મુંબઈઃ બોલિવૂડમાં આજકાલ ઘણી અભિનેત્રીઓ પોતાની ફિલ્મ નિર્માણ કરવાનું કાર્ય પણ કરતી હોય છે. આ ટ્રેન્ડમાં કંગના રાણાવત અને અનુષ્કા શર્મા આ બે અભિનેત્રીઓ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચની હિરોઈન ગણાય છે છતાં તેઓ સામાજિક પ્રશ્નને ઉજાગર કરતી કે જરા હટકે પ્રકારની ફિલ્મોના નિર્માણ માટે જાણીતી બની છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય અને નિર્માણમાં પ્રદાન બદલ અનુષ્કા શર્માએ ‘ફોર્બ્સ ૩૦ અન્ડર ૩૦ એશિયા ૨૦૧૮’ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. પોતે જે ક્ષેત્રમાં સક્રિય હોય તેનો કાયાપલટ કરતા અને એશિયામાં હકારાત્મક પરિવર્તન લાવતા ઇનોવેટર્સને આ લિસ્ટમાં સ્થાન અપાય છે.
બોલિવૂડની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસીસમાં સ્થાન ધરાવતી ૨૯ વર્ષીય અનુષ્કાએ ૨૦૦૭માં મોડલ તરીકે કરિયર શરૂ કર્યાના એક વર્ષ બાદ ‘રબને બના દી જોડી’ ફિલ્મથી અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેની અન્ય ફિલ્મોમાં ‘બેન્ડ બાજા બારાત’, ‘જબ તક હૈ જાન’, ‘પીકે’, ‘બોમ્બે વેલ્વેટ’, ‘દિલ ધડકને દો’, ‘અય દિલ હૈ મુશ્કિલ’ અને ‘જબ હેરી મેટ સેજલ’ સહિતની ફિલ્મો સામેલ છે. ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કાએ ‘એનએચ૧૦’, ‘ફિલ્લોરી’ અને ‘પરી’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. ત્રણેય ફિલ્મોમાં તે લીડ એકટ્રેસ પણ હતી. બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ અને પાકિસ્તાની સિંગર, મોમિના મુસ્તેહસને પણ ‘ફોર્બ્સ ૩૦ અન્ડર ૩૦ એશિયા ૨૦૧૮’ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

