નિસ્ડન ખાતે આવેલા બોચાસણવાસી શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) મંદિરે રામનવમી પર્વ અને શ્રીજી મહારાજની જન્મજયંતીના પાવક પર્વે ધર્મસભા યોજાઇ હતી. આશરે ચાર હજાર હરિભક્તોએ આ ધર્મસભાનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાતથી આવેલા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સાથે સંકળાયેલા અજાણ્યા પાસાંઓ પર પ્રકાશ પાડતું મનનીય પ્રવચન કર્યું હતું, જેના અંશો અહીં તેમના જ શબ્દોમાં રજૂ કર્યા છેઃ
તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨ની ઢળતી બપોરે અક્ષરધામ, ગાંધીનગરમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે પ્રમુખસ્વામી મહારાજ સારંગપુર તીર્થમાં હતા. ભગ્નહૃદયે સંતોએ સ્વામી બાપાને આ સમાચાર આપ્યા ત્યારે વાત સાંભળીને તેઓ અત્યંત વ્યથિત થયા, પરંતુ કોઈપણ પ્રતિક્રિયા આપ્યા વિના તરત જ પ્રાર્થનામાં બેસી ગયા. થોડી જ વારમાં તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી, તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામ સહિત સંખ્યાબંધ મહાનુભાવોનાં ફોન આવવાની શરૂઆત થઈ. તત્કાલીન કેન્દ્રીય ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પ્રમુખસ્વામી મહારાજ સાથે અક્ષરધામના આતંકવાદી હુમલાની વિગતે વાત કરી અને સાંત્વના આપી કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ અને બ્લેકકેટ કમાન્ડોની ટુકડી અક્ષરધામ મંદિરે પહોંચી રહી છે. મંદિરમાં ફસાયેલા દર્શનાર્થીઓ અને અન્ય સૌ કોઈની સુરક્ષા માટે બનતાં તમામ પ્રયાસો શરૂ થઈ ગયા છે એવી ખાતરી આપી.
પ્રમુખસ્વામી મહારાજ વહેલી સવારે સારંગપુર તીર્થથી સીધા અક્ષરધામ જવાને બદલે ગાંધીનગરની હોસ્પિટલમાં પહોંચી ગયા, ઘાયલોનાં ખબર-અંતર પૂછયા. મૃત્યુ પામેલાનાં પરિવારજનોને સાંત્વના આપી. કમ-સે-કમ બે કલાક સુધી હોસ્પિટલમાં સૌની ખબર કાઢી અક્ષરધામ પહોંચેલા પ્રમુખસ્વામી મહારાજે સૌને માથા પર બરફની પાટ મૂકીને વર્તવા વિનંતી કરી. અક્ષરધામ પહોંચ્યા ત્યારે તમામ સંતોના ચહેરા પર રીતસરનો અજંપો હતો. સૌ સંતોનાં મનમાં જાણે વ્યથાથી ભરપુર આક્રોશનો દરિયો ઘુઘવતો હતો. અક્ષરધામને શા માટે નિશાન બનાવાયું? આપણો શું વાંક-ગુનો?
