યુકેમાં અંગદાનને સમર્થન આપવા ભારતીય સમુદાયને અનુરોધ

Wednesday 03rd October 2018 06:51 EDT
 
 

લંડનઃ લોર્ડ જિતેશ ગઢિયાએ ૧૨ સપ્ટેમ્બરે પાર્લામેન્ટમાં યોજેલા કાર્યક્રમમાં યુકેમાં વસતા ભારતીય સમુદાય અને ખાસ કરીને હિંદુ, શીખ અને જૈન ધર્મના લોકોને સમાજમાં અંગદાનના ફાયદા વિશે જાગૃતિ ફેલાવવા પીઅર્સ અને સાંસદો દ્વારા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં સમગ્ર યુકેની વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોર્ડ જિતેશ ગઢિયાએ હેલ્થ મિનિસ્ટર જેકી ડોયલ – પ્રાઈસ MPને વિશેષ અતિથિ તરીકે આવકારતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમના પોર્ટફોલિયોમાં ઓર્ગન ડોનેશન સહિત એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સ્પ્લાન્ટ સહિતની સંખ્યાબંધ નીતિવિષયક બાબતોનો સમાવેશ થાય છે.

હિંદુઓમાં અંગદાન પર કોઈ પ્રતિબંધ નથી તે છતાં સમાજમાં તેનો ભાગ્યે જ કોઈ કિસ્સો જોવા મળે છે. સર્વે મુજબ માર્ચ ૨૦૧૮માં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ૯૫૯ એશિયનો પ્રતિક્ષા કરી રહ્યા છે. ૨૦૧૭-૧૮માં ૬૯ એશિયનોએ જીવિત હાલતમાં જ્યારે ૩૭ લોકોએ મૃત્યુ પછી કિડનીનું દાન કર્યું હતું. ૨૦૧૭-૧૮માં ૮૯ બીએએમઈ સમુદાયના લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની પ્રતિક્ષા કરતા મૃત્યુ પામ્યા હતા.

લોર્ડ જિતેશ ગઢિયાએ ઓર્ગન ડોનેશનને પ્રોત્સાહન આપવાની અને વિવિધ સમુદાયો સાથે સક્રિય રીતે જોડાવા બદલ મેન્ટલ હેલ્થ એન્ડ ઈક્વાલિટીઝ મિનિસ્ટરની ખૂબ પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ઓપ્ટ આઉટ સિસ્ટમ તરફ આગળ વધવાથી ઓર્ગન ડોનેશનમાં વધારો થાય છે તેવો મજબૂત આંતરરાષ્ટ્રીય પૂરાવો છે. સ્પેન અને બેલ્જિયમે ડીમ્ડ કન્સેન્ટની પ્રથા દાખલ કરી ત્યારથી તેઓ ક્રમાંકમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધ્યા છે અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં ટોચ પર પહોંચશે.

પોતાના સમાજમાં અંગદાન વધારવા કેવા પગલાં લેશે તે જણાવવા સમુદાયોના અગ્રણીઓને બોલાવાયા હતા. હિંદુ અને જૈન લોકો દ્વારા જીવતા અને મૃત્યુ પછી કિડની દાતાઓની સંખ્યા બમણી કરવાની મહત્ત્વાકાંક્ષા વિશે બેઠકમાં ચર્ચા થઈ હતી.


comments powered by Disqus