રજાઓની આગવી મજા

સી. બી. પટેલ Wednesday 04th April 2018 06:33 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, બ્રિટનમાં અને લગભગ વિશ્વભરમાં ઈસ્ટરનું પવિત્ર પર્વ પરંપરાગત રીતે પ્રાર્થના સહિત ઉજવાયું. વર્ષોના વહેવા સાથે ક્રિસમસનું પર્વ ધાર્મિક પ્રસંગના બદલે જલસાબાજીનો પ્રસંગ બની ગયો છે, પરંતુ ઈસ્ટરનું આગવું મહત્ત્વ જળવાઇ રહ્યું છે. ઈસુ ખ્રિસ્તને ૪૦ દિવસ વધસ્તંભ પર ચઢાવી રાખવામાં આવ્યા બાદ તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પુનઃ અવતાર ધારણ કરે છે તેવી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની માન્યતા છે. જેમ હિન્દુઓ ધાર્મિક પ્રણાલીના ભાગરૂપે વ્રત રાખે છે અને તેના ભાગરૂપે ખાણીપીણીના ચોક્કસ વ્યંજનો કે પછી કોઇ ચીજવસ્તુઓ કે આચરણનો ત્યાગ કરે છે તે જ પ્રકારે ખ્રિસ્તી અનુયાયીઓ પણ આ દિવસો દરમિયાન વ્રત લે છે કે આ ૪૦ દિવસો દરમિયાન હું અમુક બાબત વર્જ્ય ગણીશ. પોતાના દેવાધિદેવ ભણી આસ્થા દર્શાવવાનો આ પણ એક પ્રકાર જ છે ને?
દુનિયાભરમાં વસતાં કેથલિક સંપ્રદાયના અનુયાયીઓના સર્વોચ્ચ ધર્મગુરુ નામદાર પોપ રોમના વેટિકનમાં ગુડ ફ્રાઇડે પર્વે સંભાષણ કરે છે, જેને સાંભળવા માટે લાખો અનુયાયીઓ ઉમટે છે. લંડનના ટાઇમ્સમાં શનિવારે પ્રસિદ્ધ થયેલા વિસ્તૃત લેખમાં નામદાર પોપ કહે છે કે સ્વર્ગ અને નર્ક જેવું કશું છે જ નહીં, આ બધા તો મનના વહેમ છે. આ સમાચાર ટાઇમ્સના પહેલા પાને પ્રસિદ્ધ થયા છે. તો બીજા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા આ સમાચાર સાથે નામદાર પોપના પ્રતિનિધિઓના વિગતવાર ખુલાસા પણ પ્રકાશિત થયા છે. જેમાં જણાવાયું છે કે નામદાર પોપે ‘આવું’ નથી કહ્યું, પણ ‘તેવું’ કહ્યું છે. સ્વર્ગ-નર્ક સંદર્ભે તેમના નિવેદન અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલો ગેરમાર્ગે દોરનારા છે, વગેરે વગેરે... રાજકારણીઓ એક નિવેદન કર્યા પછી વિવાદનો વંટોળ ઉઠતાં જ ફેરવી તોળતા હોય છે તેવી જ કંઇક વાત આ મામલામાં પણ હોય એવું લાગે છે.
ખરેખર તો ખ્રિસ્તી ધર્મમાં સ્વર્ગ અને નર્કની વાત એક પાયાનો સિદ્ધાંત ગણાય તેટલી હદે મહત્ત્વતા ધરાવે છે. આથી જ મોટા ભાગના ખ્રિસ્તીઓ પોતાને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ અવશ્ય ગણાવે છે, પરંતુ અમુક ધાર્મિક ક્રિયા કે વિધિમાં તેઓ માનતા ન હોવાનું કહે છે. આજે સમયના વહેણ સાથે યુવા પેઢીમાં નાસ્તિક્તાનું પ્રમાણ વધી રહ્યું છે તે પણ હકીકત છે.
