મુક્તિપર્વ...

નીલમ દોશી Wednesday 04th April 2018 07:07 EDT
 
 

(ગતાંકથી ચાલુ...)
‘બેટા, તારી મમ્મીનો સ્વભાવ તું ઓળખે છે. આપણે બધા તો ટેવાઇ ગયા છીએ... ને ચલાવી લીધું છે. પણ આવનારને એ શાંતિથી રહેવા નહીં દે એની આપણને જાણ છે જ. તારે પૈસાની કોઇ ચિંતા નથી. તું તારે સુખેથી જુદો થઇ જા. અને જુદો રહીશ તો થોડી પણ માયા જળવાઇ રહેશે. સાથે રહીને રોજ ઝગડા કરવા અને અંતે એકબીજા તરફ નફરત થઇ જાય તેના કરતાં દૂર રહેવાય તો કદાચ...’
‘પણ પપ્પા... પછી તમે...’
‘બેટા, જેવા મારા નશીબ... હવે આ જનમે તો મારે ભોગવવું જ રહ્યું. બધા ઋણાનુબંધ આ જનમે જ પૂરા થઇ જાય...’
‘પપ્પા...’
અવાજમાં શ્રાવણી ભીનાશ સાથે પુત્ર આગળ ન બોલી શકયો.
નહીંતર તો પુત્ર જુદો ન થાત. પરંતુ એક જ મહિનામાં તેની પત્ની સાથે વિલાસે જે ઝગડો શરૂ કર્યો તે પછી પપ્પાની સલાહ માનીને જુદા થવામાં જ સાર છે એમ માની તે જુદો રહેવા ગયો ત્યારે વિલાસે કરેલો તમાશો જોવાની પોતામાં હિંમત નહોતી. એટલે હંમેશની જેમ જ ચૂપચાપ માથે રજાઇ ખેંચી લીધી હતી.
 લગ્ન થાય... સાસુ વહુને ન બને... વહુ - દીકરો અલગ થાય એમાં તો નવું શું હતું? બહુ સહજતાથી ગામે... સમાજે અને કુટુંબે સ્વીકારી લીધું હતું. વસંતરાય અને ઉમંગ બંને મૌન. બિચારો ઉમંગ... અને વગર વાંકે વગોવાયેલ વહુ...
હવે ઘરમાં રહ્યા એકલા વસંતરાય... જે કયાંય જઇ શકે તેમ નહોતા.
કયારેક છાનામાના ઉમંગને ઘેર જઇ આવતા. ભાવતી વસ્તુ ખાઇ આવતા. ધોમધખતા રણમાં મીઠી વીરડીનો અહેસાસ થોડી ક્ષણો જીવતરનો થાક ઉતારી દેતો. વિલાસ જે વસ્તુની મનાઇ કરતી તે વસ્તુ દીકરાને ઘેર મળી રહેતી. સદનસીબે વહુ ખૂબ સમજદાર મળી હતી. તેથી મનને સંતોષ હતો.
મનમાં વિચારોની આવનજાવન ચાલુ જ રહી.
ઓરડામાં રાત ઉતરી આવી. અંદર તો સવારનો ઉજાસ...
બધા થાકીને વહેલા સૂઇ ગયા હતા. વસંતરાયની આંખોમાં ઉંઘનું એકે કણસલું ફરકતું નહોતું.
પુત્રી નીચે નાનકડા દીકરાને સૂવડાવતી હતી.
ત્યાં દીકરો - વહુ ઉપર આવ્યા.
‘પપ્પા, ઉંઘ આવે છે?’
વસંતરાયે ડોકું હલાવી ના પાડી.
વહુના હાથમાં પત્તા હતા.
‘પપ્પા, આપણે થોડી વાર પત્તા રમીશું? મન હળવું થશે.’
વસંતરાય કશું બોલી શકયા નહીં.
આવડું મોટું સુખ પોતાના નસીબમાં હતું? આંખમાં અનેક પ્રશ્નો... આજે આ સમયે પત્તા? વહુને અત્યારે આ કેમ સૂઝયું?
‘પપ્પા, એક વાત કહું?’
વગર કહ્યે સસરાની આંખનો પ્રશ્ન ઉકેલી તેણે હળવેથી કહ્યું.
‘ગયા અઠવાડિયે મમ્મી અમારે ઘેર આવેલ. ઘરમાં હું એકલી જ હતી...’
વસંતરાયે આંચકો અનુભવ્યો. મનમાં ફડકો પણ પેઠો.
નક્કી ત્યાં પહોંચીને ઉધામા કરી આવી હશે.
તેણે વહુ સામે નજર કરી.
‘પપ્પા, મા કહે...’
વહુ એક ક્ષણ થોભી.
‘મા..!’
વસંતરાયને આશ્ચર્ય થયું. પરંતુ કશું બોલ્યા નહીં.
મા કહે, ‘હું ન હોઉં ત્યારે તમે પપ્પાનું ધ્યાન રાખજો હોં... જોકે મને ખબર છે કે તમે અત્યારે પણ ધ્યાન રાખો જ છો. પપ્પા કયારેક અહીં આવે ત્યારે તેમને ભાવતી વસ્તુઓ ખવડાવો છો... એનો મને આનંદ છે.’
વસંતરાય આંચકા સાથે બેઠા થઇ ગયા.
પણ આંચકા પછીનો આફટરશોક હજુ પૂરો નહોતો થયો.
‘મારા ગયાં પછી તમે ફરીથી એ ઘરમાં આવી જજો. પપ્પા તો મારી જેમ ઝગડા કે કચકચ કરે તેમ નથી. એની તમને ખબર છે. એ ભલા માણસ મરતાને મર કહે તેમ નથી.’
