માલદીવમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં દેશની જનતાએ રાજકીય અસ્થિરતા અને લોકતંત્રને લશ્કરની એડી તળે કચડી નંખાયાના આક્ષેપો વચ્ચે સરમુખત્યાર રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને ઘરે બેસાડી દીધા છે. ચૂંટણીમાં ગોલમાલની આશંકાઓને કોરાણે મૂકતા ભારે મતદાન થયું. પોતાના ખાસંખાસના તખ્તાપલટ અને માલદીવમાં પોતાના વધતા વર્ચસ પર ચિંતાના વાદળો ઘેરાતા એક તરફ ચીન તેમજ પાકિસ્તાન હતપ્રભ થઇ ગયા છે તો બીજી તરફ ભારત સહિતના આંતરરાષ્ટ્રીય સમુદાયે માલદીવમાં લોકતંત્રની પુનઃ સ્થાપનાને ઉમળકાભેર આવકારી છે.
ભારત માટે માલદીવમાં લોકતંત્રની બહાલી આગવું મહત્ત્વ ધરાવે છે. ચીનના ખોળે જઇ બેઠેલા યામીને ખરેખર તો છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતવિરોધી કટ્ટર અભિગમ અપનાવ્યો હતો. ચૂંટણી પૂર્વે દેશમાં કટોકટી લાદવાના અને તમામ મુખ્ય પક્ષોના નેતાઓ તેમજ ન્યાયાધીશોને જેલભેગા કરી દેવાના પગલાંનો ભારતે ખુલ્લો વિરોધ કર્યો હતો. આ પછી યામીનને ભારત આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું હતું. એક સમયે માલદીવ મૈત્રીપૂર્ણ સંબંધો માટે ભારતને અવ્વલ દરજ્જાનું સ્થાન આપતું હતું, પરંતુ યામીનના શાસનમાં તેણે ભારત સાથે અંતર વધાર્યું હતું ને ચીન સાથેનું અંતર ઘટાડ્યું હતું. સ્પષ્ટ છે કે માલદીવના ચીનતરફના ઝૂકાવ કે પછી માલદીવ ક્ષેત્રમાં ચીનનું પ્રભુત્વ વધવાથી ભારત સહિત સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્ર પર અસર પડી છે. હવે નવી સરકારના આગમનથી ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધશે તેવી આશા તો છે, પરંતુ એટલું નક્કી છે કે દૂધનું દાઝેલું ભારત હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીશે.
આ ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષી ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે ભલે જ્વલંત વિજય મેળવ્યો હોય, પણ સરમુખત્યાર યામીને તેના કાર્યકાળ દરમિયાન જે દમનકારી નીતિ અપનાવી હતી તે જોતાં તે સત્તાનું હસ્તાંતરણ સરળતાથી થશે કે કેમ તે મુદ્દે રાજકીય વિશ્લેષકોમાં આશંકા છે. અત્યારે તો ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે ૧૭ નવેમ્બરે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાશે.
ભારત, અમેરિકા, યુનાઇટેડ નેશન્સ સહિતના વિશ્વ સમુદાયે માલદીવની સંસદ અને ન્યાયપાલિકા જેવી બંધારણીય સંસ્થાઓને સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામગીરી કરવાનો અવસર આપ્યા વિના જ ચૂંટણી યોજવાની જાહેરાત સામે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. જોકે હાલ તો ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ત્યાં એક એવી સરકાર ચૂંટાઇ છે જે ભારતને મિત્ર માને છે અને તેની સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનું હંમેશા સમર્થન કરતી રહી છે.
ભારત સમર્થક પૂર્વ રાષ્ટ્રપતિ નશીદ સામે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીનો આરોપ મૂકીને તેમને ૧૩ વર્ષ જેલની સજા ફરમાવવામાં આવી હતી. આમ તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠર્યા હતા અને તેમની ગેરહાજરીમાં વિરોધ પક્ષે પોતાના સંયુક્ત ઉમેદવાર તરીકે સોલિહને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. સોલિહ સરકારમાં નશીદની ભૂમિકા મહત્ત્વની હશે એમ મનાય છે. નશીદે ચૂંટણી પરિણામો આવ્યા બાદ જાહેર કરી દીધું છે કે માલદીવમાં ચાલી રહેલા ચીનના મહત્ત્વના પ્રોજેક્ટોની સમીક્ષા કરાશે. આ સંકેતથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીન માલદીવ સહિત સેશલ્સ, નેપાળ, શ્રીલંકા, પાકિસ્તાન જેવા દેશોમાં મદદ અને ધિરાણના નામે પોતાની જાળ બિછાવી રહ્યું છે. માલદીવમાં તો ચાઇનીઝ કંપનીઓએ માળખાગત સુવિધાઓ ઉભી કરવાના નામે મોટા મોટા કોન્ટ્રેક્ટ હસ્તગત કર્યા છે. ચીન મોટા પાયે માલદીવને સહાય કરી રહ્યો છે, પરંતુ લાલો લાભ વગર ન લોટે એ ન્યાયે તે કંઇ દાનધરમ માટે આ ખેરાત નથી કરતો. ચીન આ દેશમાં પોતાનું લશ્કરી મથક સ્થાપવા માગે છે. ચીનના માલદીવ સાથે રાજદ્વારી અને લશ્કરી હિતો સંકળાયેલા છે. ચીન પોતાના વિસ્તારવાદી ઇરાદાઓને સાકાર કરવા અને ભારતને ભરડો લેવા માટે માલદીવનો ઉપયોગ કરી રહ્યો છે. ચીન અત્યાર સુધીમાં માલદીવના સાત ટાપુઓ પર પોતાનો પંજો પ્રસારી ચૂક્યો છે.
માલદીવમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતાની હિંદ મહાસાગર ક્ષેત્ર અને ખાસ તો ભારત પર પ્રતિકૂળ અસર પડી છે. આથી ત્યાં વહેલામાં વહેલી તકે લોકતંત્રનું પુનઃ સ્થાપન સમગ્ર પ્રદેશની શાંતિ અને સુરક્ષાના દૃષ્ટિકોણથી બેહદ મહત્ત્વપૂર્ણ છે. ભારત માટે એ પણ જરૂરી છે કે તમામ પડોશી દેશોની સાથે સહયોગ સાધે અને વિકાસ માટે સંયુક્ત યોજનાઓનો અમલ કરીને ચીનની ખંધાઇને માત આપે. આ પ્રયાસના ભાગરૂપે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સહયોગ ઘનિષ્ઠ બનાવવાનો એજન્ડા લઇને વહેલી તકે માલદીવ જાય તેવી શક્યતા છે. સંભવતઃ તેઓ નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા માલદીવ જશે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદી માર્ચ ૨૦૧૫માં માલદીવ પ્રવાસે જવાના હતા, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદની ધરપકડ બાદ સર્જાયેલી રાજકીય અસ્થિરતાના પગલે તેમણે પ્રવાસ મુલત્વી રાખ્યો હતો. માલદીવના મતદારોએ રાજકીય સૂઝબૂઝ અને સમજદારી દાખવીને સરમુખત્યાર અબ્દુલ્લા યામીનને આયનો દેખાડ્યો છે ત્યારે હવે લોકશાહી ઢબે ચૂંટાયેલા શાસકોની એ ફરજ બને છે કે તેઓ દેશને સ્વાર્થલોલુપ ચીનની ચુંગાલમાંથી છોડાવીને ભારત સહિતના જૂના સહયોગી દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુનર્જીવિત કરે.