યુરોપિયન દેશોની ૧૬થી ૨૯ વર્ષની યુવા પેઢીને આવરી લેતા એક સર્વેના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા તારણ અનુસાર, ઝેકોસ્લોવેકિયાના લગભગ ૯૦ ટકા લોકો પોતાને નાસ્તિક ગણાવે છે. આ પછીના ક્રમે ઇસ્ટોનિયા આવે છે, જેની ૮૦ ટકા યુવા પેઢી ધર્મ પ્રત્યે આસ્થા ધરાવતી નથી. યાદીમાં ત્રીજા નંબરે સ્વીડન આવે છે, જે દેશનું ૭૮ ટકા યુવા ધન નાસ્તિક છે. અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને આવતા નેધરલેન્ડ્સ અને યુકેની યુવાપેઢી ધાર્મિકતાના મુદ્દે લગભગ સમાન વલણ ધરાવે છે. આ દેશોનું ૬૪થી ૬૬ ટકા યુવા ધન ધર્મમાં આસ્થા ધરાવતું નથી. મતલબ કે નાસ્તિક છે. યાદીમાં પછીના ક્રમે આયર્લેન્ડ (૪૦ ટકા), સ્લોવેનિયા (૩૮ ટકા), ઓસ્ટ્રીયા (૩૭ ટકા), લીથુઆનિયા (૨૩ ટકા) અને પોલેન્ડ (૧૯ ટકા) સ્થાન ધરાવે છે. આ બધા લોકો સંપૂર્ણ નાસ્તિક છે કે થોડાક આસ્તિક છે તેમાં પડવાની જરૂર નથી.
ઈસ્ટર હોય કે ક્રિસમસ ડે, ૯૩ ટકા વર્ગ તો એવો છે કે તેને આવી કોઇ વાતની દરકાર જ નથી. તેઓ ચર્ચમાં જતા જ નથી. આજે કેટલાય લોકો એવા જોવા મળે છે કે જેઓ લગ્ન માટે ચર્ચમાં જવાના બદલે સરકારી દફતરે જઇને મેરેજ રજિસ્ટર કરાવવાનું વધુ પસંદ કરે છે. અલબત્ત, આ લોકો ભલે પરંપરાપૂર્વક પોતાના ધર્મને અનુસરતા ન હોય, પરંતુ સંસ્કારે તો ખ્રિસ્તી જ છે.
અમુક ધર્મમાં માન્યતા હોય છે કે કોઇ પણ વ્યક્તિ ધાર્મિક હિતોનું (તેમની સમજ પ્રમાણે) જતન કરતાં કરતાં પોતાના જીવનનું બલિદાન આપે તો મૃત્યુ બાદ તેનો જીવ સ્વર્ગમાં સ્થાન પામતો હોય છે, અપ્સરાઓ તેની સેવાચાકરી કરે છે વગેરે. જોકે લોકો હવે આ પરંપરાગત માન્યતાથી પણ વિચલિત થઇ રહ્યા છે. મુખ્ય બાબત તો એ છે કે નર્ક કે સ્વર્ગ જેવું કંઇ હોતું જ નથી એવું નામદાર પોપે ભલે આજે કહ્યું હોય, પરંતુ હકીકત તો એ છે કે આ વાતને વિજ્ઞાનનું પણ સમર્થન નથી. હા, પુનર્જન્મમાં માનનારાઓ એક દલીલ અવશ્ય કરે છે કે ગયા જન્મમાં પાપ કર્યા હોય તો આ જન્મમાં દુઃખ ભોગવવા પડે છે અને ગયા જન્મમાં પૂણ્ય કર્યા હોય તો આ જન્મે સુખસમૃદ્ધિ માણવા મળે છે. હવે વાચક મિત્રો, તમે કહો કે ઈશ્વર પાસે તે વળી ક્યાં એવું સુપર કોમ્પ્યુટર હોવાનું કે જે આ ધરતી પર શ્વસતા દરેક જીવના પાપ-પૂણ્યના હિસાબકિતાબ રાખે?
