગારગૃહ’ વિશેષ ધ્યાન ખેંચે છે. રફાળાના સ્મશાન વિશે પૂ. મોરારિ બાપુએ ગ્રામાર્પણ દરમિયાન હળવી શૈલીમાં કહ્યું હતું, ‘મને તો અહીં મરવાનું મન થઈ ગયું, પણ હજુ મારે ઘણી કથાઓ કરવાની બાકી છે એટલે શું થાય!’
ધાર્મિક સ્થળોનો જિર્ણોદ્ધાર
રામજી મંદિર સહિત હરિજનોના પાલણપીર, દાડમા દાદા, મોમાઈ માતા, ભરવાડોના દેવી શીતળાઈ સાથે દેવીપૂજક સમાજના બે મંદિરનો પણ જિર્ણોદ્ધાર કરીને તેને સુંદર બનાવાયા છે. અન્ય તમામ મંદિરોનું પણ નવનિર્માણ કરાયું હતું. નવા સરસ્વતી મંદિર સાથે શાળાનું નિર્માણ કરાયું છે. રસ્તા, પંચાયત ઓફિસ, પશુઓ માટે ગામની ચારે દિશામાં અવેડા તેમજ મહિલાઓને કપડાં ધોવામાં સુવિધા રહે તે માટે ખાસ ધોબીઘાટ તૈયાર કરાયો છે. સ્વચ્છતાની જાળવણી માટે ઘેર ઘેર કચરાપેટી અને કોમન ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. આખા ગામમાં વાઇફાઈ, અન્ડરગ્રાઉન્ડ ગટર અને એલઇડી લાઇટ્સની સુવિધા ઉભી કરાઈ છે. .
વ્યસનના દૂષણ અંગે જાગૃતિ
રફાળામાં વ્યસનમુક્તિ અંગે લાંબા સૂત્રો લખવાને બદલે શહીદ સ્મારક ચોકમાં કાચના બે વિશાળ શો - કેસ મૂકાયા છે. એકમાં પરિવાર વ્યસનોથી મુક્ત હોય તો તે કેટલો ખુશ, સાધન સંપન્ન અને સુખ શાંતિ અનુભવતો હોય તેનું જીવંત દ્રશ્ય ચિત્રોના કટઆઉટ અને વિવિધ રાચરચીલું મૂકીને ખડું કર્યું છે. બીજા શો-કેસમાં વ્યસનથી ગ્રસ્ત અને ત્રસ્ત, બીમાર અને બિસ્માર પરિવારનું દ્રશ્ય રજૂ કરાયું છે.
(વધુ માહિતી માટે વાંચો ‘જીવંત પંથ’ પાન - ૧૪)
•••
લોક પ્રતિભાવ
• હવે અમને સીટી કરતા અહીં વધારે મજા આવે છે. ફરી ફરીને રફાળા આવવાનું મન થાય એવું ગામ બન્યું છે. - દલસુખભાઈ ખોડાભાઈ વેકરીયા, સુરત
• ગોલ્ડન વિલેજ રફાળાના સ્વપ્નદૃષ્ટા સવજીભાઈને ભગવાનનું રૂપ કે સરદારનો બીજો અવતાર કહી શકાય. - અરવિંદભાઈ સવજીભાઈ વેકરીયા, સુરત
• રફાળાના આર્કિટેકટ તરીકે કામ કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું એને હું ઠાકોરજીની કૃપા માનું છું. - કાંતિભાઈ ગજ્જર, બગસરા
• સવજીભાઈએ રફાળા ગામને ગોલ્ડન વિલેજ રફાળા બનાવી વિશ્વકર્મા જેવું કામ કર્યું છે. હવેનું ગામ જોઈને એટલો આનંદ થાય છે કે લાગે છે કે આ જનમ ધન્ય થઈ ગયો. - સેવાદાસ બાળકદાસ ગોંડલીયા, રફાળા
• ગામના રસ્તાઓ પાકા બનાવવા માટે ગામની દરેક વ્યક્તિએ પોતાના ઓટલાઓને સ્વેચ્છાએ દૂર કરી ગામની બધી બજારો ચોખ્ખી અને સુંદર બને એમાં સહકાર આપ્યો છે. - દેવાભાઈ સોમાભાઈ ચૌહાણ, સરપંચ - રફાળા

