લંડનઃ ડોક્ટર રહી ચૂકેલા એક પ્રજ્ઞાચક્ષુ ગુજરાતી યુવકને ટ્રેનમાં કડવો અનુભવ થયો છે. ૩૭ વર્ષીય અમિત પટેલ બુધવારે તેમના ગાઇડ ડોગ 'કિકા' સાથે લંડનના વૉટરલૂથી સાઉથઇસ્ટર્ન ટ્રેનમાં ચઢ્યા. અમિતને કે કિકાને કોઇએ સીટ ન આપતાં તે રડી પડ્યા હતા. તેમણે ટ્વિટર પર પોતાની પીડા વર્ણવી હતી.
પાંચ વર્ષ અગાઉ આંખોની પાછળના ભાગે હેમરેજના કારણે દ્રષ્ટિ ગુમાવનારા અમિતે એક લાગણીસભર ટ્વીટમાં જણાવ્યું હતું, 'ટ્રેનમાં એક તરફ મારે પોતે સંતુલન જાળવીને ઊભા રહેવાનું હતું તો બીજી તરફ કિકાનું પણ ધ્યાન રાખવાનું હતું. મને તે ખૂબ અપમાનજનક લાગ્યું અને મારી આંખો ભીની થઇ ગઇ.' તેમણે ઉમેર્યું, 'મેં અન્ય પ્રવાસીઓને કોઇ સીટ ખાલી છે કે કેમ તેવું વારંવાર પૂછ્યું પણ મારા કે કિકા માટે સીટ ઓફર કરવાનું તો દૂર પરંતુ, કોઇએ મને જવાબ પણ ન આપ્યો. લોકો આટલા સ્વાર્થી પણ હોઇ શકે. તેઓ એવો ડોળ કરે કે તેમણે તમને જોયા નથી કે તમારી વાત સાંભળી નથી. મને ખાસ તો એ વાતનું દુ:ખ છે કે રોજ મને ડગલેને પગલે મદદરૂપ થતા કિકાને ટ્રેનમાં હું કોઇ મદદ ન કરી શક્યો.'