તો શું પાપ-પૂણ્યની ચિંતા કર્યા વગર બેફામ જિંદગી જીવ્યે જવાની? ના... સાચું તો એ છે કે જેવા તમારા વિચારો તેવી તમારી વાણી અને જેવી તમારી વાણી તેવું જ તમારું વર્તન. જો વિચાર - વાણી અને વર્તન વચ્ચે તાદાતમ્ય, એકસૂત્રતા જળવાશે, તેનો ત્રિવેણીસંગમ રચવામાં તમે સફળ થયા તો તમારું જીવન ધન્ય થઇ ગયું. તમે કોઇ ધર્મને માનતા હો કે નહીં, એક મનુષ્ય તરીકે તમે સફળ જીવનની ચાવી મેળવી ચૂક્યા છો એમ માની લેજો.

સૂરીલો વીકએન્ડ!

મથાળું વાંચીને ચોંકી જવાની જરૂર નથી. ઘણા માટે વીકએન્ડ ‘મોજીલો’ હોય છે, આ દિવસો તેમના માટે મોજમસ્તીનો અવસર લઇને આવતા હોય છે, પરંતુ મારા માટે આ વીકએન્ડ ‘સૂરિલો’ રહ્યો. ઈસ્ટરની રજાઓમાં, લોંગ વીકએન્ડમાં આપ સહુ મ્હાલ્યા હશો તેમ મેં પણ આ રજાઓ માણી. ત્રણ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી. મિત્રો-સ્વજનોને હળ્યો-મળ્યો તો સાથે સાથે કામ પણ કર્યું. પસંદ અપની અપની, ખયાલ અપના અપના. મને ચેતનવંતો રાખવામાં સતત સક્રિયતાનું અનેરું યોગદાન હોવાનું હું સ્પષ્ટ માનું છું.
શુક્રવારે ભારતીય વિદ્યાભવનમાં એક ફિલ્મી ગીત-સંગીત-નૃત્યના કાર્યક્રમમાં બે કલાક હાજરી આપી. કાર્યક્રમમાં બોલીવૂડ ગીતો પર નૃત્યો રજૂ થયા હતા. જોકે આ ગીતો કૂદાકૂદવાળા કે શરીરના દરેક અંગને હચમચાવી નાખે તેવા આધુનિક ગીતો નહોતા. હિન્દી ફિલ્મ ઉદ્યોગના અનેક ગીતો શાસ્ત્રીય નૃત્યો, રાગરાગિણી પર આધારિત છે. વૈજયંતિમાલા, હેમા માલિની, શ્રીદેવી આવા નૃત્ય કરી શકનાર કલાકારોની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ત્રણેય કલાકારો ભલે અલગ અલગ હોય, પરંતુ તેમની વચ્ચે એક વાતે સામ્યતા છે. આ ત્રણેય દક્ષિણ ભારતના છે, અને દક્ષિણ ભારતના લોકો શાસ્ત્રીય ગીત-સંગીત કે નૃત્યમાં પારંગતતા ધરાવતા હોય છે. આ કાર્યક્રમ મન ભરીને માણ્યો.
