અહેમદ ખાન ડિરેક્ટેડ અને સાજિદ નડિયાદવાલા નિર્મિત ફિલ્મ ‘બાગી-૨’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને બોક્સઓફિસ પર સારી કમાણી પણ કરી રહી છે. અહેવાલ છે કે ટાઈગર શ્રોફ અને દિશા પટણીની ફિલ્મ ‘બાગી-૨’ને ભારતમાં પહેલાં જ દિવસે જબરદસ્ત ઓપનિંગ મળ્યું છે. ‘બાગી-૨’ આ વર્ષની પહેલા જ દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. વીસ કરોડની કમાણી કરી હતી. આ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પદ્માવત’ પહેલા દિવસે રૂ. ૧૯ કરોડની કમાણી કરી શકી હતી.
વાર્તા રે વાર્તા
ફિલ્મમાં ટાઈગર રણવીર પ્રતાપ સિંહ એટલે કે રોનીની ભૂમિકામાં છે અને દિશા નેહા નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં રોની અને નેહા એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરે છે. તે એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ નેહાના પિતાના વિરોધથી બંને અલગ થઈ જાય છે. ચાર વર્ષ બાદ નેહાની મુલાકાત ફરી રોની સાથે થાય છે ત્યારે રોની આર્મીમાં હોય છે. નેહા પોતાની કિડનેપ થયેલી દીકરી માટે રોનીની મદદ માગે છે. એ પછી ફિલ્મ કેવી રીતે આગળ વધે છે એ જોવાની મજા આવશે.
કર્ણપ્રિય ગીતો
જુલિયસ પેકીમેન દ્વારા ફિલ્મના સંગીતબદ્ધ થયેલાં ગીતોમાંથી અત્યાર સુધીમાં ‘મુંડિયા’ ખૂબ જ પ્રચલિત બન્યું છે. આ ઉપરાંત ‘ઓ સાથી’, ‘લો સફર’, ‘એક દો તીન’, ‘સોણિયે’ અને ‘ગેટ રેડી’ પણ વખણાઈ રહ્યાં છે.

