યુએસમાં ગોળીબારથી ભયભીત વિદ્યાર્થી વસિયત લખી રહ્યા છે

Wednesday 04th April 2018 07:12 EDT
 
 

બર્મિંગહામ (યુએસ)ઃ અમેરિકામાં ગન કલ્ચરે એ હદે માઝા મૂકી છે કે લોકો સતત મોતના ઓથાર તળે જીવી રહ્યા છે. ખાસ તો સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો. તાજેતરમાં ફ્લોરિડાની એક સ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં નાના-મોટા ૧૭ લોકો માર્યા ગયા. શાળામાં છાશવારે બની રહેલી ગોળીબારની આવી ઘટનાથી બાળકો એ હદે ભયભીત થઈ ગયાં છે કે ૧૦-૧૨ વર્ષનાં બાળકો વસિયત લખી રહ્યાં છે. આવી જ એક વસિયત બર્મિંગહામ સિટીની એક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતા ૧૨ વર્ષના જાવોં ડેવિસે લખી છે.
જાવોં વસિયતનો અર્થ નથી જાણતો, પણ તે એટલું અવશ્ય જાણે છે કે ભગવાન પાસે જતી દરેક વ્યક્તિ પોતાની વસ્તુ પોતાને ચાહતા લોકોને આપતી જાય છે. તેથી જાવોંએ પણ સાદા કાગળ પર વસિયત લખીઃ ‘મારી સ્કૂલમાં ગોળીબાર જેવી ઘટના બને ને હું ભગવાન પાસે જતો રહું તો મારું પ્લે સ્ટેશન અને પેન્સિલ બોક્સ મારા બેસ્ટ ફ્રેન્ડને આપી દેવા, પણ મારાં કપડાં મમ્મી-પપ્પા પાસે જ રહેવા દેજો.’
જાવોંની માતા મરિયામાને તેની સ્કૂલબેગમાંથી આ વસિયત મળતાં એ તો વાંચીને દંગ રહી ગઈ. તેણે સ્કૂલમાં જઈને આ અંગે તપાસ કરી તો ખબર પડી કે માત્ર જાવોં જ નહીં, તેના ઘણા મિત્રો પણ આ રીતે પોતાની વસિયત લખી રહ્યાં છે. બાળકોને ડર છે કે તેઓ પણ ક્યારેક ગોળીબારની ઘટનામાં માર્યા જશે. મરિયામા હવે જાવોં સાથે વાત કરીને તેનું કાઉન્સેલિંગ કરાવવાનો પણ પ્રયાસ કરી
રહી છે.
મરિયામા કહે છે, ‘જે ઉંમરમાં બાળકોને વસિયત જેવા શબ્દોનો અર્થ પણ ખબર નથી હોતો એ ઉંમરમાં તેઓ વસિયત લખી રહ્યાં છે, જે ખૂબ ચિંતાજનક બાબત છે. જાવોં અને તેના જેવાં તમામ બાળકો સમક્ષ હજુ આખી જિંદગી પડી છે. તેમને તો વસિયત જેવી બાબતો અંગે હજુ વિચારવું પણ ન જોઈએ, પણ તેઓ રોજ જે પ્રકારની ઘટનાઓ વાંચે છે કે જુએ છે તેનાથી તેમના મગજમાં ખોટી બાબતો ઊભી થઈ રહી છે. મને ખાતરી છે કે કોઈ પણ મા-બાપ પોતાનાં સંતાનોને ડરના માહોલમાં મોટાં થતાં નહીં જોઈ શકે.’
જાવોં ડેવિસની પૂરી વસિયત...
‘સ્કૂલમાં આજ-કાલ કેટલાક ખરાબ અને લડાઈ કરતાં બાળકો પણ ભણવા લાગ્યાં છે. જો ક્યારેક મારી સ્કૂલમાં કોઈ ખરાબ બાળકે ગન ફાયરિંગ કરી દીધું તો હું ભગવાન પાસે ચાલ્યો જઈશ. તેવું થાય તો મારી તમામ વસ્તુઓ મારા બેસ્ટ ફ્રેન્ડ કે ફેમિલી પાસે રહેશે. મારું પ્લે સ્ટેશન, ટીવી, મારી પાલતું બિલાડી અને મારું ફેવરિટ જિયોમેટ્રી બોક્સ મારા બેસ્ટ ફ્રેન્ડ પાસે રહેશે. તે સ્કૂલમાં મને સાથ આપે છે, પણ મારાં કપડાં મમ્મી-પપ્પા પાસે જ રહેશે. મમ્મી-પપ્પાએ મને હંમેશાં મને ગમતાં કપડાં અપાવ્યાં છે. તેઓ મને ખૂબ પ્રેમ કરે છે. હંમેશાં
મારો સાથ આપે છે. ચિંતા ન કરશો. હું ભગવાનના હાથમાં સુરક્ષિત રહીશ. - આપનો જાવોં...’


comments powered by Disqus