શનિવાર નિસ્ડન સ્વામીનારાયણ મંદિરની નિશ્રામાં વીતાવ્યો. મંદિરમાં રામનવમી, શ્રીજી જયંતી સહિતના પર્વે યોજાયેલી સભામાં સાડા ત્રણ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. આ સભામાં ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને અમદાવાદથી પ્રકાશિત થતા ‘નવગુજરાત સમય’ના નિવાસી તંત્રીશ્રી અજય ઉમટે રસાળ શૈલીમાં, પણ વિદ્વતાભર્યું વક્તવ્ય આપ્યું. તેમના વક્તવ્યનો કેન્દ્રીય મુદ્દો એ હતો કે ૨૦૦૨માં ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે એક સાચા સંતને શોભે તેમ, વાણી-વર્તન-વિચારને અનુરૂપ વર્તન કર્યું હતું. આજે અબુધાબી જેવા અરબ દેશમાં ભવ્ય અને શીખરબદ્ધ સ્વામીનારાયણ મંદિર સાકાર થઇ રહ્યું છે તેના પાયામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેરક સંદેશ રહેલો છેઃ
અવેરે જ શમે વેર, ન શમે વેર વેરથી
કંઇક આવું જ પશ્ચિમ બંગાળના આસનસોલમાં બન્યું છે. ત્યાં બે સમુદાય વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ફાટી નીકળેલી હિંસક અથડામણોમાં એક મૌલવીનો પુત્ર માર્યો ગયો. મારો-કાપોના નારા ગાજી રહ્યા હતા. હિંસા વધુ વકરે તેવો તણાવપૂર્ણ માહોલ હતો, પરંતુ મૌલવીએ કહ્યું કે કોઇએ કશું કરવાનું નથી. કોઇએ ઉશ્કેરાવાનું નથી. જે થવાનું હતું તે થઇ ગયું, માહોલ વધુ બગાડવાની જરૂર નથી. મારે વેરઝેર ન જોઇએ, સહુ કોઇ સંપ-સુલેહ-શાંતિથી રહે તેમ ઇચ્છું છું. સુયોગ્ય વિચાર-વાણી-વર્તનનો ત્રિવેણીસંગમ રચાય ત્યારે જ સામાજિક પ્રતિબદ્ધતાનો આવો હકારાત્મક અભિગમ સર્જાતો હોય છે.
રવિવારે ગ્રીનફર્ડ ટાઉન હોલમાં જુદા પ્રકારનો સંગીત જલ્સો માણ્યો. પૂરા ત્રણ કલાકના કાર્યક્રમમાં કમલેશ અવત્સ્થી, વર્ષાબહેન કુલકર્ણી અને જયુ રાવલના સૂરિલા કંઠે હિન્દી ફિલ્મજગતના યાદગાર ગીતો માણ્યા. ૩૫૦ કરતાં વધુ શ્રોતાઓથી હકડેઠઠ ભરાયેલા કાર્યક્રમમાં સહુ કોઇના મસ્તક સૂર સાથે તાલ મિલાવતા ઝૂલતાં દેખાતા હતા. કાર્યક્રમ પૂરો થયે કોઇ શ્રોતાને ગરદનના સ્નાયુનો દુઃખાવો ન થઇ ગયો હોય તો સારું! લગભગ ૧૧ વાગ્યે કાર્યક્રમ પૂરો થયો અને શ્રોતાઓ વિખેરાતા હતા ત્યારે તેમના ચહેરા પર અદભૂત કાર્યક્રમ માણ્યાનો આનંદ વર્તાતો હતો.