પ્રમુખસ્વામી મહારાજે સૌને માત્ર વંદન કર્યા અને શાંતિમંત્રોનું પઠન કરતાં કરતાં મૃત્યુ પામેલાં સૌનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. છેલ્લે, આતંક મચાવનારા બે ત્રાસવાદીઓના શબ સમક્ષ જઈને પણ શાંતિપાઠ કર્યો ત્યારે કેટલાંક ચહેરાઓ પર આશ્ચર્ય સહિત આક્રોશનો ભાવ વર્તાતો હતો. સ્વામીબાપાએ માત્ર એક જ વાક્ય કહ્યું ‘હું ખોળિયા તરફ નથી જોતો, એ બંને આત્માઓને ભવિષ્યમાં આવો કોઈ કુવિચાર ન આવે એ હેતુથી શાંતિની પ્રાર્થના કરું છું.’ અલબત્ત, અક્ષરધામનો માહોલ એ સમયે ગમગીનીભર્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજે વાતાવરણમાં વ્યાપેલી એ ગમગીનીનો સ્વયં પ્રત્યુત્તર આપતાં કહ્યું કે ‘રામ અને કૃષ્ણને પણ વગર વાંકે દુ:ખ આવે છે. રામ રાજા હતા, છતાં વનવાસ શીદને ભોગવવો પડ્યો? કૃષ્ણને જેલમાં જન્મ શા માટે લેવો પડ્યો? સુખનો સ્વીકાર કરો છો, એટલી જ સહજતાથી દુ:ખ ને આપત્તિને પચાવતાં શીખો. અત્યારે સમયનો તકાદો શાંતિ જાળવવાનો છે. આ બે મૃતક ત્રાસવાદીઓ આપણી ૧૦,૦૦૦ વર્ષની શાંતિ, સહિષ્ણુતા, સહઅસ્તિત્વ અને ભાઈચારાની સંસ્કૃતિને હણી ન શકે. શાંતિ, શ્રદ્ધા અને ભક્તિથી આપણું કામ ચાલુ રાખો... દિલ્હીમાં અક્ષરધામ નિર્માણ સહિતની કામગીરીના શિડ્યુલમાં એક પળનો પણ વિલંબ ન થવો જોઈએ. હકારાત્મક વલણથી શ્રેષ્ઠ વિકલ્પ કોઈ નથી. જો ત્રાસવાદીઓની ઈચ્છા ગુજરાતમાં રમખાણો પુન: ભડકાવવાની હોય તો આપણી પ્રતિક્રિયા શાંતિલક્ષી, વિધેયાત્મક હોવી જોઈએ. ત્રાસવાદીઓનાં ટ્રેપમાં આપણે ફસાવાનું નથી.’
પ્રમુખસ્વામી મહારાજની સ્પષ્ટ વાતથી સંતોને સ્પષ્ટ દિશાસૂચન મળ્યું. અક્ષરધામમાં બંદૂકની એક પણ ગોળીનું નિશાન સુદ્ધાં ન રહે એની તકેદારી રાખવાનો નિર્ણય લેવાયો. તર્ક સ્પષ્ટ હતો – ‘બંદૂકની ગોળીઓનાં નિશાન રહેશે ત્યાં સુધી હૃદયનો ઘા રૂઝાશે નહીં.’ બીજા દિવસે અક્ષરધામમાં શાંતિસભા-શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. જેમાં લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્રભાઈ મોદી, સોનિયા ગાંધી સહિત સમગ્ર દેશમાંથી સીનિયર નેતાઓ, અન્ય સંપ્રદાયના સંતો સહિત ૨૫થી ૩૦ હજાર લોકોની શ્રદ્ધાંજલિ સભામાં પ્રમુખસ્વામી મહારાજે કોઈને ભાષણની પરવાનગી ન આપી. માત્ર ધૂન અને ભજન.
પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં શ્રદ્ધાંજલિ સંદેશામાં ત્રાસવાદ કે આતંકવાદ શબ્દનો ઉચ્ચાર સુદ્ધાં ન કર્યો, પરંતુ ‘સૌને સદ્બુદ્ધિ દે ભગવાન’ એટલી પ્રાર્થના કરતા કહ્યું કે, ‘આ પ્રકારની આપત્તિનો સામનો કોઈ પણ મનુષ્ય કે ધાર્મિક સ્થળને ન કરવો પડે.’
કસોટીમાં વ્યક્તિનું સત્ત્વ પ્રકાશે, તેનો આ નમૂનેદાર કિસ્સો છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણાસભર આંખોમાંથી આક્રોશની એક ચીનગારી પણ જો તણખાંરૂપે ઝરી હોત તો? અલબત્ત, પ્રમુખસ્વામીનું વ્યક્તિત્વ જ કાંઈક વિરલ હતું. પ્રમુખસ્વામી મહારાજ જાણે ‘નોખી માટીના નોખા માનવી’ હતા. એક આધ્યાત્મિક નેતા ધારે તો સમગ્ર દેશની પ્રજાને કેટલો ઉમદા સંદેશો આપી શકે છે, એનું આ ઉત્તમ ઉદાહરણ હતું. એક અંગ્રેજી અખબારે એ સમયે લખ્યું હતું કે, પ્રમુખસ્વામીએ સાધુત્વ દર્શાવીને ત્રાસવાદીઓને માફ કરી દીધા અને સાથોસાથ સમગ્ર વિશ્વને પણ સંદેશો આપ્યો કે, મહાત્મા ગાંધીની ભૂમિ પર સહિષ્ણુતાનાં વારસાને દેશવટો અપાયો નથી.
