નિવેદનબાજી નહીં, નક્કર કાર્યવાહીની જરૂર

Tuesday 02nd October 2018 15:08 EDT
 

યુનાઇટેડ નેશન્સ (યુએન)ની જનરલ એસેમ્બલીને સંબોધતાં ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સામે ટીકાની આકરી ઝડી વરસાવી. પ્રવચનનો સાર એ હતો કે આતંકવાદને પાળતા-પોષતા દેશ સાથે કોઇ પણ સંજોગોમાં મંત્રણા કરાશે નહીં. બીજી તરફ, ભારતમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અને ગૃહ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનમાં ફરી એક વખત સર્જિકલ સ્ટ્રાઇક થવાના સંકેત આપ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘મન કી બાત’માં પાકિસ્તાનને ચીમકી આપતાં કહ્યું છે કે દેશના સન્માન કે અખંડિતતા સાથે કોઇ પણ ભોગે બાંધછોડ કરાશે નહીં. આ બધી વાતોને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં રવિવારે પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર જમ્મુ-કાશ્મીરના પુંચ હવાઇ ક્ષેત્રમાં ઘુસ્યું હતું. જોકે ભારતીય જવાનોએ ભારે ગોળીબાર કરતાં હેલિકોપ્ટર ફરી પાકિસ્તાનની હદમાં જતું રહ્યું હતું. એક અહેવાલ અનુસાર હેલિકોપ્ટર ભારતીય સરહદી ક્ષેત્રનું નિરીક્ષણ કરવા ઘૂસ્યું હતું. એક બાજુ પાકિસ્તાન શાંતિ વાર્તાનો પ્રસ્તાવ મોકલે છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને માત્ર જ પ્રોત્સાહન જ નથી આપતું, પરંતુ સીમાવર્તી ક્ષેત્રમાં અકારણ ગોળીબાર અને મોર્ટારમારો પણ કરતું રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં અઢી વર્ષમાં ૨૦૦થી વધુ સુરક્ષા જવાન શહીદ થયા છે અને ૯૦ નાગરિક માર્યા ગયા છે.
પાકિસ્તાનના આ અટકચાળાં સ્પષ્ટ કરે છે કે તે ક્યારેય સુધરવાનું નથી. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને ઉત્તેજન આપી રહ્યું છે એ જગજાહેર છે. યુએનની આતંકી દેશોની યાદીમાં પણ તે છે તો પછી ભારતે તેની સાથે સારા સંબંધ જાળવવાનું વિચારવું પણ શા માટે જોઇએ? આંતરરાષ્ટ્રીય તખતા પર પાકિસ્તાન અને તેના સમર્થક દેશોને બેનકાબ કરવાની સાથે સાથે સરહદી ક્ષેત્રમાં તેની દરેક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવો જોઇએ. જો અમેરિકા પાકિસ્તાનમાં ઘુસીને ૯/૧૧ પાછળનું મુખ્ય ભેજું ગણાતા ઓમાસા બિન લાદેનને ઠાર મારી શકતું હોય તો મુંબઇના ૨૬/૧૧ના હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહીમ પણ નાપાક ભૂમિ પર હયાત ન જ હોવા જોઇએ. ભારતમાં આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાશે. દરેક ચૂંટણી વખતે પાકિસ્તાનના મુદ્દે રાજકીય નિવેદનબાજી આક્રમક થઇ જાય છે. સૂત્રો ટાંકીને અહેવાલો આવે છે કે સર્જિકલ સ્ટ્રાઇક થશે, અથવા તો ભારત સરકારના વરિષ્ઠ પ્રધાનોનું કહેવું છે કે ‘આવું કંઇક થયું તો છે, પરંતુ હમણાં જાહેર નહીં કરીએ’ જેવા નિવેદનો પ્રજાના મનમાં આશંકા પેદા કરે છે કે દેશની સુરક્ષાનો મુદ્દો ક્યાંક મતબેન્કના રાજકારણ માટે તો નથી ઉછાળવામાં આવતોને? ૨૦૧૬માં પાકિસ્તાન સામે થયેલી સર્જિકલ સ્ટ્રાઇકની યાદમાં ભારતભરમાં પરાક્રમ પર્વ મનાવાઇ રહ્યું છે ત્યારે આમ ભારતીય ઇચ્છે છે કે પાકિસ્તાન મુદ્દે નિવેદનબાજી નહીં, નક્કર કાર્યવાહીની જરૂર છે.


comments powered by Disqus