નાના સ્ત્રી કલાકારોની મારપીટ કરે છેઃ તનુશ્રીના આરોપ બાદ પાટેકરની કાયદેસર કાર્યવાહીની ચીમકી

Wednesday 03rd October 2018 08:07 EDT
 
 

અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના કડવા અનુભવો અંગેની વાતો કરતાં બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. ૬૭ વર્ષીય અભિનેતા નાના પાટેકર તેમજ ફિલ્મ ‘ચોકલેટ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર તનુશ્રીએ તેને હેરાન કરવાના આરોપ લગાવ્યા હતાં. તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, નાના પાટેકર સેટ પર અભિનેત્રીઓ સાથે મારપીટ કરે છે. તેણે કહ્યું કે, વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લિઝ’નું વર્ષ ૨૦૦૮માં શૂટિંગ ચાલતું હતું. આ ફિલ્મના શૂટમાં નાના પાટેકરે મને જબરદસ્તી પોતાની તરફ ખેંચી હતી. સેટ પર તેમની જરૂર ન હોવા છતાં તે હાજર રહેતા અને કોરિયોગ્રાફરને તેમણે કહ્યું હતું કે, ‘તમે હટો, હું તેને (તનુશ્રીને) ડાન્સ શીખવાડીશ. નાનાએ નિર્માતા સમક્ષ મારી સાથે ઇન્ટિમેટ સીનની માગ પણ કરી હતી.
તનુશ્રીએ વિવેક અગ્નિહોત્રી સામે આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ ‘ચોકલેટ’ના શૂટિંગ સમયે દિગ્દર્શક વિવેકે તેને ઇરફાન સામે ક્યૂઝ આપવા કપડાં ઉતારીને નાચવા કહ્યું હતું. તનુશ્રીએ કહ્યું કે, એ સીનમાં મારી જરૂર પણ નહોતી, છતાં વિવેકે કહ્યું કે કપડાં ઉતારીને નાચ તેની (ઇરફાન) સામે. જોકે ઇરફાને મને અસહજ જોઇને તરત જ કહ્યું કે, મારે ક્યૂઝની કોઇ જ જરૂર નથી. ત્યાં હાજર સુનીલ શેટ્ટી પણ મારા સપોર્ટમાં આવ્યા અને વિવેકને કહ્યું કે, હું ત્યાં આવીને તને ક્યૂઝ કરી દઉં? તનુશ્રીએ કહ્યું કે, ઇરફાન અને સુનીલ જેવા એક્ટર્સનાં કારણે જ આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી, પણ એ પછીથી આ પ્રકારના અનુભવોના કારણે મેં ફિલ્મોમાં કામ કરવાનું બંધ જ કરી દીધું.
તનુશ્રીના આક્ષેપો પછી રિચા ચઢ્ઢા, ફરહાન અખ્તર અને સ્વરા ભાસ્કર જેવા કલાકારોએ તનુશ્રીનું સમર્થન કર્યું છે જ્યારે ઘણા દિગ્ગજ કલાકારોએ નાના પાટેકરના સમર્થનમાં છે અને નાનાએ તનુશ્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું નિવેદન પણ આપ્યું છે.


comments powered by Disqus