દુબળા-પાતળા લોકોને બીમારી ઓછી થતી હોવાની સામાન્ય માન્યતા છે. જોકે તાજેતરમાં થયેલા સંશોધન પ્રમાણે ખરેખર આવું નથી. પાતળા લોકોને બીમારી ઓછી થશે કે કેમ તેનો આધાર તેમની આદતો ઉપર છે. યુરોપિયન હાર્ટ જર્નલ નામના સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોનો બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) ૧૮.૫ કરતા ઓછો હોય છે તેઓ જો સિગારેટ પીતા હોય તો તેમને હૃદયરોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જે લોકોનો બીએમઆઈ ૨૨-૨૩ની વચ્ચે હોય છે તેમને હૃદયરોગની શક્યતાઓ સૌથી ઓછી હોય છે. નોંધનીય છે કે બોડી માસ ઇન્ડેક્સ વ્યક્તિની લંબાઈ અને વજન વચ્ચેની સરેરાશને આધારે નક્કી કરાય છે. તેના આધારે જ સ્વાસ્થ્યનું પ્રમાણ નક્કી કરાય છે.
બ્રિટનમાં થયેલા આ સંશોધનમાં ૪૦થી ૬૯ વર્ષની વચ્ચેના ૨.૯૬ લાખ લોકોનો સમાવેશ કરાયો હતો. આ તમામ લોકો સ્વસ્થ હતા ત્યારે તેમને સંશોધન સાથે જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ લોકોના હૃદયરોગની તકલીફો પર ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. તેમાં લોહીના ઊંચા દબાણથી શરૂ કરીને હૃદયરોગનો હુમલો જેવી તમામ તકલીફો ધ્યાને લેવામાં આવી હતી.
સ્વસ્થ શરીર અને મેદસ્વિતામાં તફાવત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે, હવે ૧૮.૫થી ૨૫ સુધીનો બીએમઆઈ ધરાવતી વ્યક્તિ સ્વસ્થ ગણાય છે. જ્યારે ૨૫થી ૩૦ સુધીનો બીએમઆઈ હોય તો વધુ વજન ગણાય છે અને ૩૦થી વધુ બીએમઆઈ હોય તો મેદસ્વિતા ગણવામાં આવે છે.
આ અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે, ૨૨-૨૩ બીએમઆઈ પછી લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધવા લાગે છે. આ પ્રમાણ એવા લોકોમાં વધારે હોય છે, જેમની કમરની આસપાસ ચરબીનું પ્રમાણ વધારે હોય છે. સંશોધકોએ નોંધ્યું હતું કે ૨૨ બીએમઆઈ હોવા છતાં લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ૧૩ ટકા વધારે જોવા મળ્યું હતું.

