કોલારાડોઃ અમેરિકામાં રહેતી બ્રુક એડી ભારત આવી ત્યારે તેણે ટીવીમાં મોદીના ચાય પે ચર્ચા પ્રોગ્રામને જોયો અને ભારતીય ચા પણ ચાખી. એડીને ચાનો એવો ચસકો લાગ્યો કે તેણે અમેરિકા જઈને 'ભક્તિ ચાય' નામની ચાની કિટલી જ ખોલી નાંખી. કોલારાડોમાં એક શોપમાં ભારતની ચા જેવો સ્વાદ નહીં મળતા તેણે ચાનો સ્ટોલ ખોલી નાંખવાનું નક્કી કરી નાંખ્યું એવું એડી જણાવે છે. આ બિઝનેસમાં તેને એવી સફળતા મળી કે એક વર્ષમાં બ્રુકના સ્ટોલની કમાણી સાત મિલિયન ડોલર (આશરે ૪૫.૬ કરોડ રૂપિયા) થઇ હતી.
એક અમેરિકન વીકલી મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં એડીએ કહ્યું કે, વર્ષ ૨૦૦૨માં તેણે ભારતની મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૦૬માં જ્યારે તે યુએસ પરત ફરી ત્યારે કોલારાડોના કોઇ પણ કાફેમાં ઉકાળીને બનાવેલી ચાનો સ્વાદ તેને ના મળ્યો. અંતે ૨૦૦૨૬માં તેણે 'ભક્તિ ટી સ્ટોલ'ની શરૂઆત કરી. જોકે સ્ટોલ ખોલતાં પહેલાં તેણે ફરી એકવાર ભારતની મુલાકાત લીધી. શરૂઆતમાં તો એડી કારની પાછળની ડેકીમાં જ સામાન રાખી બોટલમાં ચા વેચતી હતી. જોકે જોતજોતામાં તેણે બનાવેલી ચાના ફેન્સ વધતા ગયા. એ પછી તેણે સ્ટોલ કર્યો અને ધૂમ કમાણી કરી રહી છે.
વેબસાઇટ લોન્ચ
કારમાં ફરીને સ્ટ્રીટ પર ચા વેચવાના બદલે સ્ટોલ કર્યા પછી એડી એટલી ફેમસ બની ગઈ કે ‘ભક્તિ ટી સ્ટોલ’ના પ્રારંભના એક જ વર્ષમાં તેની કંપનીએ અધધધ નફો રળ્યો અને પોતાની વેબસાઇટ પણ લોન્ચ કરી દીધી. એડી જણાવે છે કે, હું એક હિપ્પી પેરેન્ટ્સનું સંતાન છું અને કોલારાડોમાં જ મારો ઉછેર થયો હતો. દેશ દુનિયામાં ફરવાના શોખના કારણે મેં ભારતની મુલાકાત લીધી હતી. ત્યાં ચા બહુ ફેમસ પીણું છે અને અલગ અલગ ટેસ્ટની ઉકાળેલી ચા મેં પીધી હતી. અમેરિકામાં ઉકાળેલી ચા મેં શોધી હતી, પણ ક્યાંય મળી નહોતી તેથી અંતે મેં પોતે જ આ પીણાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું. લોકોને આ ઉકાળેલી ચા નવાઈ ભરેલી લાગતી અને તેનો ટેસ્ટ પણ ભાવતો. મેં પણ અલગ અલગ પ્રકારના ટેસ્ટની ચા વેચવાનું શરૂ કર્યું અને પછી તો લોકો તેમના ટેસ્ટ પ્રમાણે ચાની ડિમાન્ડ કરવા લાગ્યા અને મારો બિઝનેસ વિસ્તરતો ગયો.

