લંડનઃ શહેરના એક દંપતીએ પોતાના પપીને બચાવવા માટે ૧૧,૯૫૦ પાઉન્ડ ખર્ચીને તેની બાયપાસ સર્જરી કરાવી હતી. લંડનની રોયલ વેટરનિટી કોલેજના સર્જનોની ટીમે લોટીના હાર્ટની બાયપાસ સર્જરી કરી. ૧૦ ડોક્ટરોની ટીમે ૪ કલાક લાંબું ઓપરેશન કરીને તેના હૃદયનો વાલ્વ ઠીક કર્યો હતો.
અગાઉ ક્યારેય પણ કોઈ ડોગ પર આ સર્જરી થઈ નથી. પોલ અને પોલિન ડેલીના પશુપ્રેમના પરિણામે બ્લેક લેબ્રાડોર પપી આજે જીવિત છે. બન્નેએ જણાવ્યું હતું કે તેમનો બ્લેક લેબ્રાડોર લોટી જન્મથી જ બીમાર રહેતો હતો. તેની તપાસ કરાવતા વેટરનીટી ડોક્ટરોએ પપીના હૃદયમાં એક મોટું છીદ્ર હોવાનું જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે ટૂંક સમયમાં તેનું હૃદય કામ કરતું બંધ થઈ જશે. ડોક્ટરોની વાત સાંભળી તેઓ દુઃખી થયા પણ પપીને બચાવવા તેમનાથી બનતા તમામ પ્રયાસ કરવાનો નિશ્ચય તેમણે કર્યો હતો. તેઓ પપીને જીવવાની તક આપવા માગતા હોવાથી ડોક્ટરોએ પપીની બાયપાસ સર્જરીનું સૂચન કર્યું હતું.

