ગાંધીવાદી પ્રવૃત્તિઓ હવે ભારતમાં છાપામાં અને સરકારી દફ્તરે જીવતી છે. ભારતમાં તે ભૂંસાતી જાય છે ત્યારે જ્યાં આ પ્રવૃત્તિ સૌપ્રથમ શરૂ થઈ હતી ત્યાં દક્ષિણ આફ્રિકામાં ‘તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે...’ને ધ્યેયમંત્ર માનતાં હોય તેમ ગાંધીજીના મોટા દીકરા મણિલાલ ગાંધીનાં પુત્રી ઈલાબહેન ચલાવી રહ્યાં છે. ઈલાબહેન દૃઢ નિશ્ચયી અને સેવાનાં ભેખધારી હિંમતવાન મહિલા છે.
૧૯૧૪માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે તેમણે સ્થાપેલા ફિનિક્સ આશ્રમનો વહીવટ પુત્ર મણિલાલે સંભાળ્યો. ૧૮૯૨માં જન્મેલા મણિલાલ ત્યારે બાવીસ વર્ષના! ૧૯૫૬માં મણિલાલના અવસાને તેમનાં પત્ની સુશીલાબહેને ૧૯૬૧ સુધી વહીવટી ભાર ઉપાડ્યો. તેમની બંને દીકરી સીતાબહેન અને ઈલાબહેનની આમાં મદદ હતી. ‘ઈન્ડિયન ઓપીનિયન’ બંધ થયું હતું, પણ લાયબ્રેરી અને મ્યુઝિયમ હતાં.
૧૯૮૫માં તોફાનીઓએ મારઝૂડ કરીને આશ્રમવાસીઓને ભગાડ્યાં અને મિલકતો લૂંટી લીધી. પોલીસની રહેમ નજરથી આ થયું. ૨૦૦૦માં સરકાર અને સિટી કાઉન્સિલે આશ્રમની ૨૦૦ એકર જમીનમાંથી માત્ર પાંચ એકર જમીનનો કબજો આશ્રમ ટ્રસ્ટ લે તેમ ગોઠવ્યું. ઈલાબહેન એક ટ્રસ્ટી હતાં. ૧૯૯૯માં ઈલાબહેન આશ્રમ ટ્રસ્ટમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયાં. તેમને લાગેલું, ‘ટ્રસ્ટીઓ સાથે સ્વતંત્ર રીતે ગાંધીવિચારને અનુરૂપ પ્રવૃત્તિ કરવી શક્ય નથી.’
૧૯૯૯માં ઈલાબહેને ‘સત્યાગ્રહ’ માસિક શરૂ કર્યું. આજે એનો ફેલાવો વધીને ૩૦,૦૦૦ નકલે પહોંચ્યો છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલ પ્રથમ ઈન્ડિયન સંગઠન તે નાતાલ ઈન્ડિયન કોંગ્રેસ. ઈલાબહેન તેના પ્રેસિડેન્ટ તરીકે થોડો સમય રહ્યા હતા. રંગભેદ સામે લડતા આ સંગઠનને દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારે ૧૯૭૩થી ૧૯૮૨ સુધીના આઠ વર્ષ પ્રતિબંધ મૂક્યો અને ઈલાબહેનને નવ વર્ષ નજરકેદ રાખ્યાં.
ઈલાબહેન હોદ્દા ભૂખ્યાં નથી. તેઓ વિના હોદ્દે કામ કરવામાં માને છે. આથી જેમાં કાળા, ગોરા અને ભારતીય હોય એવી સંસ્થામાં સક્રિય બને પણ હોદ્દો કાળાને સોંપીને પોતે માર્ગદર્શક બની રહે, છતાં પ્રવૃત્તિ ચલાવવા આપદધર્મરૂપે ક્યારેક હોદ્દો સ્વીકારે. નાતાલ ઈન્ડિયન કોંગ્રેસમાં તેઓ ચાર વર્ષ ખજાનચી હતાં.
૬૦ જેટલી સંસ્થાઓથી બનેલા ડેમોક્રેટિક યુનાઈટેડ ફ્રન્ટની મહિલાઓના પ્રતિનિધિ તરીકે તેઓ ૧૯૯૦માં જેલમાં નેલ્સન મંડેલાને મળવા ગયેલાં અને તેના બીજા દિવસે ગોરી સરકારે નેલ્સન મંડેલાને જેલમાંથી છોડેલા. ૨૦૦૦ના માર્ચમાં તેમણે ગાંધીની દાંડીકૂચની યાદમાં ફિનિક્સ આશ્રમથી ડર્બન સુધી ૨૨ કિલોમીટર લાંબી સોલ્ટ માર્ચ યોજી. કતારબંધ સમૂહમાં ચાલવાની આ લાંબી કૂચમાં પ્રથમ વર્ષે ૩૫૦ વ્યક્તિઓએ ભાગ લીધો. હવે ૨૫૦૦થી વધારે ભાગ લે છે. આ કૂચમાં જોડાનાર સૌ માટે રસ્તામાં લંચની વ્યવસ્થા, ઠંડા પીણાં અને પાણીની રસ્તામાં જોગવાઈ કરે છે. રસ્તામાં નિયત અંતરે સંડાસ ગોઠવે છે. વધારામાં સોલ્ટ માર્ચના કારણે ક્યાંય ગંદકી ના થાય માટે સ્વયંસેવક ટુકડી હોય છે. જે ક્યાંય કંઈ કચરો ફેંક્યો હોય તો વીણી લે. સોલ્ટ માર્ચ માટે કેટલાક સ્પોન્સરર મળતા હોય છે. ૨૦૦૨માં ઈલાબહેને ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ સ્થાપ્યું. આ પછી આ ટ્રસ્ટ જ સોલ્ટ માર્ચ યોજે છે.
ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટ ૩૦ જાન્યુઆરીના ગાંધીજીના નિર્વાણ દિને સર્વધર્મ પ્રાર્થના રાખે છે. વધારામાં ઈન્ટરફેઈથ પ્રવચનમાં પસંદ કરેલા વક્તા ગાંધીવિચારને અનુરૂપ ગ્રામ વિકાસ, સાદગી, માનવધર્મ, અહિંસક પ્રતિકાર, ગરીબી નિવારણ, વ્યસનમુક્તિ, સર્વધર્મ સામ્ય જેવા વિષય પર પ્રવચન કરે છે. ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટના આ કાર્યક્રમમાં તામિલ, ગુજરાતી, મુસ્લિમ, કાળા વગેરે લોકોને વિશાળ સંખ્યામાં સ્વેચ્છાએ આવતાં મેં રૂબરૂ જોયાં છે. આ ઉપરાંત દર વર્ષે ટ્રસ્ટ નિયમિત રીતે ઝુલુ અને અંગ્રેજી એમ બે ભાષામાં શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધસ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજે છે. તેમાં બંને ભાષાઓના અલગ અલગ ત્રણ-ત્રણ વિદ્યાર્થીને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ઈનામ આપે છે. દર વર્ષે બીજી ઓક્ટોબરે ડે ઓફ નોન-વાયોલન્સ ઊજવે છે. તેમાં પર્યાવરણ સુરક્ષા અંગે પરિસંવાદ યોજે છે. તેમાં સરકારી અધિકારીઓ, બિનસરકારી સંસ્થઆઓ અને સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લે છે.
ઈલાબહેનની પ્રેરણા અને નેતૃત્વમાં ફાઉન્ડેશન દરેક વર્ષે ફિનિક્સ આશ્રમ જે ગામમાં છે ઈનાન્ડા ગામ તથા બીજાં ગામોની શાળાઓમાં જઈને અહિંસા, એઈડ્સથી બચવાના રસ્તા, વ્યસનમુક્તિ વગેરેના પ્રવચન યોજે છે.
ગાંધી ડેવલપમેન્ટ ટ્રસ્ટનું બીજું મોટું કામ ઈન્ટરનેશનલ એવોર્ડનું છે. દર વર્ષે એક વિશિષ્ટ વ્યક્તિને એવોર્ડ અપાય છે. શ્રીલંકાના આરિય રત્ન, દલાઈ લામા, મ્યાનમારમાં આંગ સાન સૂ કી, પેલેસ્ટાઈનના હનન અશરાવી, ઈઝરાયલના ઝહવા ગેલોન, દક્ષિણ આફ્રિકા અને બોત્સવાના બંને દેશના પ્રમુખો વગેરેને આ એવોર્ડ અપાયા છે. ગાંધી પરિવારમાં ઈલાબહેનનું ઘડતર વિશિષ્ટ રીતે થયું છે. પિતા મણિલાલ ગાંધી માનતા કે શાળાના શિક્ષણ વિના પણ વિકાસ શક્ય છે. આથી ઈલાને શાળામાં મોકલ્યા સિવાય ઘરે જ સંગીત, ચિત્રકલા, ઈતિહાસ, બાગકામ, સિવણ, કાંતણ વગેરે શીખવે. આસપાસના બીજા બાળકોને શાળાએ જતાં જોઈને ઈલાને મન થયું. પિતા કહે, ‘ચાલીને જવું હોય તો જા.’ એકલી ઈલા માઈલો ચાલીને ગઈ અને ભણી. ઈલાબહેન એક નાના એપાર્ટમેન્ટ્સમાં રહે છે. આ એપાર્ટમેન્ટ તેઓ પાર્લામેન્ટનાં સભ્ય હતાં ત્યારે મળતા પગારની રકમમાં હપ્તે હપ્તે બચાવીને કરેલો. દક્ષિણ આફ્રિકામાં પાર્લામેન્ટના સભ્યોને સભ્ય મટી ગયા પછી પેન્શન મળતું નથી.
ખાદીધારી સાદાં ઈલાબહેન જૂની નાની કાર ચલાવીને આશ્રમ જાય છે. જાતે રસોઈ બનાવે છે. સાદું જમે છે. અતિથિ વત્સલ છે. આ ઉંમરેય તેઓ મહેમાન આવે તો ભારતીય પરંપરા મુજબ લંચ-ડીનર જાતે બનાવીને જમાડે. હું ઈલાબહેનને બપોરે મળવાનો હતો. તેમણે લંચ બનાવેલું. તેમાં કાંદાનો ઉપયોગ કરેલો. હું કાંદા-લસણ ના ખાઉં તે જાણ્યું. હું ફળ ખાઈને પણ ચલાવવા તૈયાર હતો પણ તેમણે ફરી બનાવીને મને જમાડ્યો અને વીસેક કિલોમીટર કાર ચલાવીને મને આશ્રમ બતાવવા લઈ ગયાં અને મૂકી પણ ગયાં. આવાં સાદાં, સેવાભાવી ઈલાબહેન ગાંધીવાદી પ્રવૃત્તિઓ એકલા હાથે દક્ષિણ આફ્રિકામાં ચલાવે. ગાંધીરક્ત અને વિચારનો વારસો ધરાવતાં ઈલાબહેન વિશે મોટાં મોટાં ઈનામ આપતી ભારત સરકાર, બિરલા કે બજાજનાં મોટાં ફાઉન્ડેશન - કોઈનેય ખ્યાલ હશે કે નહીં તેની મને જાણ નથી.