ગીત હોય, ગઝલ હોય, સંગીત હોય, ભજન હોય, કવિતા હોય, પણ તેની સાથે સંગીતનો સમન્વય રચાય, સ્વર-સંગીતનો સંગમ રચાય ત્યારે - હું તો માનું છું કે - ધરતી પર સ્વર્ગ ઉતરી આવતું હોય છે. આવા સ્વર્ગમાં વિહરતાં વિહરતાં જ મનમાં વિચાર ઝબકી ગયો કે આવા સૂરીલો સંગમ કર્ણપટલ પર પહોંચતાં જ અંતરના દ્વાર ઉઘાડી નાંખતો હોય છે. કાન સાંભળે છે, આંખો જૂએ છે, પણ દિલોદિમાગ તેના સ્પંદન અનુભવે છે. અને અંતરમનના પરદે ‘ફિલ્મ’ શરૂ થાય છે. જેમાં કોઇ પ્રસંગ પણ હોય શકે છે અને સંસ્મરણ પણ, કોઇ કલ્પનાના તરંગ પણ હોય શકે છે અને અપેક્ષાની ભરમાર પણ હોય શકે છે. ‘આજા સનમ મધુર ચાંદની મૈં હમ...’ ગીત પણ યાદ આવી જાય અને એવું પણ બને કે છેક તે ઘડીએ ભાન થાય કે અરે, આ તો પ્રિયપાત્રે મને ‘ઇજન’ મોકલ્યું હતું, પણ હું સાવ ‘ડોબો’ કે તે ઘડીનો સંકેત સમજી ન શક્યો. સંભવ છે કે એવું પણ બની શકે કે નજર સામે સુખદુઃખની ઘટમાળ પણ તરવરી ઉઠે. પ્રેમ, વિરહ, સુખદુઃખ વગેરે બધા જ પરિબળો આપણે સહજપણે અનુભવતા હોઇએ છીએ. વાચક મિત્રો, મેં એક વાત ખાસ અનુભવી છે કે ગીત-સંગીત હોય છે ત્યાં દ્વેષ, ધિક્કાર, વેરઝેર, ઉદ્વેગ, હિંસા જેવા ખંડનાત્મક પરિબળોને કોઇ સ્થાન હોતું નથી. સંગીતનાં સ્પંદન વ્યક્તિને દૂર-સુદૂર એક અનોખા મુકામ પર પહોંચાડી દેતા હોય છે. લો ને મારી જ વાત કરું...
મેં મારા પરિવારજનોને, સાથીદારોને, મિત્રોને ૧૫ માર્ચે એક અંગત નોંધ મોકલી હતી. મારા જીવનમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ હતું. તે દિવસે તિથિ પ્રમાણે મને ૮૧ વર્ષ પૂરા થયા હતા. મેં આ અવસરે મારી જીવનયાત્રાને નજર સમક્ષ રાખીને પત્રમાં મારી લાગણી વ્યક્ત કરી હતી. પત્રની સાથે બધાને હિન્દી ફિલ્મોના પાંચ ગીત, કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતા અને પ.પૂ. કૃપાળુ સ્વામી લિખિત એક ગીત પણ મોકલ્યા હતા. પત્ર સાથે આ સાત કૃતિ મોકલવાનું મુખ્ય કારણ એટલું જ છે કે હું વ્યક્તિગત રીતે માનું છું કે આ સાતેય કૃતિઓ મારા જીવન સાથે એક યા બીજા પ્રકારે સંકળાયેલી છે. શક્ય હશે તો મારા સાથીદારો આ પત્ર અને સાતેય કૃતિઓ આપણા બન્ને સાપ્તાહિકોની વેબસાઇટ www.gujarat-samachar.com અને www.asian-voice.com પર રજૂ કરશે અને બન્ને સાપ્તાહિકોમાં આની જાણકારી પ્રકાશિત કરીને આપ સહુને માહિતગાર પણ કરશે.
વાત મારી જ ચાલી રહી છે ત્યારે બીજો એક નાનો, પણ મહત્ત્વનો ખુલાસો કરવાનું મને જરૂરી લાગે છે. બહેન જ્યોત્સના શાહે ગયા સપ્તાહે ‘ગુજરાત સમાચાર’ના પાન નં. ૨૮ ઉપર પૂ. તારાબહેનને સુંદર શ્રદ્ધાંજલિ આપી હતી. આ લેખમાં એક ઉલ્લેખ છે કે સી.બી. ‘અસ્વસ્થ’ હોવાથી પ્રાર્થનાસભામાં જઇ ન શક્યા. આ વાંચીને આપનામાંથી કેટલાય દયાળુ સજ્જનોએ ફોન-ઇમેઇલ થકી મારી તબિયતની પૃચ્છા કરી. આપ સહુને જણાવવાનું કે મારી તંદુરસ્તી હેમખેમ છે, પણ પે’લા મારા ‘કાયમી મિત્ર’ની સારસંભાળ લેવામાં થોડીક થાપ ખાઇ ગયો એમાં ગરબડ થઇ ગઇ.
