લંડનઃ જહોન વોરબોયસ કેસ બાદ પેરોલ બોર્ડ પર દબાણમાં ઉમેરો થાય તેમ ગયા વર્ષે દેશની અતિ સુરક્ષિત જેલોમાંથી ૬૩ ગુનેગારોને સીધા છોડી મૂકવામાં આવ્યા હતા. છ કેદીઓને તો તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ધીમે ધીમે ભળી શકે તે માટે અન્ય સ્થળે ખુલ્લામાં રાખ્યા વિના જ છોડી દેવાયા હતા. જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે છ કેદીને જેલમાંથી બારોબાર જ છોડી મૂકાયા તેમાં રિવ્યુનો આદેશ આપ્યો હતો.
એ કેટેગરીની જેલોમાંથી મુક્ત કરાયેલા બાકીના ૫૭ ગુનેગારોએ અગાઉ પેરોલની શરતોનો ભંગ કર્યો હતો અને તેઓ બાકીની સજા જેલમાં કાપી રહ્યા હતા.
મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેટલાક ગુનેગારોને પાછા બોલાવાયા હતા કારણ કે તેમના પર વધુ ગુનાના આરોપ મૂકાયા હતા. તેમની સામેના આરોપ પડતા મૂકાય અથવા તેઓ નિર્દોષ જાહેર થાય તો પેરોલ બોર્ડ દ્વારા તેમને છોડી મૂકવામાં આવતા હોય છે. બાકીનાએ લાઈસન્સની શરતોનો ભંગ કર્યો હોવાતી તેમને પાછા બોલાવાય છે પરંતુ, પેરોલ બોર્ડના તારણમાં તેમને અટક હેઠળ રાખવા પડે તેવું જોખમ ન લાગતું હોય તો તેમને છોડી દેવાય છે.
