હાવથોર્ન (ટોક્યો)ઃ જાપાનના ધનાઢય યોસાકુ મેજાવા ચંદ્ર પર જનારા પ્રથમ ટુરિસ્ટ બનશે. આ માટે તેમણે રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સના સીઇઓ ઇલોન મસ્ક સાથે કરાર કર્યો છે. છેલ્લા ૪૬ વર્ષમાં મેજાવા એવી પ્રથમ વ્યક્તિ હશે કે જેઓ ચંદ્ર પર જવાની અને પાછા ફરવાની તૈયારી કરે છે. ૧૯૭૨નું એપોલો એવું આખરી મિશન હતું કે જ્યારે માણસે ચંદ્ર પર પગ મૂક્યો હતો.
બિલિયોનેર મેજાવા જાપાનના સૌથી મોટા ઓનલાઇન શોપિંગ મોલ જોજોટાઉનના ફાઉન્ડર છે અને દુનિયાભરની મૂલ્યવાન કલાકૃતિઓના સંગ્રાહક છે. મેજાવા ૨૦૨૩માં મસ્કની કંપની સ્પેસએક્સના બિગ ફાલ્કન રોકેટથી ઉડાન ભરે તેવી શક્યતા છે. તેમણે આ પ્રોજેક્ટ માટે કેટલી રકમ ચૂકવી છે તેનો ખુલાસો કર્યો નથી, પરંતુ આંકડો બહુ મોટો હોવાની શક્યતા છે. પ્રોજેક્ટ અંગેના કરાર બાદ મેજાવાએ કહ્યું હતું કે નાનો હતો ત્યારથી મને ચંદ્ર ગમતો હતો. આ એક એવો પ્રોજેક્ટ છે કે જેને હું જરૂર પૂરો કરીશ. આ મારા જીવનનું સપનું છે. હું મારી સાથે છથી આઠ કલાકારોને પણ મૂન મિશન પર આવવા આમંત્રણ આપીશ.
ત્રણ દિવસે ચંદ્ર પર
ચંદ્રની ભ્રમણકક્ષા પૃથ્વીથી ૨,૩૮,૮૫૫ માઇલ (૩,૮૪,૪૦૦ કિ.મી.) દૂર છે. મેજાવાને ચંદ્ર સુધી પહોંચતા આશરે ત્રણ દિવસ લાગશે. આ ટ્રિપને સાકાર કરવા માટે સ્પેસએક્સ એક બિગ ફાલ્કન રોકેટ બનાવી રહ્યું છે, જેમાં ૯ મીટરનું એક બૂસ્ટર હશે.