અગાઉના શુક્રવારે બહાર લંચમાં ગયો હતો. દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં દોડધામ તો ખરી જ. આમાં બ્લડ સુગર લેવલ ઊંચાનીચું થઇ ગયું. શરીરે કંઇક ગરબડ હોવાનો સંકેત આપ્યો કે પૂરા ૪૮ કલાક આરામ કર્યો. શાંતિથી નિવાસસ્થાને જ રહ્યો અને ડાયાબિટીસને પપલાવ્યો. થોડીક કાળજી લીધી કે બંદા ટનાટન. આમ, અસ્વસ્થતા એ અર્થમાં હતી, તે સિવાય બીજું કંઇ જ નહોતું. આપ સહુની મારા પ્રત્યેની ભલી લાગણી માટે આભાર... આપ સહુને ચિંતા કરાવી દીધી તે માટે દિલગીરી વ્યક્ત કરું છું...

'ચોગમ' અને બ્રિટનમાં ન.મો.નું આગમન

દર બે વર્ષે કોમનવેલ્થ દેશોના વડાઓની શીખર પરિષદ યોજાય છે. આ વખતે પરિષદ બ્રિટનના યજમાનપદે યોજાઇ રહી છે. ૧૬ એપ્રિલથી તે લંડનમાં શરૂ થશે, જેમાં નામદાર મહારાણી સહિતના મહાનુભાવો હાજરી આપશે. ૯૩ વર્ષના નામદાર મહારાણી અગાઉ જ જાહેર કરી ચૂક્યા છે કે સંગઠનના વડા તરીકે તેમની આ આખરી પરિષદ હશે. આગામી પરિષદમાં બ્રિટનનું પ્રતિનિધિ મંડળ પ્રિન્સ ચાર્લ્સના નેતૃત્વમાં બેઠકમાં હાજરી આપશે.
આ વેળા ‘ચોગમ’ પરિષદમાં આઠ વર્ષના લાંબા અરસા બાદ ભારતના વડા પ્રધાન - નરેન્દ્ર મોદી - હાજરી આપશે. ‘ચોગમ’માં નરેન્દ્રભાઇ મોદીને મહત્ત્વપૂર્ણ સ્થાન અપાયું છે. ખુદ નામદાર ક્વીને તેમને અંગત આમંત્રણ પત્ર લખ્યો હતો. દેશ-વિદેશમાં વસતાં ભારતીયોના હૃદયમાં બિરાજતા લોકલાડીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલે લંડન આવી રહ્યા છે. આ સમયે ગુજરાત સમાચાર - એશિયન વોઇસ વિશેષાંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત લંડનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં એક કાર્યક્રમ ‘ભારતીયો કા સાથ, સબ કા વિકાસ’ કાર્યક્રમ પણ યોજાયો છે. માત્ર ૧૫૦૦ આમંત્રિતો પૂરતા સીમિત આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હજારો લોકોએ નામ નોંધાવ્યા છે. આથી લોકોની પસંદગી રેફલથી કરવી પડશે. આને નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકચાહના જ કહી શકાય.
ભારત પણ સમય સાથે કરવટ બદલી રહ્યું છે - જમીનથી લઇને આસમાન સુધી જ્યાં પણ નજર કરશો તમને આપણો દેશ આગેકૂચ કરતો જોવા મળશે. જોકે કમનસીબી છે રાજકારણમાં પ્રવેશેલું દૂષણ. એકમેકને નીચા દેખાડવા માટે નેતાઓ વ્યક્તિગત આક્ષેપો સાથે હીનકક્ષાનું રાજકારણ ખેલી રહ્યા છે. નેતાઓનું આ નકારાત્મક વલણ ભારતની આંતરરાષ્ટ્રીય છબી માટે નુકસાનકારક છે. નેતાઓની જ મથરાવટી મેલી છે એવું નથી, સમાજનો એક વર્ગ પણ તેમની નિમ્ન માનસિક્તા થકી સામાજિક તાણાવાણાને નુકસાન કરી રહ્યો છે. સમાજમાં આજે પણ ઊંચનીચના ભેદભાવ પ્રવર્તે છે. પરિણામે આઝાદીના સાત દસકા પછી પણ દેશમાં સમરસતા કાગળ પર જ રહી ગઇ છે.
