ટીમ ઇંડિયા દસકામાં ત્રીજી વખત એશિયા કપ ચેમ્પિયન

Wednesday 03rd October 2018 08:16 EDT
 
 

દુબઇઃ ટીમ ઇંડિયાએ દસકામાં ત્રીજી વખત એશિયા કપ જીતીને ક્રિકેટવિશ્વમાં વિજયપતાકા લહેરાવ્યા છે. એશિયા કપની દિલધડક ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવી ટ્રોફી જીતી છે.
બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા, ધોની અને દિનેશ કાર્તિકની મક્કમ બેટિંગની મદદથી ભારતે શુક્રવારે રમાયેલી અને આખરી બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. ટીમ ઇંડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
 બાંગ્લાદેશે આપેલા ૨૨૩ રનના લક્ષ્યાંકને ભારતે અંતિમ બોલમાં પાર પાડ્યો હતો. મેચના છેલ્લા બોલમાં એક રનની જરૂર હતી અને કેદાર જાધવે ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. ભારતે સાતમી વખત એશિયા કપ ટાઈટલ જીત્યું છે. એક સમયે એવું લાગતું હતું કે ભારત આસાનીથી ફાઇનલ જંગ જીતી જશે. જોકે બાંગ્લાદેશી બોલર્સે વળતો પ્રહાર કરીને ભારતીય બેટ્સમેનોને હંફાવ્યા હતા. આમ આસાન મેચ અંતિમ ક્ષણો સુધી રોમાંચક બની રહી હતી.
બાંગ્લાદેશ ફરી કમનસીબ
બાંગ્લાદેશ ત્રીજી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે, તેને ત્રીજી વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ અગાઉ ૨૦૧૨માં બાંગ્લાદેશ પાકિસ્તાન સામે હારી ગયું હતું. જ્યારે ૨૦૧૬માં ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં રમાયેલા એશિયા કપની ફાઈનલમાં ભારતે તેને બે વિકેટ પરાજય આપ્યો હતો.
ભારત માટે રોહિત શર્માએ સૌથી વધુ ૪૮ રન નોંધાવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિકે ૩૭ અને ધોનીએ ૩૬ રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ ૨૩ અને ભુવનેશ્વર કુમારે ૨૧ રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જાધવે અણનમ ૨૩ રન નોંધાવ્યા હતા.
વર્લ્ડ કપની ટ્રાયલ રન
ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ ટીમો માટે સ્પર્ધાનું આગવું મહત્ત્વ હતું. આવતા વર્ષે ૨૦૧૯માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમાવાનો છે અને એશિયા કપમાં રમનારી કુલ પાંચ ટીમ વર્લ્ડ કપ માટે વખતે મેદાનમાં ઉતરવાની છે. ભારતે એક દસકામાં આ ત્રીજી વખત એશિયા કપ જીત્યો છે, જે અત્યાર સુધી સૌથી
વધુ છે.
રોહિત-ધવનના સૌથી વધુ રન
ઓપનર રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ પાંચ મેચમાં એક સદી અને બે અડધી સદીની ભાગીદારી સાથે કુલ ૪૩૭ રન કર્યા છે. ધવને સૌથી વધુ ૩૪૨ રન બનાવ્યા છે, જેમાં બે સદી પણ સામેલ છે.
ભારતીય ઓપનરોએ ૬ મેચમાં ૯૧ રનની એવરેજથી ૫૪૭ રન કર્યા છે. એક મેચમાં રાહુલ અને રાયડૂએ ઓપનિંગ કરી હતી. હોંગ કોંગના ઓપનરો ૧૯૧ રનની સાથે બીજા સ્થાને રહ્યા. આમ ભારતના ઓપનર્સ ત્રણ ગણા રન કર્યા છે એમ કહી શકાય.
‘કેપ્ટનશીપ માટે તૈયાર છું’
રોહિત શર્માએ એશિયા કપમાં પહેલી વખત ટીમ ઇંડિયાનું સુકાન સંભાળ્યું હતું. પોતાના નેતૃત્વમાં ભારતને એશિયા કપમાં ચેમ્પિયન બનાવ્યા બાદ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ફુલટાઈમ કેપ્ટન બનવા માટે તૈયાર છે? આ સમયે રોહિતે કહ્યું કે જો મને તક આપવામાં આવે તો હું તૈયાર છું. રોહિતે આ પહેલાં શ્રીલંકામાં આ વર્ષે જ રમાયેલી ટી૨૦ ટ્રોફીમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.
દર ૩૬મા બોલે વિકેટ
ટૂર્નામેન્ટમાં ભારતીય બોલર્સે સૌથી વધુ ૪૮ વિકેટ ઝડપી છે. આમ તેને દર ૩૬મા બોલે વિકેટ મળી છે. ફાસ્ટ બોલર્સને ૩૭ની સ્ટ્રાઈક રેટથી ૧૯ વિકેટ તો સ્પિનરોએ ૩૬ની સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ ૨૯ વિકેટો ઝડપી હતી. કુલદીપે ૧૦, બુમરાહે ૮ તો ભુવનેશ્વર તથા ચહલે ૬-૬ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus