લંડનઃ લેબર પાર્ટીએ સાઉથ એશિયન કોમ્યુનિટીમાં દીકરાની તરફેણમાં પક્ષપાતને ટાળવા માટે સગર્ભાઓના જાતિને લગતા ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકવા અનુરોધ કર્યો હતો. ભારતીય મૂળના લેબર સાંસદ તન ઢેસીએ જણાવ્યું હતું કે બ્રિટનમાં કન્યા ભ્રૂણના ટેસ્ટ પર પ્રતિબંધ દ્વારા ગર્ભપાતના ‘સામાજિક દૂષણ’ને નિયંત્રણમાં રાખી શકાશે.
બ્રિટનના પ્રથમ પાઘડીધારી સાંસદે ઉમેર્યું હતું કે સાઉથ એશિયામાં સમુદાયોએ આ સામાજિક દૂષણને ડામવામાં ઘણી પ્રગતિ કરી છે. તે જાતિ પરીક્ષણ કરતા ક્લિનિક પર પ્રતિબંધ મૂકતા કાયદાને લીધે શક્ય બન્યું હતું. યુકેમાં પણ આપણે તેવું કરવાની જરૂર છે.
જાતિના કારણે ગર્ભપાત કરાવવાનું યુકેમાં ગેરકાયદેસર છે. પરંતુ, મહિલાઓ ગર્ભપાત માટે અલગ કારણો જ દર્શાવતી હોવાથી તે શોધવાનું મુશ્કેલ છે. યુકેમાં નોન-ઈન્વેસિવ પ્રિનેટલ ટેસ્ટ (એનઆઈપીટી)નો ઉપયોગ સરકારી એનએચએસ દ્વારા આનુવંશીય પરિસ્થિતિના પરીક્ષણ માટે કરાય છે. પરંતુ, લોકો બાળકની જાતિ જાણવા માટે ખાનગીમાં લગભગ ૨૦૦ પાઉન્ડના ખર્ચતા હોય છે.
શેડો વિમેન એન્ડ ઈક્વાલિટીઝ મિનિસ્ટર અને પાકિસ્તાની મૂળના લેબર સાંસદ નાઝ શાહે જણાવ્યું હતું કે પરિણામના આધારે ગર્ભપાત માટે ટેસ્ટનો ઉપયોગ કરવો એ લોકો માટે નૈતિક રીતે પણ ખોટું છે. એનઆઈપીટી સ્ક્રીનિંગનો ઉપયોગ તેના નિશ્ચિત હેતુ માટે, ડાઉન્સ સિન્ડ્રોમ જેવી ગંભીર સ્થિતિઓની તપાસ માટે કરવો જોઈએ. સરકારે તેના ગેરઉપયોગ પ્રત્યે ધ્યાન આપવાની અને યોગ્ય પ્રતિબંધ અમલી બનાવવો જોઈએ.
યુકેમાં વંશીય લઘુમતિઓની મહિલાઓને સહાય કરતી ચેરિટી જીના ઈન્ટરનેશનલ દ્વારા જણાવાયું હતું કે મહિલાઓના ગર્ભમાં બીજી કે ત્રીજી વખત કન્યા ભ્રૂણ હોવાથી તેમને ગર્ભપાત માટે ફરજ પાડવામાં આવે છે.