અલબત્ત, આ બધા પ્રશ્નો હોવા છતાં હું વ્યક્તિગત રીતે માનું છું કે છેલ્લા ૭૦ વર્ષમાં અત્યારે ભારતનો સૂર્ય અત્યંત સંગીન રીતે ઉપર ચઢી રહ્યો છે.

ક્રિકેટનું કમઠાણ

ક્રિકેટની રમતમાં સૌથી શ્રેષ્ઠ ટીમોની યાદી તૈયાર થાય તો ટોપ-થ્રીમાં ઓસ્ટ્રેલિયાનું નામ અચૂક સામેલ કરવું પડે. ત્રણ - સાડા ત્રણ કરોડની વસ્તી ધરાવતો આ દેશ ભારત કરતાં ત્રણ ગણા વિસ્તારમાં ફેલાયેલો છે. રગ્બી, ક્રિકેટ, ટેનિસ સહિત અનેક રમતોમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના નામના સિક્કા પડે છે એમ કહી શકાય. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથનો સિતારો બુલંદી પર હતો, પણ કહેવાય છે ને કે લોભને થોભ ન હોય. જ્યારે અહં માથા પર ચઢી જાય ત્યારે પતન નિશ્ચિત હોય છે. ઓસ્ટ્રેલિયાનું પણ કંઇક આવું જ થયું છે.
કેપ્ટન સ્મિથ ઉપરાંત બોલર કેમરુન બેનક્રોફ્ટ, વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નર બોલ સાથે ચેડાં કરતાં રંગેહાથ ઝડપાઇ ગયા. દુનિયાભરમાંથી તેમના માથે માછલાં ધોવાયાં. પશ્ચિમના દેશોમાં જાહેરમાં રડવું એ અસામાન્ય ગણાય, પરંતુ આ ત્રણેય વિશ્વભરના પત્રકારો - કેમેરામેનોની હાજરીમાં રડ્યાં અને અફસોસ પણ વ્યક્ત કર્યો કે અમારાથી ભૂલ થઇ ગઇ છે. આપ સહુએ આ બધું ટીવી પરદે નિહાળ્યું હશે. આ જોઇને ઘણાના મનમાં સહાનુભૂતિ પણ જન્મી હશે, પરંતુ બ્રિટનના એક વરિષ્ઠ પત્રકાર - રમત વિવેચકે લખ્યું છે કે આ તો મગરના આંસુ છે. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ તો બેશરમ છે. ભવિષ્યમાં આવા કાળાં કામ કરતાં જ રહેવાના છે.
વાચક મિત્રો, આપણી દેશી ભાષામાં કહું તો આ વરિષ્ઠ પત્રકાર - રમત વિવેચકનું કહેવું હતું કે આ તો રડતી રાધા છે. ચાવવાના અને દેખાડવાના તેમના દાંત જુદા છે. આપણી ભાષાના રાજ-કવિ કલાપીએ તો લખ્યું છેઃ

હા! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

લાઠી-નરેશે બહુ સરસ વાત કરી છે કે પાપી અંતઃકરણપૂર્વક પસ્તાવો વ્યક્ત કરે છે ત્યારે તેના તમામ પાપ, દોષ ધોવાઇ જાય છે. પરંતુ મિત્રો, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છે... તેમની આંખોમાં ભલે ખોબા જેવડા આંસુડા જોવા મળે, પણ ભૂતકાળના કરતૂતો જોતાં મને તો નથી લાગતું કે તેઓ પસ્તાવાની આવી ઉચ્ચ ભાવના કે માનસિક્તા ધરાવે છે.