અક્ષરધામમાં એ આતંકવાદી ઘટના બની એનો હું ચશ્મદીત સાક્ષી હતો. આખી રાત ત્રાસવાદીઓ અને બ્લેકકેટ કમાન્ડો વચ્ચે આમને-સામને ગોળીબારની રમઝટ ચાલતી હતી ત્યારે બે ચીફ વચ્ચે ઊભા રહીને હું રીપોર્ટિંગ કરતો હતો. બ્રિગેડિયર સીતાપતિ રાજુ માત્ર દસ ડગલાં દૂર ઊભા રહીને ‘ઓપરેશન થંડરબોલ્ટ’ની કમાન સંભાળી રહ્યા હતા અને આ ઓપરેશન વહેલી સવારે પાર પડ્યું ત્યારબાદ દુનિયાભરની ચેનલો અક્ષરધામના દ્વારેથી એક પ્રકારની આગાહી કરતી હતી કે, હવે પુન: ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળશે. ત્રાસવાદી જૂથોની પણ આ જ ગણતરી હતી. અમદાવાદનાં મુસ્લિમ વિસ્તારોમાં દહેશતનો માહોલ હતો, પરંતુ પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ કારગત નીવડી. પ્રમુખસ્વામી મહારાજના વાણી-વર્તન અને વ્યવહારમાં લેશમાત્ર બદલાની ભાવના ઝલકતી નહોતી અને પરિણામે, ગુજરાતનો ઇતિહાસ ‘ગોધરાકાંડ’થી વધુ રક્તરંજિત અને બદનામ થતાં બચી ગયો.
અક્ષરધામકાંડ બાદ જર્મનીમાં હાઈડલબર્ગ ખાતે મળેલી વૈશ્વિક સુરક્ષા પરિષદમાં ‘ઓપરેશન થંડરબોલ્ટ’ની કેસ-સ્ટડી બ્રિગેડિયર સીતાપતિ રાજુએ રજૂ કરી અને કહ્યું કે ‘જો પ્રમુખસ્વામીએ શાંતિનો સંદેશો ન આપ્યો હોત તો ત્રાસવાદીઓનો ઈરાદો સફળ થાત.’
આ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌએ પ્રમુખસ્વામી મહારાજની એ ફિલોસોફીને વધાવી લેતાં એક ઠરાવ પસાર કર્યો હતો કે ‘દુનિયામાં કોઈ પણ સ્થળે ધાર્મિક સંસ્થા કે સ્થળ પર હુમલો થાય ત્યારે ‘અક્ષરધામ રીસ્પોન્સ’ મુજબ પ્રમુખસ્વામીની ‘Forget and Forgive’ની ફિલોસોફી અપનાવવી જોઈએ.’ પ્રમુખસ્વામી મહારાજના એ ઐતિહાસિક વલણને કારણે દુનિયામાં હવે ‘અક્ષરધામ રીસ્પોન્સ’ નામનો નવો શબ્દપ્રયોગ શરૂ થયો છે, જેના જનક પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ છે.
ન્યૂયોર્કના સેનેટર અને અમેરિકાની હોમલેન્ડ સિક્યોરિટીના પૂર્વ ચીફ માઈકલ બાલબોનીએ કહ્યું છે કે, ત્રાસવાદ સામે શાંતિભર્યુ વલણ અપનાવીને પ્રમુખસ્વામી મહારાજે માનવતાને શાંતિની કદાચ સૌથી મોટી ભેટ આપી છે.
સમગ્ર અક્ષરધામ પર થયેલા આ આતંકવાદી હુમલામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે, પ્રમુખસ્વામીએ ત્રાસવાદીઓનાં નામ સુદ્ધાં પૂછવાની દરકાર પણ કરી નહોતી. નિસ્પૃહ વ્યક્તિત્વનો આનાથી મોટો પુરાવો શું બીજો કોઈ હોઈ શકે?