‘વિલાસ આવું બોલી?’
‘હા, પપ્પા.., મને કહે...’
‘મારો સ્વભાવ જ ન જાણે કેવો થઇ ગયો છે. લાખ નક્કી કરું તો પણ બોલાઇ જ જવાય છે. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ કહેવત કદાચ સાચી જ હશે. નાનપણથી અપરમાના મેણાંટોણાં સાંભળીને મોટી થઇ છું. ઘરમાં ઝગડા સિવાય કશું જોવા જ નહોતી પામી. જબરાની પાંચશેરી ભારે એ એક વાત મગજમાં જડબેસલાક ફીટ થઇ ગઇ હતી...
પછી લગ્ન થયા અને સદનશીબે કે કમનશીબે... એ તો ખબર નથી. પણ તારા પપ્પાનો સ્વભાવ સાવ રાંક... એટલે મારો રોફ તેમની પર ચાલ્યો. વરસો સુધી અપરમાની ગુલામી કરેલી અને અહીં મળ્યો છૂટો દોર...
અહીં બધું મારું જ ચાલે છે... જાણે કોઇને એ બતાવી દેવું હોય તેમ મેં મૂરખીએ...
ખબર નહીં મારું મન કેમ આવું થઇ ગયું હતું. કયારેક સુધરવાની કોશિશ પણ કરી જોઇ... પણ બે ચાર દિવસમાં પાછી એની એ જ... બેટા, તમે કેમ જુદા થયા એ બધી મને ખબર છે. એમાં તમારો કોઇ દોષ નથી.’
‘વિલાસ... વિલાસ આવું બધું બોલી? એ આવું બધું સમજી શકતી હતી?’
‘હા, પપ્પા. મને લાગે છે કે આપણે કોઇ જ તેને સમજી કે ઓળખી ન શકયા. નાનપણથી તેનામાં કોઇએ વિશ્વાસ નહોતો રાખ્યો. સતત અવગણના, ઉપેક્ષા, નફરત કડવા શબ્દો, અને લડાઇ - ઝગડા વચ્ચે જ મા મોટા થયાં. સાસરે આવ્યા બાદ સ્વતંત્રતા મળતાં જાણે બદલો લેવો હોય તેમ સૌ કોઇ ઉપર મંડી રહ્યા. આપણે કોઇ પણ તેની એ ગ્રંથિ ઓળખી ન શક્યા અને તે ઝનૂનપૂર્વક...’
દીકરા - વહુની આંખો ભીની ભીની...
વસંતરાય એકદમ બેઠા થઇ ગયા.
‘પછી?!’ જાણે કોઇ વાર્તા સાંભળતા હોય તેમ નાના બાળકની માફક વિલાસરાય પૂછી રહ્યા.
‘અમારે ઘેર આવ્યા ત્યારે સતત તમારી જ ચિંતા કરતા હતા.’
‘ખબર નહીં... પણ મને લાગે છે કે હવે હું વધારે કાઢવાની નથી... તારા પપ્પાને મેં બહુ દૂભવ્યા છે. ભગવાન મને માફ નહીં કરે... એ ભલા જીવને મેં શાંતિ નથી આપી. હું જઇશ ત્યારે જ એ મારાથી છૂટી શકશે. મને ખબર છે હું જઇશ પછી તમે ઘેર આવી જ જશો. તેથી એમની એવી ચિંતા તો નથી.
અને હા, આવી કોઇ વાત પપ્પાને ન કરતા. નાહકના દુ:ખી ન કરશો... જીવતા તો એમને સુખ નથી આપી શકી. મરીને કદાચ ચપટી સુખ આપી શકું. મારા જવાથી એ રાહતનો શ્વાસ લેશે. મારે એ છિનવવો નથી. અને લો, આ પત્તા... મારા ગયા પછી તમે સાથે રહો ત્યારે રોજ એમની સાથે પત્તા રમજો. મેં કયારેય એમને નિરાંતે રમવા નથી દીધા. મારી અપરમા પાનાં રમવાની ખૂબ શોખીન હતી...!’ કહેતાં કહેતાં મા રડી પડયાં હતાં.
‘મેં કહ્યું કે મા, અમે હમણાં જ ભેગા આવી જઇએ. બધા સાથે મળીને કિલ્લોલ કરીશું.’
‘બેટા, હવે એ શકય નથી. આજે તને આ બધું કહું છું. પણ ઘેર જતાં જ મારો મૂળ સ્વભાવ પાછો આવી જ જવાનો. એના કરતાં આટલા વરસો ચાલ્યું છે તો થોડું વધારે... મને અંદરથી ઉગી ગયું છે હવે હું થોડા સમયની જ મહેમાન છું. જતાં પહેલા એક વાર કોઇ આગળ દિલની વાત કરવાનું મન હતું. દીકરી આઘી છે. તેથી તારી પાસે...’
માએ તો મને આ બધું ન કહેવાના સમ આપ્યા હતા. પરંતુ મા પ્રત્યેની નફરત તમારી આંખમાં હું ન જોઇ શકી. તેથી...’
‘આ પત્તા પણ મા જ આપી ગયા હતા...’ કહેતા વહુએ પત્તા ચીપ્યા.
વસંતરાયની કોરીધાકોર આંખો વરસી રહી.

(સમાપ્ત)


comments powered by Disqus