લેસ્ટરઃ ૮૫ વર્ષીય જ્યોફ ઓલિવરે સતત ૨૪ કલાક દોડતા રહીને સૌથી વધુ ૧૨૪ કિ.મી.નું અંતર કાપીને વિશ્વ વિક્રમ રચ્યો હતો. તેમના વયજૂથમાં આટલા સમયમાં સૌથી વધુ અંતર પૂરું કરવાનો વિક્રમ છે. હિંકલે રનિંગ કલબના અલ્ટ્રા રનર ઓલિવરે સાઉથ લંડનમાં આયોજિત ટૂટિંગ ૨૪ રેસમાં આ વિક્રમ સ્થાપ્યો હતો. રેસ દરમિયાન વરસાદ પડતો હતો. તે છતાં તેઓ છત્રી લઈને સતત દોડતા રહ્યા. પરંતુ જ્યારે તે મેડલ સેરેમનીમાં પહોંચ્યા તો સૂટ અને ટાઈમાં જોવા મળ્યા. આમ તો ૮૫થી વધુ ની વયના સ્પર્ધકોમાં અત્યાર સુધી કોઈ રેકોર્ડ નહોતો. ઓલિવરે ૪ અન્ય વિક્રમ પણ રચ્યા. તેમણે ૪૮ કિ.મીનું અંતર ૬ કલાક ૪૭ મિનિટ ૫૯ સેકન્ડમાં પૂરું કર્યું. ૪૦ માઇલ (૬૪ કિ.મી) નું અંતર પૂરું કરવામાં ૯ કલાક ૪૮ મિનિટ ૨૨ સેકન્ડનો સમય લીધો. ૫૦ માઇલ (૮૦ કિ.મી.) માટે ૧૩ કલાક ૧૦ મિનિટ ૫૪ સેકન્ડનો સમય લીધો હતો. જ્યારે ૧૮ કલાક ૨ મિનિટ ૨૬ સેકન્ડમાં ૧૦૦ કિ.મી.નું અંતર કાપ્યું. આ તેમના વયજૂથમાં વિક્રમ છે. ઓલિવરે ૨૦૧૩માં ૮૦ વર્ષની વયે આ જ રેસમાં ઝડપ અને અંતરના સાત અન્ય વિક્રમ સ્થાપ્યા હતા. તે સમયે તેમણે ૧૫૨.૩ કિ.મી.નું અંતર પૂરું કર્યું હતું. તેમણે ૭૫ વર્ષની વયે પણ આ રેસમાં ભાગ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. ઓલિવરે ૫૦ વર્ષની વયે રનિંગ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

