બ્રેક્ઝિટને લીધે આંતરરાષ્ટ્રીય રિટેલર્સે લંડન છોડવાની જરૂર નથી

Friday 06th April 2018 07:31 EDT
 
 

લંડનઃ સતત આર્થિક અનિશ્ચિતતા અને બ્રેક્ઝિટના સંકટ સામે પણ સેન્ટ્રલ લંડન આંતરરાષ્ટ્રીય બ્રાન્ડસ માટે મહત્ત્વનું સ્થળ રહ્યું હોવાનું અને હજુ પણ તેમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો રસ વધી રહ્યો હોવાનું ગ્લોબલ રિયલ એસ્ટેટ એડવાઈઝર કોલિયર્સ ઈન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં કરાયેલા અભ્યાસમાં જણાયું હતું. સેન્ટ્રલ લંડનની મુખ્ય સ્ટ્રીટસમાં ઈન્ટરનેશનલ બ્રાન્ડના ૫૦થી વધુ સ્ટોર છે અને માત્ર ગયા વર્ષમાં જ ૩૦ નવા રિટેલર્સે આ વિસ્તારમાં તેમની બ્રાન્ડના સ્ટોર શરૂ કર્યા હતા. ચાઈનિઝ શોપર્સ દ્વારા માગમાં સરેરાશ ૩૦ ટકાના (YTD) ૧,૬૬૩ પાઉન્ડ સુધીના ખર્ચ સાથે ઘટાડાના કોઈ સંકેત દેખાયા ન હતા.

કોલિયર્સ ઈન્ટરનેશનલના હેડ ઓફ સેન્ટ્રલ લંડન રિટેઈલ પોલ સાઉબરે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ વોટ પછી સ્ટર્લિંગનું ખાસ્સું અવમૂલ્યન થયું હતું. તેને લીધે ખાસ કરીને ચીન, યુએઈ, સાઉદી અરેબિયા અને કુવૈતથી આવતા ટુરિસ્ટ્સ માટે લંડન આકર્ષક બન્યું હતું. તેમણે તાત્કાલિક બ્રેક્ઝિટ બાર્ગેન્સની ઓફરનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય વેચાણમાં ચાઈનીઝ ટુરિસ્ટનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. ટુરિસ્ટોએ કરેલા ખર્ચમાં તેમનો ૩૫ ટકા હિસ્સો હતો.

૨૦૧૭ દરમિયાન રિજન્ટ સ્ટ્રીટ પર આઠ નવા સ્ટોર ખૂલ્યા હતા તેમાંથી સાત ઈન્ટરનેશનલ બ્રાન્ડના હતા.

કોલિયર્સ ઈન્ટરનેશનલના હેડ ઓફ યુકે રિસર્ચ એન્ડ ફોરકાસ્ટિંગ માર્ક ચાર્લટને જણાવ્યું હતું કે એલિઝાબેથ લાઈન શરૂ થવાથી અને ઓક્સફર્ડ સ્ટ્રીટ પર લોકોને ચાલવાની સુવિધામાં વધારો થવાથી લંડનના શોપિંગ સ્થળો પર જવાનું લોકો માટે સરળ બનશે અને ૨૦૧૮નું વર્ષ લંડનના શોપિંગ સીન માટે સીમાચિહ્નરૂપ બની રહેશે.


comments powered by Disqus