ગુજરાત સમાચારને જોઇએ છે આપનો સહયોગ

વાચક મિત્રો, આપ સહુની સેવામાં નીતનવી વાચનસામગ્રી રજૂ કરવા માટે અમારા તંત્રીમંડળના સભ્યો પ્રબળ ઇચ્છા ધરાવે છે. તેમની કર્તવ્યનિષ્ઠાને આપ જોઇ શકો છો. પણ કેટલાક મુદ્દે જો આપ વાચકો અમને મદદ કરો તો અમને સરળતા રહે. સોનામાં સુગંધ ભળે.
૧) આપ જ્યાં વસતા હો અથવા તો અત્રે કે અગાઉ જ્યાં વસવાટ કર્યો હોય તે સ્થળ વિશે આપ ૫૦૦-૭૦૦ શબ્દોમાં લખી મોકલો. લેખમાં આપે જણાવવાનું છે આ સ્થળ સાથેનું આપનું અનુસંધાન, સંસ્મરણ, જીવનયાત્રામાં તેનું યોગદાન વગેરે. આપના તરફથી જે કોઇ પણ લેખો અમને મળશે તે કાર્યાલય બહારની ત્રણ વ્યક્તિઓની બનેલી પસંદગી સમિતિને સોંપાશે, અને તેમના દ્વારા પસંદ થયેલા લેખો આપણા સાપ્તાહિકમાં પ્રસિદ્ધ કરવાનો અમારો ઇરાદો છે.
૨) આપ જિંદગીમાં એવા પ્રસંગો જોયા, અનુભવ્યા હશે, જેમણે આપનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જ બદલી નાંખ્યો હોય. આવો કોઇ અનુભવ આપના માટે નોકરી-વ્યવસાય, અભ્યાસ કે પરિવાર સંબંધમાં ટર્નિંગ પોઇન્ટ બન્યો હોય તેવું પણ બની શકે. આવી કોઇ પણ ઘટમાળ વાચકો સાથે વહેંચાય તો સહુને જાણવું ગમશે, તેમના માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. આપનો અનુભવ તેમના જીવનમાં પણ માર્ગ-દર્શક બની શકે છે.
અને ત્રીજી વાત... કેટલાય વાચકો એક યા બીજા સમયે મારી સાથેની વાતચીતમાં એવી રજૂઆત કરી ચૂક્યા છે કે ગુજરાત સમાચારમાં ક્વીઝ - કોયડાનો કોઇ વિભાગ શરૂ કરો. મગજને કસરત કરાવે તેવા આઠ - દસ પ્રશ્નો મૂકો અને વાચકોનો પ્રતિસાદ મેળવો. જેમના જવાબ સાચા હોય તેમના નામ પ્રકાશિત કરો.
વાચક મિત્રો, અમે આ પ્રકારે ક્વીઝ શરૂ કરવા તૈયાર છીએ. ઇતિહાસ, ભૂગોળ કે પછી સાંપ્રત પ્રવાહોને સાંકળી લેતાં વિષયો પરની આ ક્વીઝના માધ્યમથી, આ અખબારના માધ્યમથી અમે વાચકો સાથે સીધો સંવાદ શરૂ કરવા માગીએ છીએ...
... પરંતુ આ માટે આપનો સહકાર અનિવાર્ય છે. અમે ઇચ્છીએ છીએ આપની મદદ. કોઇ વ્યક્તિ કે જે આ ક્વીઝનું સંચાલન કરી શકે, તેને સમજી શકે, રસપ્રદ રજૂઆત માટે આયોજન કરી શકે તેમની મદદની અમારે જરૂર છે. આ વિભાગ માટે ગુજરાત સમાચારનું એક પાન ફાળવવા તૈયાર છીએ. શું આપ તૈયાર છો? કૃપા કરીને મને લખી જણાવો. મારું ઇ-મેઇલ આઇડી છેઃ [email protected]
આપના ઉમળકાભર્યા પ્રતિભાવની આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. (ક્રમશઃ)


comments powered by Disqus